મુંબઈ, તા. 2 (પીટીઆઈ)
: અમેરિકન ડોલર સામે સતત ગગડી રહેલો રૂપિયો આજે કારોબાર દરમ્યાન મનોવૈજ્ઞાનિક સ્તર
90 રૂપિયાને સ્પર્શ્યો હતો તે પછી 42 પૈસા તૂટી નવા સર્વકાલીન નીચા સ્તર 89.95 (અસ્થાયી) એ બંધ આવ્યો હતો. વિદેશી મુદ્રા કારોબારીઓએ
જણાવ્યું કે, મુખ્ય રીતે સટ્ટોડિયાઓ દ્વારા પોતાના સોદા પૂરા કરવા સતત
લેવાલી અને આયાતકારોની માંગ બની રહેવાને કારણે ભારતીય ચલણ તૂટયું હતું. બીજી તરફ,
શેરબજારમાં સતત ત્રીજા દિવસે મંદીનો માહોલ રહેતાં સેન્સેકસ 503 અંક જેટલો ગગડયો હતો. કારોબારીઓએ જણાવ્યું કે, વિદેશી રોકાણકારો દ્વારા થઈ રહેલી વેચવાલી અને ભારત-અમેરિકા વેપાર સોદા અંગેની
અનિશ્ચિતતા જેવા અનેક દબાણને કારણે રોકાણકારોની ધારણા નબળી બનેલી છે. અંતરબેંક વિદેશી
મુદ્રા બજારમાં રૂપિયો 89.70 પ્રતિ
ડોલર ખૂલ્યો હતો. કારોબાર દરમ્યાન રૂપિયો 47 પૈસા
તૂટીને અમેરિકી ડોલર સામે 90.00ના
ઐતિહાસિક નીચા સ્તરે પહોંચ્યો હતો. આ પછી તે થોડો ઊંચકાઈ કારોબારના અંતે ડોલરની તુલનાએ
89.95 (અસ્થાયી)ના વિક્રમી નીચા સ્તરે
આવ્યો હતો. જાણકારોએ જણાવ્યું હતું કે, 90નું
સ્તર એક મુખ્ય મનોવૈજ્ઞાનિક સ્તર છે. જો રૂપિયો તેને પણ પાર કરી જશે તો બજાર ઝડપથી
91.00 અથવા તેનાથી પણ ઉચ્ચ પ્રવૃત્તિવાળા
ચરણમાં સ્થાનાંતરિત થઈ શકે છે. તેમણે કહ્યું કે, રિઝર્વ બેન્ક
ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ 90ના
સ્તરની નીચે સક્રિય રહેવાની જરૂર છે. આ સ્તર પર કેન્દ્રીય બેન્કે સટ્ટોડિયાઓને એકતરફી
વલણની સાથે સહજ થતાં રોકવા પડશે કેમ કે, તેનાથી અમેરિકન ડોલર-રૂપિયામાં અસ્થિરતામાં
અનાવશ્યક વધારો થઈ શકે છે.