ભુજ, તા. 30 : રાજસ્થાનના ટ્રકચાલકે અનેકને ભલામણથી ગાંધીધામ
બાજુની વિવિધ ટ્રાન્સપોર્ટમાં ટ્રકચાલક તરીકે નોકરી અપાવી બાદ ટ્રકમાં આવતા માલનાં
કન્ટેનરના સીલ તોડી તેમાંથી માલ સગેવગે થયાની વિવિધ ફરિયાદોના અંતે મુખ્ય સૂત્રધાર
આરોપીને દબોચી લેવાયો હતો. આજ પ્રકારના જૂન માસમાં બનેલા બનાવની ફરિયાદ આજે દાખલ થઈ
છે. મુંદરા પોલીસ મથકે મૂળ  બનાસકાંઠાના હાલે
અમદાવાદના ટ્રાન્સપોર્ટર તીર્થભાઈ જિતેન્દ્રભાઈ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની
ટ્રક નં. જીજે-18-એઝેડ 3168વાળી જે.આર. રોડ લાઈન્સ ગાંધીધામ અને ઊંઝા ચાલે છે. આ ટ્રકનો ચાલક પ્રધાન
ગણપતલાલ ગુર્જર (રહે. ભીલવાડા, રાજસ્થાન) માર્ચ મહિનાથી નોકરી કરે છે. આ ટ્રકમાં ઊંઝાથી
મુંદરા સુધી કન્ટેનર પહોંચાડવા ટ્રકચાલક પ્રધાને ઊંઝાથી 25-25 કિલોવાળી ઈસબગુલની 80 બોરી, કાળું જીરુંની 254 બોરી, કાળા તલની 80 બોરી, તલની 240 બોરી
એમ કુલ 16.350 ટન માલભરી તા. 12/7ના ઊંઝાથી મુંદરા બંદરે આવવા રવાના થયો હતો.
આ કન્ટેનર મુંદરા બંદરથી સોમાલિયા ગયું હતું. બે મહિના બાદ માલ મગાવનારા વિદેશની પાર્ટીએ
માલ ઓછો મળ્યાનું જણાવ્યું હતું. ઈસબગુલ 23 બોરી, કાળું જીરુંની 138 બોરી, કાળા તલની 40 બોરી, તલની 162 બોરી એમ કુલ 9075 કિલો
માલ જેની કિં. રૂા. 21,58,965 ઓછો મળ્યાની વિગતો જણાવી હતી.આથી ફરિયાદીએ તપાસ કરતા મુંદરા ગુરુજી વે-બ્રીજ
ખાતે કુલ વજન બરાબર હતું,
પરંતુ જીપીએસ તપાસતાં વે-બ્રિજથી 
પોર્ટ જવામાં વધારે પડતો સમય લાગ્યો હતો. ટી-પોઈન્ટ સર્કલ ઉપર ટ્રક આશરે બે
કલાક સુધી ઊભી હતી. આ બાબતે ટ્રકચાલક પ્રધાનનો અવાર-નવાર ફોનથી સપંર્ક કરતાં તેનો ફોન
બંધ આવતો હતો, આમ ટ્રકચાલક પ્રધાને 21.58 લાખનો માલ સગેવગે કર્યાની આજે મુંદરા પોલીસ
મથકે ફરિયાદ નોંધાઈ છે. અત્રે નોંધનીય છે કે, આ રીતે વિદેશ મોકલાતા માલનાં કન્ટેનરનાં સીલ તોડી માલ સગેવગેની
અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને આવી એક ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર આરોપીને
મુંદરા પોલીસે થોડા દિવસો પૂર્વે રાજસ્થાનથી ઝડપી પણ પાડયો છે અને આવા અનેક કેસનો ભેદ
ઉકેલાયો હતો, આમ આ કેસમાં પણ આ મુખ્ય સૂત્રધાર અને તેની ગેંગની
ભૂમિકાની શક્યતા પ્રબળ બની છે. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                     
                                    