• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મુંબઈગરો જ કિંગ અને કિંગમેકર

મુંબઈ કોણાચી ? નો જવાબ મતદારોએ આપી દીધો છે. મુંબઈના માલિક મુંબઈકર છે ! ચૂંટણીનાં પરિણામ સ્પષ્ટ છે. ભાજપ અને શિંદેસેના તથા ઉદ્ધવ ઠાકરે સેનાને યોગ્યતા મુજબ સમર્થન મળ્યું છે. જનાદેશ `સમતોલ' છે. નેતાઓને એમની મર્યાદા મતદારોએ સમજાવી દીધી છે. જે કટુતા અને દુશ્મનીભર્યો પ્રચાર થયો, પણ મતદારોએ જવાબદારી જાળવી છે. હવે મુંબઈની સમસ્યાઓનાં નિરાકરણ અને વિકાસ માટે રાજકીય મતભેદ ભૂલી, ભૂલાવીને હકારાત્મક - સહકારની ભાવના જગાવાય એવો સંદેશ અને આદેશ મુંબઈના મતદારોએ આપ્યો છે અને નાગરિકોની આ અપેક્ષા છે. તમામ પક્ષો પરિણામને ખેલદિલીથી - લોકશાહીની ભાવનાથી સ્વીકારે એવી આશા રાખીએ. અખંડ સંયુક્ત શિવસેનાએ લગભગ 30 વર્ષ સુધી મુંબઈ ઉપર રાજ કર્યા પછી હવે ગઢ ગુમાવ્યો છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ હાથ મિલાવ્યા છતાં એકનાથ શિંદેએ મરાઠી માણુસની વોટબેંકમાં ભાગ પડાવ્યો છે, તેથી ભાજપ સાથેની મહાયુતિને સત્તા મળી રહી છે. મહાયુતિના ત્રીજા ઘટક-ભાગીદાર અજિત પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના ભાવિ અંગે શંકા અને પ્રશ્ન યથાવત્ રહે છે. ભાજપે વિકાસ સાથે હિન્દુત્વનો મુદ્દો પકડી રાખ્યો, તેથી વધુ બેઠકો મેળવી છે. 2017માં એકલા હાથે 227માંથી 82 બેઠક હતી, જ્યારે આ વખતે ઓછી બેઠકો સ્વીકારીને (135) 2017 કરતાં વધુ બેઠક મેળવી છે. તેથી મરાઠી માણુસ - હિન્દુ મેયર બની શકે છે, પણ રાષ્ટ્રવાદમાં ભાષાવાદ કરતાં હિન્દુત્વ આગળ હોય છે. ઉદ્ધવસેના બીજા નંબરે છે : પણ `ગઢગેલા'નો વસવસો તો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઘોષણાપત્રોમાં ઘણાં વચનોની લહાણી થઈ છે તેના અમલની પ્રક્રિયા હવે શરૂ થવી જોઈએ. પ્રચાર દરમિયાન ઠાકરેબંધુઓએ મુંબઈને અને મરાઠી માણુસને `બચાવવા'ની હાકલ કરી હતી, પણ મુંબઈના તમામ રહેવાસીઓને મુંબઈના વિકાસની ખેવના છે. સામાજિક એકતા જોઈએ છે, તેથી જવાબ આપ્યો છે કે, મુંબઈ અને મરાઠી માણુસ પણ સલામત છે. શાંતિ અને સમજૂતી - રાષ્ટ્ર અને મહારાષ્ટ્રનો સહયોગ જરૂરી - અનિવાર્ય હોવાનું મુંબઈ જાણે છે અને કહે છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિકાસ ઉપર ભાર મૂક્યો અને ભાષાવાદ, કોમવાદના પ્રતિકારમાં હિન્દુત્વ તથા મરાઠી હિન્દુ મેયર બનશે - એવો જવાબ આપીને સફળ થયા છે. મૂળ શિવસેનામાં ભંગાણ પડયા પછી નામ-નિશાન એકનાથ શિંદેની સેનાને મળ્યું, તે પછી આ મહત્ત્વની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે માટે અગ્નિપરીક્ષા જેવી કસોટી હતી. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ મુંબઈમાં શિંદેસેના કરતાં વધુ-ડબલ બેઠકો મેળવીને `ગઢ' જાળવ્યો છે. મરાઠી માણુસની વફાદારી સેન્ટ્રલ મુંબઈમાં કસોટીની એરણ ઉપર હતી. આ વિસ્તારમાં લોકસભા તથા વિધાનસભાની એક પણ બેઠક ગુમાવી નથી. એવા આ અજેય ગઢ વરલી, શિવડી અને દાદરથી માહિમ સુધીના વિસ્તારમાં મૂળ શિવસેના અને મનસેના સુધરાઈ - સભ્યો પક્ષત્યાગ-પલટો કરીને શિંદેસેના તથા ભાજપમાં જોડાયા હતા, પણ આદિત્ય ઉદ્ધવ ઠાકરેનો ગઢ સલામત રહ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા શરદ પવાર મુંબઈની ચૂંટણીથી અળગા-દૂર રહ્યા હતા, પણ હવે પરિણામ જોયા પછી અજિત પવાર સાથે સંવાદ અને સહકાર વધે તેવી શક્યતા છે. ગમે તેમ પણ સ્થાનિક પંચાયતી ચૂંટણીમાં શરદ પવારની પ્રતિષ્ઠાને ઘસારો લાગ્યા પછી હવે રાજકીય ભવિષ્ય બાબત ગંભીર વિચારણા કરશે. પૂણે અને પિંપરી - ચિંચવડમાં એકસાથે લડેલા કાકા-ભત્રીજાની કારી ફાવી નથી અને રાષ્ટ્રવાદીના ગઢમાં પણ ભાજપના સિંહે ત્રાડ પાડી છે. 

Panchang

dd