• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

રાજસ્થાનમાં વિસ્ફોટકો ભરેલી ટ્રક ઝડપાઈ

જયપુર, તા. ર : શ્રીનાથજી પોલીસે મોટી સફળતામાં વિસ્ફોટકોથી ભરેલા એક પિકઅપ ટ્રકને જપ્ત કરી છે. આ પિકઅપ ટ્રકમાં 10 કિલોમીટરના વિસ્તારને ધણધણાવી શકાય એટલી વિસ્ફોટક સામગ્રી હતી. દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ બાદ રાજસ્થાન પોલીસ હાઇએલર્ટ પર છે ત્યારે મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવાયું છે. દિલ્હીમાં લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ બાદ પણ આતંકી હુમલાનું જોખમ ઓછું થયું નથી. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રક અમેટ વિસ્તારથી નાથદ્વારા તરફ જઈ રહી હતી. બાતમીને આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વાહન જપ્ત કર્યું અને ટ્રકમાં વિસ્ફોટકો જોઈને પોલીસ ટીમ ચોંકી ગઈ હતી. વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી અને ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જો પિકઅપ વાનમાં વિસ્ફોટ થયો હોત તો તેમાં રહેલા વિસ્ફોટકોની માત્રા 10 કિલોમીટર સુધીના વિસ્તારને અસર કરી શકી હોત.  પોલીસ પિકઅપ વાનના ડ્રાઇવરની પૂછપરછ કરી રહી છે અને ઘણાં નામો બહાર આવ્યાં છે જેમની શોધખોળ ચાલુ છે. તાજેતરમાં પોલીસે રાજસ્થાનથી ચાર આતંકવાદી મૌલવીઓની અટકાયત કરી હતી. દરમિયાન મૌલવી ઓસામા ઉમરનું પાકિસ્તાની આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે જોડાણ ખુલ્યું હતું ત્યારથી રાજસ્થાન પોલીસ સતર્ક છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રકમાં વિસ્ફોટકોનો જથ્થો એટલો મોટો હતો કે વિસ્ફોટથી વ્યાપક વિનાશ થઈ શકે તેમ હતું. હાલમાં પોલીસ ટીમ જપ્ત કરાયેલ સામગ્રીની ગણતરી કરી રહી છે અને તેની પ્રકૃતિ અને ક્ષમતાની તપાસ કરી રહી છે. પોલીસ વિસ્ફોટકો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા અને કયા હેતુ માટે લઈ જવામાં આવી રહ્યા હતા તેની તપાસ કરી રહી છે. પિકઅપ ડ્રાઇવરની પૂછપરછમાં કેટલાંક નામો બહાર આવ્યાં છે અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

Panchang

dd