મે 2025માં
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરના નામે જે કૌવત અને ક્ષમતા બતાવી તેની ચર્ચા તો હજી
ચાલી જ રહી છે, પરંતુ તેના નિશાન પણ યથાવત્ છે. અગાઉ સર્જિકલ સ્ટ્રાઇક વખતે પુરાવા માગતા
નેતાઓના મોં પણ આ વખતે બંધ રહ્યાં હતાં. પહેલગામમાં થયેલા આતંકી પ્રહાર બાદ વળતો
ઘા થયો, ત્યારે દુનિયા જોતી રહી ગઈ હતી. વારંવાર ભારત સરકાર
અને સેના કહે છે કે, આ ઓપરેશન પૂર્ણ થયું નથી. સિંદૂર વખતે
જે કંઈ થયું તેનો વધુ એક વીડિયો દેશની સેનાએ જાહેર કરીને આતંકવાદી પ્રવૃત્તિ સામે
પોતે શું કરી શકે તેમ છે અને શું કર્યું હતું તેની સાબિતી આપી દીધી છે. સેના દિવસ
નિમિત્તે જાહેર થયેલો એક વીડિયો ઘણો મોટો સંદેશ આપી જાય છે. 2001માં
સંસદ ઉપર થયેલો હુમલો, 2002માં અક્ષરધામને આતંકીઓએ લક્ષ્ય બનાવ્યું, 2008માં મુંબઈમાં, 2016માં ઉરીમાં થયેલો પ્રહાર અને પછી
પુલવામા 2019, પહેલગામ 2025ની યાદ ત્યાં અપાવવામાં આવી છે.
માનવતા ઉપર આ હુમલા થયા છે,
તેવું ભારતીય સેનાએ કહ્યું છે, પછી 2025ની
છઠ્ઠી મેની મધરાત એટલે કે, 7મી મેએ
થયેલાં ઓપરેશન સિંદૂરના દૃશ્યો ત્યાં મૂકાયાં છે. ભારતીય સશત્રદળની તાકાત, લડાયક મિજાજનો પણ ઉલ્લેખ
છે. પાકિસ્તાનના આતંકી અડ્ડા, હવાઈપટ્ટી સહિતનાં સ્થળે સેનાએ
જે કાર્યવાહી કરી તે દર્શાવીને ભારતીય સૈન્યે યાદ અપાવ્યું છે કે, આતંકવાદી હુમલાને તેણે પડકાર્યો હતો. ઓપરેશન સિંદૂરની એ ઘડીઓ દેશની જનતાને
બરાબર યાદ છે. મધરાત્રે ટ્વીટ થયું, જસ્ટિસ સર્વાઈવ્ડ-ન્યાય
થઈ ગયો... છઠ્ઠી મેએ રાત્રે લશ્કર તૂટી પડયું આતંકી અડ્ડાઓ ઉપર. થોડા દિવસ આ
કાર્યવાહી ચાલી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, મેં
યુદ્ધ થતાં અટકાવ્યું. વિપક્ષો સરકાર ઉપર તૂટી પડયા. ભારતીય પ્રણાલી અનુસાર આપણે
ફક્ત આતંકવાદી ક્ષેત્રો ઉપર હુમલા કર્યા. પાકિસ્તાનની પ્રજા ઉપર પ્રહાર કર્યા નહોતા.
જવાબ આપી દીધો, પાકિસ્તાનને તેને ઓકાત બતાવી દીધી પછી
શત્રવિરામ. આ પણ ઉલ્લેખનીય હતું. દેશનો એક મોટો વર્ગ કહેતો હતો, `આમ થોડું
હોય? પીઓકે
લઈ લેવાનું હતું...' સૈન્યની સક્ષમતા, સરકારની
મક્કમતા બંને અડગ હતા. આંતરરાષ્ટ્રીય અનેક બાબતો પણ જોવાની હોય. કપરા સંજોગો વચ્ચે
પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું, `ટેરર અને
ટોક એકસાથે નહીં', સિંધુના જળ પાકિસ્તાન જતા બંધ કરીને તેમણે કહ્યું, `પાણી અને
લોહી એકસાથે નહીં વહે.' વારંવાર તેમણે કહ્યું છે કે, `ઓપરેશન સિંદૂર પૂર્ણ થયું નથી, જ્યારે-જ્યારે આતંકવાદી
હુમલો થશે ત્યારે ભારતની સેના તેનો જવાબ આપશે જ' સેનાએ આ
વીડિયો જાહેર કરીને પણ તેમાં સૂર પુરાવ્યો છે, જ્યારે પણ
આતંકી પ્રવૃત્તિ માથું ઊંચકશે, ત્યારે તેને વિંધવા આપણા
ડ્રોન અને બંદૂકો તૈયાર છે. આ વીડિયો પણ એ સંકેત જ આપે છે.