• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

લોકતંત્રની સફળતાના મૂળમાં જનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા

લોકતંત્ર એક એવા પ્રકારની શાસન વ્યવસ્થા છે, જેમાં સૌને સમાન અધિકાર પ્રદાન કરવામાં આવે છે. બાબા આંબેડકરે લોકતંત્રને ભારતની ઐતિહાસિક, રાજકીય અને સામાજિક વિશિષ્ટતા તરીકે પરિભાષિત કર્યું છે. વાસ્તવમાં ભારત અને આપણી મહાન સંસ્કૃતિ પ્રત્યે વિશ્વ પરાપૂર્વથી સન્માનની નજરે અભિભૂત થઇને જોઈ રહ્યું છે એનું મૂળ કારણ છે જનતંત્રની પરિપક્વતા રાષ્ટ્ર પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીની પૂર્વ તૈયારીમાં લાગેલું છે, એ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રકુળ (કોમનવેલ્થ)ના ઉચ્ચાધિકારીઓના 28મા સંમેલનનું ઉદ્ઘાટન કરતાં લોકશાહીની સફળતાનાં સૂત્ર આપ્યાં. વડાપ્રધાને કહ્યું કે, ભારતમાં લોકતંત્રની સફળતાનું કારણ એ છે કે, શાસનના કેન્દ્રમાં જનતા જનાર્દન છે. રાજનીતિશાત્રમાં લોકતંત્રનો મતલબ જ આ છે. દુનિયાના સૌથી જૂના લોકશાહી દેશ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને કહ્યું છે, લોકશાહી એટલે જનતા દ્વારા, જનતા માટે અને જનતાનું શાસન. વડાપ્રધાન મોદીનું કહેવું એ જ છે કે, સરકાર જે કંઈ કામકાજ કરે છે એનો મૂળ લાભાર્થી વર્ગ જનતા જ છે. ભારત જેવા બહુભાષી, બહુવિધ રાષ્ટ્રમાં લોકશાહીની સફળતા મોટી વાત છે. આજે નાના-મોટા મતભેદો અને ભ્રષ્ટાચાર - બેરોજગારી જેવા કારણોસર દુનિયાના અનેક દેશોમાં જનવિદ્રોહ ભડકી ઊઠયો છે. લોહીની નદી વહે અને પળભરમાં સરકાર ઊથલી જાય છે, એની તુલનાએ ભારત અવિચળતાથી દુનિયા માટે લોકશાહીનું મોડેલ રાષ્ટ્ર બની રહ્યું છે. અમેરિકા ભલે સૌથી જૂનો લોકશાહી  દેશ હોય પણ ગઈ ચૂંટણીમાં ડોનાલ ટ્રમ્પ જો બાયડન સામે હારી ગયા પછી તેમના સમર્થકો પરાજય પચાવી શકયા નહોતા. ચૂટણીનું પરિણામ  ઊથલાવવા અરાજકતાભર્યા દેખાવો કર્યા હતા. ભારતમાં આવો વિચાર સુદ્ધાં થઇ શકે નહીં. લોકશાહીનો ઝંડો ઊંચાઇએ લહેરાઈ રહ્યો છે એનું શ્રેય આપણી જનતાને જાય છે. ભારતની પબ્લિકે અંગ્રેજોની ચુંગાલમાંથી દેશને આઝાદ કરાવ્યો, તે ઉપરાંત પોતાના અનુભવો અને ધૈર્ય સાથે  લોકશાહી પર થયેલા બધા હુમલા વિફળ બનાવ્યા છે. ભારતમાં શાસન જનતાની આકાંક્ષા મુજબ જ ચાલે છે. સરકારની બધી યોજના લોકોની આકાંક્ષાઓની પૂર્તિ માટે જ હોય એ સ્વાભાવિક છે. વડાપ્રધાન બોલી  રહ્યા હતા એ સંમેલનમાં કેટલાક એવા દેશના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા, જ્યાં ભારતની તુલનાએ લોકોને લોકતંત્રનો સારો અનુભવ નથી થયો. મોદીએ કહ્યું કે, જે દેશમાં યોજનાઓનો લાભ જનતાને સંતોષજનક રીતે મળે છે એ દેશમાં લોકશાહી સામે કદી પડકાર ઊભો નથી  થઈ શકતો વડાપ્રધાને સફળતાનું શ્રેય જનતાની દાયકાઓની તપસ્યા અને બંધારણ દ્વારા નીતિનિર્દેશનને આપ્યું અને વાત સાચી છે, આપણું બંધારણ મજબૂત છે એને લીધે જ ચૂંટાયેલી સરકારોને લોકોની અપેક્ષાઓ, જનહિતને ધ્યાનમાં રાખીને કામ કરવાની ફરજ પડે છે. નજીકના ભૂતકાળમાં દુનિયાના અનેક દેશોમાં જનવિદ્રોહ જોવા મળ્યા છે, એના મૂળમા કયાંય ને કયાંય જનતાનો અનાદર રહેલો છે. વડાપ્રધાનનું કહેવું સુસ્પષ્ટ છે કે, લોકતંત્રને જનતા  જ મજબૂત બનાવી શકે છે. પોતાને જનતાથી ઉપર માનનારી સરકાર ટકી શકે નહીં. 

Panchang

dd