મેલબોર્ન, તા. 30 : કપ્તાન સૂર્યકુમાર યાદવની ફોર્મવાપસીથી ઉત્સાહિત
યુવા ભારતીય ટીમ શુક્રવારે અહીંના એમસીજી પર રમાનાર બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને હાર આપી પ મેચની શ્રેણીમાં
1-0થી આગળ થવા માગશે. કેનબેરામાં પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ હતી. આ મેચમાં ભારતીય સુકાની
સૂર્યકુમારે 24 દડામાં 39 રન કર્યા હતા. લાંબા સમય બાદ તેની બેટિંગમાં આત્મવિશ્વાસ
છલકી રહ્યો હતો. તેણે જોશ હેઝલવૂડના બોલ પર 12પ મીટર લાંબો છગ્ગો ફટકારીને દર્શકોને રોમાંચિત કરી દીધા હતા. જો કે મેલબોર્નમાં
પણ વરસાદના વિઘ્નની સ્થાનિક હવામાન ખાતાએ આગાહી કરી છે. કેનબેરામાં ભારતે 9.4 ઓવરમાં 1 વિકેટે 97 રન કરી બેખોફ બેટિંગનો પરચો ઓસ્ટ્રેલિયાને આપી દીધો હતો. ભારતીય ટીમના હેડ
કોચ ગૌતમ ગંભીર ઇચ્છે છે કે તેના ખેલાડીઓ સાહસિક અને આક્રમક રમત ચાલુ રાખે. કોચ ગંભીરનું
માનવું છે કે આધુનિક ક્રિકેટમાં ટી-20 ફોર્મેટમાં હવે તમારે 230-240 આસપાસનો
તો સ્કોર કરવો જ પડે. ભારતીય ઈલેવનમાં બીજા મેચમાં કોઇ ફેરફાર થશે નહીં, અર્શદીપને બહાર જ બેસવું પડી
શકે છે. મેલબોર્ન ઓસ્ટ્રેલિયા ટીમનું ફેવરિટ મેદાન છે. મિચેલ માર્શની ટીમ અહીં ભારત
સામે સરસાઇ માટે ઊતરશે. અહીંની પિચ પર ઝડપી બોલરોને ઝડપ અને ઉછાળ સારો મળે છે. રાતના
મેચમાં પહેલા બેટિંગ કરનાર ટીમને ફાયદો મળે છે. અહીં અત્યાર સુધીમાં 18 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાયા છે. જેમાં 11 મેચ પહેલા બેટિંગ કરનાર ટીમે જીત્યા છે. અહીં શ્રેષ્ઠ સ્કોર પ/186 છે, જ્યારે ઓછો સ્કોર 10/74 છે. જે ભારતીય ટીમનાં નામે જ છે. મેચ ભારતીય
સમય અનુસાર બપોરે 1-4પથી
શરૂ થશે. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                     
                                    