ભુજ/ગાંધીધામ, તા. 31 : માંડવીના
દરશડીમાંથી 12.75 લાખના શરાબ સહિત બે ફોર-વ્હીલર્સ
તથા એક બાઇક સહિત કુલ્લે રૂા. 23 લાખના મુદ્દામાલ
સાથે એક સગીરને એલસીબીએ ઝડપી પાડયો હતો. જ્યારે બે મુખ્ય આરોપી અંધારાનો લાભ લઇ નાસી
છૂટવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ ગાંધીધામમાં સેકટર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી કારમાંથી 4.16 લાખની કિંમતનો શરાબ ઝડપાયો હતો. પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો
છે. ઉપરાંત ગાંધીધામના કિડાણામાં રહેણાક મકાન પાસે અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. જો કે પોલીસને જોઈને બે આરોપીઓ
નાસી જવામાં સફળ રહ્યા હતા. એલસીબીના પીએસઆઇ એમ.એચ. શીલોણની સૂચનાના પગલે તેમની ટીમના
એએસઆઇ નીલેશભાઇ ભટ્ટ, દેવજીભાઇ મહેશ્વરી,
હે.કો. ધર્મેન્દ્રભાઇ રાવલ, મૂળરાજભાઇ ગઢવી,
શક્તિસિંહ ગઢવી, રણજિતસિંહ જાડેજા ગઢશીશા વિસ્તારમાં
નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે દરશડી પાટિયા પાસે પહોંચતાં નીલેશભાઇને ખાનગી બાતમી મળી હતી કે, ભાવસંગજી
ભગુભા જાડેજા (રહે. દરબારગઢ, દરશડી) અને રામસંગજી દોલુભા જાડેજા
(રહે. ચુનડી) તેમના મળતિયા સાથે મળી દરશડીમાં
મોમાયમોરા તરફ જતા રસ્તા પર મફત-નગરમાં આવેલી ખુલ્લી જગ્યામાં પોતાના કબજાની ગાડીઓમાં
બહારથી શરાબનો જથ્થો મગાવીને રાખ્યો છે જે સગેવગે કરવાની ફિરાકમાં છે. આ બાતમીના પગલે
એલસીબીએ પરોઢે દરોડો પાડતાં પોલીસને જોઇ ત્રણ આરોપી નાસવા લાગ્યા હતા. જેમાં એક કાયદાના
સંઘર્ષમાં આવેલો બાળકિશોર ઝડપાઇ ગયો હતો. જ્યારે અન્ય બે આરોપી ભાવસંગજી અને રામસંગજી
અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા. દરોડા દરમ્યાન અલગ અલગ બ્રાન્ડની શરાબની નાની-મોટી
1026 બોટલ જેની કિં. રૂા. 12,75,600, સફેદ બોલેરો નં. જી.જે.-12-ઇઇ- 4640 કિં. રૂા. પાંચ લાખ, ક્રેટા કાર નં. જી.જે.-12-સીજી- 8754 જેની કિં. રૂા. પાંચ લાખ તથા
બાઇક નં. જી.જે.-12-બીબી -0366 કિં. રૂા. 25000 એમ કુલ્લે રૂા. 23,00,600નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે
વિરુદ્ધ ગઢશીશા પોલીસ મથકે ગુનો દાખલ કરી નાસેલા આરોપી ભાવસંગજી અને રામસંગજીને ઝડપવા
પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી બાજુ ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ દ્વારા આજે સવારના
અરસામાં શહેરના સેકટર વિસ્તારમાં કાર્યવાહી
કરાઈ હતી. સેકટર એકમાં ગુજરાત કો-ઓપરેટિવ
બેન્કની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં પડેલી કારમાં અંગ્રેજી શરાબ હોવાની બાતમી મળી હતી. ઘટનાસ્થળે જઈને કારની તપાસ
કરાતાં જુદી જુદી બ્રાન્ડની 372 નંગ બોટલો નીકળી પડી હતી. ઝડપાયેલા
શરાબના જથ્થાની કિંમત રૂા. 4.16 લાખ આંકવામાં
આવી છે. પોલીસે અજાણયા કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે
જીજે.-12-બી.એફ.- 4232 નંબરની કાર પણ કબજે કરાઈ
છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પૂર્વ બાતમીના આધારે પોલીસે કિડાણામાં રાધેનગર પ્લોટ નંબર 108 ખાતે કાર્યવાહી કરી હતી.
ગોવિંદ ઉર્ફે ગવલો ડાયાલાલ ચંદેએ પોતાના માણસને સ્વિફટ કાર લઈને કિડાણા શરાબ વેચવા
માટે મોકલ્યો હોવાની એલસીબીને બાતમી મળી હતી. પોલીસ પહોંચી ત્યારે આરોપી લક્ષ્મણગિરિ ગોવિંદગિરિ ગોસ્વામી અને શખ્સ
દારૂની હેરાફેરી કરતા હતા. પોલીસને જોઈને આરોપીઓ નાસી ગયા હતા. રહેણાક મકાનની ગેલેરીમાંથી 79,200ની કિંમતનો શરાબ કબજે
કરાયો હતો.