નવી
દિલ્હી, તા.
30 : રાજધાની દિલ્હી-એનસીઆરમાં દિવાળી બાદથી વ્યાપક
વાયુ પ્રદૂષણની અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક 400ને પાર થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાં સૂક્ષ્મકણ 2.5ના કારણે વર્ષ 2022માં દેશમાં 17 લાખથી વધુ મોત થયાં હતાં, જે 2010ની તુલનામાં આ આંકડામાં 38 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. એક મીડિયા હેવાલ મુજબ, દિવાળીના તહેવારો બાદ દિલ્હીની
હવામાં પ્રદૂષણની માત્રા વધી ગઈ છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય
પર ગંભીર અસર પડી રહી છે. હાલમાં જ હાથ ધરાયેલા એક સંશોધનમાં હવામાં પીએમ 2.5ના કારણે થનારા દીર્ઘકાલીન દુષ્પ્રભાવોને લઈને
ચેતવણી જારી કરાઈ છે,
જેના કારણે હૃદયરોગોથી માંડી કેન્સર સુધીની બીમારીઓ અંગે પણ ચિંતા વ્યક્ત
કરાઈ હતી. સ્વાસ્થ્ય વિજ્ઞાનિકોએ ઝડપથી વધી રહેલા પ્રદૂષણ અને તેના કારણે સર્જાનારા
જોખમો  અંગે કહ્યું હતું કે, વાયુ પ્રદૂષણના ઘણા સ્રોતો છે અને જેની દિલ્હીના લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક
અસરો દેખાઈ રહી છે. જેમ કે, માર્ગ પરિવહન માટે પેટ્રોલના ઉપયોગથી
થનારા પ્રદૂષણે 2.69 લાખ
લોકોનો જીવ લીધો છે. અનુમાનો મુજબ, ભારતમાં વાયુ પ્રદૂષણના કારણે 2022માં થયેલાં અકાળ મૃત્યુનાં પગલે અંદાજિત 28.17 લાખ કરોડનું આર્થિક નુકસાન થયું હતું, જે ભારતના જીડીપીનો લગભગ 9.5 ટકા ભાગ છે. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                     
                                    