• શુક્રવાર, 29 માર્ચ, 2024

સગીરાની ઘાતકી હત્યા અને `તમાશો' જોનારી જમાત!

ક્યારેક ક્યારેક હિંસાનાં એવાં દૃશ્યો સામે આવે છે કે, ટીકા માટે શબ્દો પણ ઓછા પડે છે.દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની યુવતીની જે રીતે ખુલ્લેઆમ ધોળા દિવસે, જાહેરમાં હત્યા કરવામાં આવી, તે વર્ણવી શકાય એમ નથી. નિર્દયતા હંમેશાં આપણા સમાજમાં કોઈ ખૂણે - અંધારાંમાં રહેતી આવી છે, પણ આ કેસમાં જે પ્રકારની હિંસાની પરાકાષ્ઠા જોવામાં આવી અને એના પ્રતિ લોકોમાં જે પ્રકારની શરમજનક નિક્રિયતા જોવામાં આવી તે કોઈ ગુનાથી ઓછી નથી. આ કેસમાં કન્યા એકલી ઝઝૂમતી, તરફડતી રહી અને રાહદારીઓ મોઢાં ફેરવી ગયા. સમાજ માટે આથી મોટી શરમજનક ઘટના કઈ હોઈ શકે? હત્યારો એક સગીર કન્યા ઉપર મિનિટો સુધી ચાકુના ઘા મારતો રહ્યો. દસથી વધુ લોકો આસપાસથી પસાર થયા, ત્યારે  હત્યારો ચપ્પુથી વાર પર વાર કરતો રહ્યો અને કન્યાનું મસ્તક પથ્થરના અનેક પ્રહારથી કચડતો રહ્યો, ત્યારે પણ લોકો બચાવ માટે આગળ આવ્યા નહીં. તમાશો જોનારા પણ બૂમાબૂમ કરવા એક ક્ષણ પણ ત્યાં ઊભા ન રહ્યા. કમનસીબે આજે સમાજમાં થઈ રહેલી આવી હત્યા અને અન્યાયને રોકવા માટે કોઈ આગળ આવવા તત્પર નથી. આ જઘન્ય અપરાધના મૂંગા, નિક્રિય સાક્ષીઓને સજા કરવાની જોગવાઈ પણ નથી ! સારું થયું કે, દિલ્હી પોલીસ હત્યારા સુધી પહોંચી ગઈ છે. હવે આ કેસમાં ભારે ઝડપથી ન્યાય થાય તે જરૂરી છે. આવા કેસમાં ત્વરિત સજાથી જ સમાજમાં સાચો સંદેશ આપી શકાય છે. હત્યારાનું કહેવું છે કે, કન્યા તેનાથી દોસ્તી નહોતી રાખવા માગતી. શું આ છોકરો એટલો જાલિમ છે કે, કન્યાને ઈન્કારની સજામાં કમકમાટીભર્યું મોત આપે? શું કોઈની લાડકવાયી દીકરી કોઈ મુફલિસની ગુલામ છે? આપણે ક્યા સમાજમાં, ક્યા સમયમાં રહીએ છીએ? આ કિસ્સામાં જાતિવાદ કે મઝહબી વિવાદને બાજુએ રાખીને માનવતા અને મહિલા સન્માનને કેન્દ્રમાં રાખવાની જરૂર છે. રાજકીય અને સામાજિક નેતાઓ પણ તમામ ભેદભાવ ભૂલીને ગુનેગારને સખત સજાની માગણી કરે એવી અપેક્ષા છે. આ દુ:સાહસ ક્યાંથી આવી રહ્યું છે? સમાજ અને દેશમાં આવા સવાલ વધતા જાય છે, જેનો જવાબ બધા લોકોએ વિચારવો જોઈએ. આવી હત્યાઓ સતત વધી રહી છે. બીજા પર પોતાની મરજી જબરદસ્તીથી થોપવાનો ગુનો ન જાણે કેટલા લોકો આજે કરી રહ્યા છે. રાષ્ટ્રીય મહિલા પંચનાં અધ્યક્ષા રેખા શર્માએ ઉચિત જ કહ્યું છે કે, કોઈ અભણ વ્યક્તિ પણ ક્યારેય આટલો ક્રૂર ન હોઈ શકે કે તે કોઈની આવી રીતે હત્યા કરી નાખે. ખેર, લોકોની નજર હવે ન્યાયતંત્ર પર છે કે તે જલ્દીથી આ કેસમાં ન્યાય કરે. સાથે જ એક સભ્ય સમાજનાં રૂપમાં આપણે આપણા નાગરિકોને તેનાં કર્તવ્યોનું ભાન કરાવવું પણ આવશ્યક છે. આપણે હક મેળવવા, માગવા માટે લડતા હોઈએ છીએ, પરંતુ કર્તવ્ય કે જવાબદારી નિભાવવાની જ્યારે વાત આવે છે, ત્યારે આપણે મોઢું મચકોડીને ચાલ્યા જઈએ છીએ. આ સમય છે જ્યારે આપણે વ્યાપક રૂપથી સમાજ અને સંસ્કૃતિ સુધાર વિશે વિચારવું જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી, દેવી દુર્ગાનો દરજ્જે આપવામાં આવ્યો છે. આપણે 21મી સદીની વાત કરીએ તો મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી થઈ રહી છે. પછી તે રાજનીતિ, બેન્ક, યુનિવર્સિટી, રમતજગત, પોલીસ, સંરક્ષણ ક્ષેત્ર, ખુદનો વ્યવસાય કે આસમાનમાં ઉડવાની અભિલાષા હોય, આમ છતાં દિલ્હીની ઘટના એ વિચારવા મજબૂર કરે છે કે, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તેને લઈ વાત કાયદો વ્યવસ્થાની નથી, પણ સંપૂર્ણ સમાજે પણ મંથન કરવાનું રહેશે કે, યુવાન પેઢીને મહિલાઓનાં સન્માનનો પાઠ કેવી રીતે ભણાવી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang