બદલાતા જતા વૈશ્વિક
પરિપેક્ષ્યમાં વેપાર અને આર્થિક તાકાતનો ઉપયોગ દિવસાદિવસ પ્રબળ બની રહ્યો છે.
વેપારી પ્રતિબંધો, ટેરિફ અને અન્ય આર્થિક શત્રોનાં માધ્યમથી વ્યૂહાત્મક જંગ જીતવાની વધેલાં
ચલણના સમયમાં વેપારીસંધિના સમીકરણો હવે ચાવીરૂપ બની રહ્યા છે. ભારત અમેરિકાના
અન્યાયપૂર્ણ ટેરિફનો તોડ શોધવા અન્ય દેશો સાથેના વેપારી સંબંધોને નવા પરિમાણો આપવા
સક્રિય બન્યું છે, ત્યારે આગામી દિવસોમાં યુરોપીયન યુનિયનના
દેશો સાથે એક મહત્ત્વના મુક્ત વેપાર કરારની શક્યતા ઊજળી બની છે. અગામી પ્રજાસત્તાક
દિવસની ઉજવણીમાં યુરોપિયન યુનિયન (ઈયુ)ના વડા ખાસ હાજરી આપવાના છે, તે સમયે આ કરાર થયા એ માટે વાટાઘાટોનો દોર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે.
આ પ્રસ્તાવિત 24 મુદ્દામાંથી 20 ઉપર
બંને પક્ષ વચ્ચે સહમતી સધાઈ ગયાના અહેવાલ છે.
બાકીના ચાર મુદ્દા પણ ઝડપભેર ઉકેલાઈ જશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, અગામી 27મી જાન્યુઆરીના ભારત અને ઈયુ
વચ્ચેની મંત્રણામાં આ કરાર થઈ જાય એવી શક્યતા પ્રબળ બની છે. આ ચાવીરૂપ કરાર માટે
બંને પક્ષ ઘણા વર્ષોથી મથી રહ્યા છે. નવ વર્ષ માટે વાટાઘાટો થંભી ગયા બાદ 2022માં
તે ફરી શરૂ થઈ હતી. હવે આ વિલંબીત મામલે સફળતા મળે એમ છે. હાલે ભારત અને ઈયુ બંને
અમેરિકા અને ચીનના વેપારી પડકારોનો સામનો કરી રહ્યા છે. મુક્ત વેપાર કરાર થવાથી
બંને પક્ષ વચ્ચે વેપારમાં સંતુલન આણી શકાશે અને ભારતને ખાસ તો અમેરિકાના ટેરિફના
દબાણની અસર ઓછી કરવામાં મદદ મળશે. ભારત અને ઈયુ વચ્ચે 2024માં 136.પ3 અબજ
ડોલરનો વેપાર હતો. આમાંથી ભારતે 60.68 અબજ ડોલરની આયાત અને 7પ.8પ અબજ
ડોલરની નિકાસ કરી હતી. ભારતની નિકાસનો કુલ 17 ટકા હિસ્સો યુરોપના દેશોને
પહોંચે છે. હવે મુક્ત વેપાર કરારથી મોટાભાગનો સામાન ટેરિફમાંથી બકાત રહેશે, જેને કારણે વેપારમાં
વધારો થાય એવી આશા છે. આ કરારથી દવા, જવેરાત, મશીનરી કાપડ અને પેટ્રોલિયમ પેદાશોના ક્ષેત્રોને મોટો ફાયદો થઈ શકે છે.
અમેરિકાએ ટેરિફ લગાવ્યા બાદ ભારતને તેના વેપારમાં ભાગીદારોનો વ્યાપ વધારવાની જરૂરત
વર્તાઈ રહી છે. સરકારે આ ઉદ્દેશ સાથે બ્રિટન અને ઓમાન સાથે આવો મુક્ત વેપાર કરાર
કર્યો છે. હવે અમેરિકા સાથે પણ આવા કરારની મંત્રણા આગળ વધી રહી છે. આવામાં ઈયુ
સાથેનો મુક્ત વેપારનો કરાર અમેરિકાને તેના વલણમાં નરમાશ આણવા માટે દબાણ ઊભું કરી
શકશે. આજે દુનિયાના દેશો ચીનના આક્રમક વેપારી વલણને ખાળવા મથી રહ્યા છે. આવામાં
ભારત અને ઈયુ બંનેના ઉત્પાદન ક્ષેત્રો પર ચીનની નકારાત્મક અસર વર્તાઈ રહી છે. બંને
દેશ આ મુક્ત વેપાર કરાર વડે આવા પડકારનો સામનો કરવાની નેમ ધરાવે છે. આવનારા સમયમાં
આ કરાર ભારતના યુરોપ સાથેના વેપારી સંબંધોને નવું બળ આપશે એ વાત નક્કી છે.