સરકારી તંત્રની માટે ચાવીરૂપ એવા કર્મચારીઆની ભૂમિકા અનિવાર્ય
બની રહી છે. સરકારની રોજબરોજની કામીગીરી ઉપરાંત વિવિધ સેવાઓનું સંચાલન કરતા આ કર્મચારીઓ
ખરા અર્થમાં વિકાસની યોજનાઓ અને નીતિઓનાં અમલીકરણમાં છેક છેવાડા સ્તર સુધી સક્રિય રહે
છે. આવામાં સરકારની પણ જવાબદારી બની રહે છે
કે, તે તેના આ કર્મચારીઓની આર્થિક જરૂરતો અને હિતો
માટે પગલાં લે.આવું જ પગલું કેન્દ્રની નરેન્દ્ર
મોદી સરકારે મંગળવારે લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા પગારપંચની રચના કરવાનો
મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી મંડળે લીધેલા આ નિર્ણય મુજબ આ નવું પગારપંચ
કર્મચારીઓના પગાર, ભથ્થાં,
પેન્શન અને અન્ય લાભોની સમીક્ષા કરીને તેના આધારે તેમાં વધારો કરવાની
ભલામણ સરકારને કરશે.  પગારપંચે 2026 સુધીમાં પોતાની સમીક્ષા અને
તેને આધારે ભલામણોની કામગીરી આટોપી લેવાની રહેશે. સામાન્ય રીતે આવા પગારપંચની રચના
દર 10 વર્ષે થતી હોય છે. છેલ્લે 2014માં સાતમા પગારપંચની રચના થઈ
હતી, જેની ભલામણોનો અમલ 2016માં કરાયો હતો. આવું પગારપંચ
જે-તે સમયની પરિસ્થિતિના સંદર્ભમાં સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થાંની સમીક્ષા કરીને
તેમાં વધારો કરવાની ભલામણ સરકારને કરતું હોય છે. આમ તો આ પંચ એક ઉચ્ચસ્તરીય સમિતિ છે, જે કર્મચારીઓને સન્માનજનક જીવન જીવવા માટે અનુરૂપ
એવો પગાર મળે તેની ભલામણ કરે છે. પગારની સાથોસાથ કર્મચારીઓને મકાન, આરોગ્ય સારવાર અને મોંઘવારી ભથ્થાં જેવા લાભોમાં વધારો કરવાની પંચ ભલામણ કરે
છે. તેને અનુરૂપ નિવૃત્ત કર્મીઓનાં પેન્શનની પણ સમીક્ષા કરાતી હોય છે. આમ તો આવા પગારપંચની
રચના માટે 10 વર્ષનો સમયગાળો
બાંધેલો નથી હોતો, પણ સરકાર પોતાની
આર્થિક સ્થિતિ અને મોંઘવારી સહિતની બાબતોને ધ્યાને લઈને પગારપંચની રચના કરતી હોય છે.
કેન્દ્ર સરકારના કોન્સોલિડેટેડ ફંડમાંથી પગાર મેળવતા કર્મચારીઓને જ આ પગારપંચની ભલામણોનો
લાભ મળી શકશે.  જો કે, આ કાર્યવાહી આટોપાયા બાદ તેને અનુરૂપ રાજ્ય સરકારો પણ તેમના કર્મચારીઓના પગારમાં
સુધારો કરવાની કાર્યવાહી હાથ ધરતી હોય છે. પગારપંચ તેની ભલામણો નક્કી કરતી વેળાએ અગાઉના
પંચની ભલામણોના અમલ બાદ મોંઘવારી કેટલી વધી છે અને તેની કર્મચારીઓની જીવનશૈલી પર કેવી
અસર પડી છે, તેના પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરે છે. સાથોસાથ કર્મચારીઓની
કામગીરી અને કાર્યકુશળતા પર પણ પંચ ધ્યાન આપે છે. વળી, ખાનગી
ક્ષેત્રના કર્મચારીઓને મળતા પગાર અને ભથ્થાંને પણ ધ્યાને લઈને પંચ તેની ભલામણોને તેને
અનુરૂપ સ્વરૂપ આપે છે. આજના સમયમાં એવા ઘણા ક્ષેત્રો છે જેમાં ખાનગી કર્મચારીઓને સરકારી
કર્મીઓ કરતાં વધુ પગાર મળતો હોય છે. આમ આ બંને ક્ષત્રોના કર્મીઓના પગારો સમાન રહે એવો
પંચ પ્રયાસ કરે છે. સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં વધારો કરવાની ભલામણોના અમલથી
સરકારની ઉપર આર્થિક બોજો વધશે એ વાત નક્કી છે, પણ કર્મચારીઓની
અનિવાર્યતાને જોતાં આ વધારાનો બોજો સરકાર માટે જરૂરી છે. વળી કર્મચારીઓના પગાર અને
ભથ્થાં વધશે તો તેમની ખરીદશક્તિ વધશે અને સરવાળે અર્થતંત્રને તેનો સીધો ફાયદો મળશે.  
 
								
							 
			   
                     
                     
                                                                     
                                     
                                    