• મંગળવાર, 06 મે, 2025

ઝેરીલા સાપ સાથે ડ્રેગનની દોસ્તી કોઇ આશ્ચર્ય નથી

ચીન તેની ભારતવિરોધી અને પાકિસ્તાન તરફી માનસિક્તાને હવે નીતિલક્ષી સ્વરૂપ આપી ચૂક્યું છે. આમ કરતી વેળાએ તેણે સારાનરસાનો ભેદ વિસરી જવાની પણ પરવાહ કરી નથી. એક તરફ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદ પહેલગામના ગુનેગારોને સજા આપવાની વાત કરી રહી છે, ત્યારે ચીન આ નરસંહારના દોષી પાકિસ્તાનને બચાવવા મેદાને પડયું છે. ભૂતકાળમાં પણ વૈશ્વિક મંચો પર આતંકવાદના મામલે પાકિસ્તાનની ઢાલ બનવામાં અગ્રેસર રહેલા ચીન પાસે આતંકની વિરુદ્ધ કોઈ સ્પષ્ટ નીતિ જણાતી નથી. માત્ર ને માત્ર પાકિસ્તાનને મદદ કરવાનો અને ભારતનાં વલણનો વિરોધ કરવાનો ચીનનો એજન્ડા વધુ એક વખત છતો થયો છે. ચીનનાં વલણને લીધે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદના પહેલગામ હુમલાના ગુનેગારોને સજા કરવાનાં નિવેદનનો કોઈ અર્થ રહે તેમ ન હોવાની છાપ ઊભી થઈ રહી છે. પરિષદના કાયમી સભ્ય તરીકે ચીને તેની પાકિસ્તાનને બચાવવાની નીતિનું વધુ એક વખત પ્રદર્શન કરીને આ નિવેદનને બુઠ્ઠું બનાવડાવીને પોતાનો સાચો ચહેરો વધુ એક વખત દુનિયા સમક્ષ છતો કર્યો છે. પહેલગામ પર સલામતી પરિષદનાં નિવેદનની ભાષા ભારે નબળી હતી. 2019ના પુલવામા હુમલા સમયે પરિષદે જે નિવેદન બહાર પાડયું હતું તેની સરખામણીએ આ વખતનાં નિવેદનમાં ભારે નરમાશ હતી. આમ સલામતી પરિષદ ધારત તો પાકિસ્તાન પર દબાણ ઊભું થઈ શક્યું હોત, પણ ચીનનાં વલણને લીધે આ શક્ય બન્યું નથી. આમ હવે એક વાત સ્પષ્ટ છે કે, પાકિસ્તાન આતંકવાદને છોડી શકે તેમ નથી, પણ ચીન પણ તેને છાવરવામાં હવે વગોવાઈ રહ્યું છે. ઉહીગુર મુસ્લિમોના હુમલામાં ચીનને આતંકવાદ દેખાય છે, પણ મસુદ અઝહર જેવા આતંકી આકાઓ અને સંગઠનો સામે તેને કોઈ વાંધો હોતો નથી. એ દરમ્યાન ચીની રાજદૂત જિયાંગ ઝાઇદોંગે પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારી સાથેની મુલાકાત દરમ્યાન ભરોસો આપ્યો છે કે, બીજિંગ હંમેશાં પાકિસ્તાનનું સમર્થન કરશે, જેથી દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત થઇ શકે. ભારત અને ચીનના સંબંધો હજી હમણા સામાન્ય બની રહ્યાની  છાપ ઊભી થઈ રહી હતી, ત્યાં પાકિસ્તાનને આતંકના મામલે છાવરવાના બીજિંગનાં વલણથી વાત ફરી વણસી શકે છે. આમે ચીનને ભારત સાથેના વેપારી અર્થતંત્રની પડી છે બાકી તે સરહદી હોય કે વ્યૂહાત્મક મુદ્દા હોય પાકિસ્તાનનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવાનો કોઈ છોછ રાખ્યે નથી. ભારત સાથેના સીમા વિવાદને હળવો બનાવવા ઉપરાંત ચીને કૈલાસ માનસરોવરની યાત્રા માટે ભારતીય યાત્રાળુઓ માટે માર્ગ ખોલીને સંબંધ સુધારવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો, ત્યાં આતંકના મામલે પોતાનું પોત પ્રકાશીને તેણે વધુ એક વખત સંબંધોમાં કડવાશની સ્થિતિ ઊભી કરી દીધી. વાસ્તવિક્તા એ છે કે, પાકિસ્તાનમાં જ્યારે ચીની નાગરિકોને આતંકવાદીઓ નિશાન બનાવે છે ત્યારે બીજિંગને તેની ગંભીરતા સમજાય છે, પણ આ સમજણ તેણે ભારત સામેના આતંકી હુમલામાં પણ રાખવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd