• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ખૂબ લડી મર્દાની...

મુંબઈ, તા. 30 : આઈસીસી મહિલા વિશ્વ કપના રોમાંચક બની રહેલા સેમિફાઈનલ મુકાબલામાં ગુરુવારે સાત વખતની વિજેતા ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે પરાજય આપી ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો હતો. ખાસ આનંદની વાત તો એ રહી કે, કાંગારુ ટીમે આપેલું 339 રનનું મહાકાય લક્ષ્ય માત્ર પાંચ વિકેટ ખોઈને અને તે પણ નવ દડા બાકી હતા ત્યારે જ આંબી લઈને મહિલા ટીમ ઈન્ડિયાએ પ્રભાવશાળી વિજય સાથે વિશ્વવિક્રમ રચ્યો હતો. છેલ્લા દડા સુધી ક્રીઝ પર અણનમ ટકી રહેતાં 127 રન કરનાર જેમિમા રોડ્રિગ્સ અને 89 રન ઝૂડી દેનાર સુકાની હરમનપ્રીત કૌર આ યાદગાર વિજયના શિલ્પી બન્યા હતા. શાનદાર વિજય મેળવીને શાન સાથે ફાઈનલમાં સ્થાન મેળવનાર ભારતીય ટીમ હવે બીજી નવેમ્બરના દિવસે દક્ષિણ આફ્રિકા સામે વિશ્વવિજેતા બનવાનાં લક્ષ્ય સાથે મેદાન પર ઊતરશે. આજની જીત સાથે ત્રીજીવાર આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં સ્થાના પામનાર ટીમ ઈન્ડિયાએ મહિલા વિશ્વ કપના ઈતિહાસમાં બીજીવાર ઓસ્ટ્રેલિયાને હાર આપી છે. અગાઉ, 2017ના વિશ્વ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી. આજના પરાજયે આઠમીવાર વિશ્વવિજેતા બનવાનાં ઓસ્ટ્રેલિયાનાં સ્વપ્ન પર પાણી ઢોળી નાખ્યું હતું. મુંબઈનાં મેદાન પર 339 રનનું વિક્રમી લક્ષ્ય આંબવા ઊતરેલી ભારતીય ટીમે માત્ર 59 રને સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માના રૂપમાં બે વિકેટ ખોઈ દીધી હતી. ત્યારબાદ ક્રીઝ પર છેલ્લા દડા સુધી જામી ગયેલી જેમિમાએ સવાઈ સદી ફટકારતાં 14 ચોગ્ગા સાથે 127 રન ઝૂડી દીધા હતા અને સામા છેડે સાથ આપતાં સુકાની હરમનપ્રીતે અદ્ભુત કેપ્ટન ઈનિંગ્સ રમી બતાવી હતી. મેદાન પર ઊતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી નહોતી. પ્રતીકા રાવલને ઈજા બાદ ટીમમાં સામેલ થયેલી શેફાલી વર્મા કોઈ કમાલ કરી શકી નહોતી. શેફાલીએ માત્ર 10 રન કર્યા હતા. પછી 10મી ઓવરમાં સ્મૃતિ મંધાનાએ પણ 24 રને વિકેટ ખોઈ દીધી હતી. જો કે, ત્યારબાદ રમેત રંગ પકડયો હતો. ભારતના મહત્ત્વપૂર્ણ વિજયના શિલ્પી બનેલા જેમિમા રોડ્રિગ્સ અને સુકાન હરમનપ્રીત કૌરે 167 રનની ભવ્ય ભાગીદારી કરીને બાજીમાં પ્રાણ ફૂંક્યા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી અને ભારતની દીશાવિહીન બોલિંગ નબળી ફિલ્ડિંગનો ફાયદો ઉઠાવીને 338 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. કેપ્ટન એલિસા હીલી (પ)ની વિકેટ 2પ રને ગુમાવ્યા બાદ 22 વર્ષીય યુવા ઓપનર ફોબી લિચફિલ્ડે અને અનુભવી ઓલરાઉન્ડર એલીસ પેરીએ આક્રમક બેટિંગ કરી હતી. આ બંને વચ્ચે બીજી વિકેટમાં 133 દડામાં 1પપ રનની ઝડપી ભાગીદારી થઇ હતી. આ દરમિયાન લિચફિલ્ડે 77 દડામાં તેની સદી પૂરી કરી હતી. વિશ્વ કપ નોકઆઉટ મેચમાં આ સૌથી ઝડપી સદીનો વિક્રમ છે. 93 દડામાં 17 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 119 રનની ઈનિંગ્સ રમી તેણી આઉટ થઇ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ બેથ મુની (24), એનાબેલ સદરલેન્ડ (3)ની વિકેટ ગુમાવી હતી. જ્યારે એલીસ પેરી 88 દડામાં છ ચોગ્ગા-બે છગ્ગા સાથે 77 રનની શાનદાર ઇનિંગ્સ રમી રાધા યાદવના દડામાં બોલ્ડ થઇ હતી. એશ્લી ગાર્ડનરે ડેથ ઓવર્સમાં પાવર હિટિંગ કરીને 4પ દડામાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 63 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. તે 49મી ઓવરમાં રનઆઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં એક રનઆઉટ સહિત કુલ ત્રણ વિકેટ ગુમાવી હતી. આથી ઓસ્ટ્રેલિયાનો દાવ 49.પ ઓવરમાં 338 રને સમાપ્ત થયો હતો. ભારતીય મહિલા ટીમ તરફથી શ્રી ચારણી અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ લીધી હતી. 

Panchang

dd