અમેરિકાના ટેરિફ ફેઈમ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં
આખરે નોબેલ પુરસ્કાર પહોંચ્યો. આમ તો એવું કહેવું યથાર્થ રહેશે કે, તેમના હાથ `નોબેલ'
ખિતાબ સુધી પહોંચી ગયા. ટ્રમ્પના હાથમાં `નોબેલ'
પુરસ્કારવાળી તસવીરો આખાં જગતમાં વાયરલ છે, પરંતુ
આ `સેકન્ડ હેન્ડ' નોબેલ પુરસ્કાર છે. જે રીતે આ ખિતાબની લેવડ-દેવડ
થઈ છે તે જોતાં ટ્રમ્પ જેવા વિશ્વના અગ્રીમ મહાસત્તાના વડાને આ રીતે કોઈ પુરસ્કાર લેવો
શોભે નહીં. વેનેઝુએલા દેશના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કર્યા પછી ટ્રમ્પ કોઈ
પ્રથમ વેનેઝુએલાવાસીને મળ્યા હોય તો તે વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડો છે અને મારિયાબેને
તેમને મળેલો નોબેલ પુરસ્કાર ટ્રમ્પના ચરણે ધરી દીધો છે. નોબેલ સમિતિથી લઈને અનેક લોકોએ
તેની ટીકા કરી છે, વિશ્વના આટલા પ્રતિષ્ઠિત એવોર્ડની આમ ફેરબદલ
યોગ્ય નથી. નોબેલ પુરસ્કાર દર વર્ષે વિવિધ ક્ષેત્ર માટે જાહેર થાય છે. ગત વર્ષે તેની
ઘોષણા થઈ તે પૂર્વેથી ટ્રમ્પને આશા હતી કે શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર તેમને પોતાને
મળે. આ હરખમાં જ તેમણે ભારત-પાકિસ્તાનના યુદ્ધવિરામમાં પોતે નિમિત્ત છે તેવું પણ જાહેર
કરી દીધું હતું. કોઈ પણ વ્યક્તિને આવી ઈચ્છા-અપેક્ષા હોવી તે કોઈ અપરાધ કે અયોગ્ય વાત
નથી. ટ્રમ્પને `મેગસેસે' કે `નોબેલ'ની અપેક્ષા
હોય તો હોય. સામાન્ય રીતે કોઈ પણ સન્માન કે પુરસ્કાર મેળવવાના ન હોય તે મળે તો જ મેળવનારની
ગરિમા જળવાય. `મને માન આપો' એવું કહેવાથી મળતું માન માન નથી. સામાન્ય સ્તરે
અપાતા એવોર્ડથી શરૂ કરી આવા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવા માટેની લાયકાત કેળવવી અને પછી
એવોર્ડ મેળવવા તેમાં જીવનની સાર્થકતા છે. આ આદર્શને પણ વિસારે પાડી દઈએ તો ટ્રમ્પને
એવોર્ડ મેળવવા માટેના પ્રયાસ કરવાનો અધિકાર ખરો, પરંતુ આમ કોઈને
મળેલો એવોર્ડ તેમને આપી દેવામાં આવે તે આશ્ચર્યજનક અને અયોગ્ય જ લાગે. ટ્રમ્પને શાંતિ
માટેનો નોબેલ પુરસ્કાર મળવો જોઈએ કે નહીં તે ચર્ચા અલગ છે. જો સહજ રીતે, નોબેલ સમિતિ આ નિર્ણય લે તો નોબેલ મળે અને ટ્રમ્પ કે કોઈ પણ અભિનંદનના અધિકારી
બને, પરંતુ આવું હસ્તાંતરણ આ કક્ષાએ કઈ રીતે શોભે? વેનેઝુએલાના નાગરિકોના લોકતાંત્રિક અધિકારો અંગેના પ્રયાસો માટે, સરમુખત્યારશાહી સામે લડવા માટે મચાડોને 2025ના ઓક્ટોબરમાં આ પ્રસિદ્ધ પુરસ્કારથી
સન્માનિત કરાયાં હતાં. તે સમયે જ વિવાદ તો થયો હતો. હવે તેમણે સામે ચાલીને આ પુરસ્કાર
ટ્રમ્પને આપ્યો છે અને ટ્રમ્પે સ્મિતભેર સ્વીકારી લીધો છે. મચાડોએ એવું કહ્યું છે કે, `200 વર્ષ પૂર્વે
માકિસ ડે લાફાયેટે જ્યોર્જ વાશિંગ્ટનની તસવીરવાળો મેડલ સાઈમન બોલિવરને આપ્યો હતો, જે અમેરિકા અને વેનેઝુએલાની વચ્ચે સ્વતંત્રતાની
લડાઈનું પ્રતીક હતો. હવે બોલિવરના લોકોએ વાશિંગ્ટનના ઉત્તરાધિકારી-ટ્રમ્પને આ નોબેલ
પરત આપ્યો છે.' નોબેલ સમિતિ આ વલણ સાથે સંમત નથી. નિયમ એવું કહે
છે કે, પુરસ્કારની ઘોષણા પછી તેને રદ કરી શકાતો નથી. વિજેતાના
નામની ઘોષણા થઈ જાય તો નિર્ણય અંતિમ રહે છે. પુરસ્કાર એક જ વ્યક્તિ માટે હોય છે તે
બે કે તેથી વધારે વ્યક્તિ વચ્ચે વિભાજિત થઈ શકતો નથી. તે કોઈ વ્યક્તિને ભેટ પણ આપી
શકાતો નથી. મૂળ વિજેતા જ નોબેલ પુરસ્કાર વિજેતા કહેવાશે એટલે ટ્રમ્પના હાથમાં નોબેલ
છે, પરંતુ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર મેળવનારની સત્તાવાર યાદીમાં
સમિતિ તરફથી નથી. મારિયા મચાડોએ આદરથી આ પુરસ્કાર આપ્યો હોય તો પણ ટ્રમ્પે જો આદરપૂર્વક
તેનો અસ્વીકાર કર્યો હોત તો નોબેલ અને ટ્રમ્પ બન્નેની ગરિમા જળવાઈ શકી હોત.