• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

ચકાર પુલના નવનિર્માણથી ત્રણ તાલુકાના લોકોમાં ખુશી

કોટડા (ચકાર), તા. 2 : સાઇઠેક વર્ષ જૂનો ચકાર પુલ સવા ત્રણ કરોડના ખર્ચે નવો બનતાં ત્રણ તાલુકાના લોકોમાં ખુશી ફેલાઇ હતી. ચકાર ગામના પાદરે આવેલા અને ભૂખી નદીપટ પર વર્ષો અગાઉ કચ્છ જિલ્લા લોકલ બોર્ડ દ્વારા બંધાયેલો પુલ નીચેથી જર્જરિત બન્યો હતો. ભુજથી મુંદરા, અંજાર સહિત ત્રણ તાલુકાઓના ગામડાઓને જોડતો આ પુલ નવો બની જતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. સતત વાહનોની અવર-જવરથી ધમધમતા આ જર્જરિત પુલને નવો બનાવવા મકાન માર્ગ ખાતાને આ પંથકના લોકો વતી ચકારના માજી તાલુકા પંચાયતના સભ્ય રમેશભાઇ ગઢવી સહિતના અગ્રણીઓએ રજૂઆતો કરી હતી. ભુજથી મુંદરાના લફરા, કુંદરોડી, અંજારના ખંભરા, ખેડોઇ પંથકના ગામડાઓના લોકો આ રસ્તે મોટા પ્રમાણમાં અવર-જવર કરે છે. ચકાર, જાંબુડી, કોટડા, બંદરા, વરલીના લોકો માટે અવર-જવર માટે આ પુલ જીવાદોરી સમાન છે. આ પંથકના નવા ડામર માર્ગો પણ ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાના પ્રયાસોથી બની રહ્યા છે, તેવું રમેશભાઇ ગઢવીએ કહ્યું હતું.

Panchang

dd