અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : ઇટાલીના ભારતીય રાજદૂત
શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલીએ ગુરુવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય
મુલાકાત લીધી હતી.ઇટાલી યુરોપમાં સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાવરહાઉસ અને ઉત્પાદન ક્ષેત્રમાં
તજજ્ઞતા ધરાવે છે તે સંદર્ભમાં ભારતમાં મેન્યુફેક્ચારિંગ હબની ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતમાં
બહુવિધ ક્ષેત્રે પરસ્પર સહભાગીતાની તકો વિશે શ્રી પટેલ સાથે ફળદાયી પરામર્શ કર્યા હતા.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇટાલીના રાજદૂતની ગુજરાતની
પ્રથમ મુલાકાતમાં તેમને આવકારતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત ।઼  2047નો જે સંકલ્પ કર્યો છે તેમાં ગુજરાત વિકસિત ગુજરાત ।઼ 2047ના રોડમેપ સાથે અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે.
આ સંદર્ભમાં તેમણે બાર્ટોલીને વધુ વિગતો આપતા કહ્યું કે, ગુજરાતે આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક પ્રગતિના નવા સીમા ચિન્હો સર કરવાનો અભિગમ અપનાવ્યો છે.  ઇટાલીના રાજદૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં
ભારત ઈટાલીના દ્વિપક્ષીય સંબંધો વધુ સંગીન બન્યા છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે,
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઇટાલીની મુલાકાત દરમિયાન સંરક્ષણ,
વિજ્ઞાન અને ટેકનોલોજી, અવકાશ, ક્લીન એનર્જી, ઈનોવેશન અને મોબિલિટી લિન્કેજ પર ધ્યાન
કેન્દ્રીત કરીને બંને દેશો વચ્ચેનો સહયોગ વિસ્તૃત કરવા થયેલી સહમતીની ભૂમિકા તેમણે
આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારત અને ઇટાલીએ મુખ્ય ક્ષેત્રોમાં
સહયોગનો સેતુ મજબૂત બનાવવા 10 મુદ્દાનો જોઈન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન તૈયાર કરેલો છે.  
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                    