• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

મારું કામ રોડ બનાવવાનું છે, પાણીની લાઇન સાંધવાનું નહીં

ગાંધીધામ, તા. 2 : ગાંધીધામ આદિપુરમાં માર્ગોની કામગીરી ચાલુ છે. ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટર પાણીની લાઈન તોડી નાખે છે તે પછી અધિકારીઓ અને કર્મચારીઓને દાદ આપતા નથી, તેના કારણે વિભાગની અને લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. આદિપુરમાં ગણપતિ માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે એ દરમિયાન ખોદકામ કરતી વખતે અનેક જગ્યાએ પીવાનાં પાણીની લાઈન તોડી નાખવામાં આવી છે. પાણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ કોન્ટ્રાક્ટરને લાઈન રીપેરીંગ માટે કહ્યું હતું, ત્યારે કોન્ટ્રાક્ટરે મારું કામ રોડ બનાવવાનું છે, લાઈનો બનાવવાનું નથી તેવું કહીને ઉડાઉ જવાબ આપ્યા હતા તેવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. મહાનગરપાલિકાની કચેરીની લોબીમાં પણ કોન્ટ્રાક્ટર અને પાણી વિભાગના કર્મચારીઓ વચ્ચે આ બાબતે માથાકૂટ થઈ હતી. પાણીની લાઈન તૂટી જાય અને પાણીનો વેડફાટ થાય છે તે ગંભીર બાબત છે. આ ઉપરાંત લીકેજમાંથી લોકોને પીવાનું પાણી દૂષિત મળે છે તેને લઈને પાણી વિભાગ પરેશાન છે એટલા માટે કોન્ટ્રાક્ટરને લાઈન રીપેરીંગ માટે કહે છે, ત્યારે ઉડાઉ જવાબ આપવામાં આવે છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર ઉપર નિયંત્રણ જરૂર છે ખાસ કરીને કોન્ટ્રાક્ટર એન્જિનીયારિંગ વિભાગ હેઠળ છે જો કોઈ પણ જગ્યાએ પીવાનાં પાણીની કે ગટર લાઈનને નુકસાન પહોંચે તેવી સ્થિતિમાં એન્જિનીયારિંગ વિભાગે કોન્ટ્રાક્ટરોને સૂચના આપવી જોઈએ અને તત્કાલીન લાઈન રીપેરીંગ અથવા તો લાઈનની મરંમત તેમની પાસેથી જ કરાવવી જોઈએ, પરંતુ આવું થતું નથી ગણપતિ માર્ગ ઉપર લગભગ ચાર-પાંચ દિવસથી લાઈન તૂટેલી અવસ્થામાં છે, પાણીનો વેડફાટ થાય છે, પાણી વિભાગના જવાબદારોએ પોતાની રીતે એકથી બે લાઈન રીપેરીંગ કરાવી છે હજુ પણ અન્ય જગ્યાઓએ લાઇન તૂટેલી અવસ્થામાં છે.  તાત્કાલિક પગલાં ભરીને લાઈનોની મરંમત કરાવવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર ઉપર નિયંત્રણ આવશ્યક છે, જે જગ્યાએ ખોદકામ દરમિયાન લાઈન તૂટે અથવા તો લાઈનને કોઈ નુકસાન પહોંચે, તો તે જ કોન્ટ્રાક્ટર પાસેથી રીપેરીંગ કરાવવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

Panchang

dd