આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 2 : સંસદમાં એસઆઇઆર (મતદાર યાદી પુન: નિરીક્ષણ)ની ચર્ચાના મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે ધમાલ બાદ અંતે સમાધાનના સંકેત મળ્યા છે. સરકારે નવમી ડિસેમ્બરે ચૂંટણી સુધારાના શીર્ષક હેઠળ એસઆઇઆરના મુદ્દે ચર્ચા કરવા તૈયારી દાખવી છે. સંસદીય કાર્યકારી પ્રધાન કિરેન રિજિજુએ આજે જાહેરાત કરી હતી કે, લોકસભામાં આઠમી ડિસેમ્બર સોમવારે રાષ્ટ્રગાન વંદે માતરમ્ની સાર્ધશતાબ્દી (150 વર્ષ)ની ચર્ચા થશે અને નવમી ડિસેમ્બર, મંગળવારે ચૂંટણી સુધારા સંબંધે વિસ્તૃત ચર્ચા થશે. ગઇ કાલે સોમવારથી શરૂ થયેલા સંસદના શિયાળુ અધિવેશનમાં બંને ગૃહમાં વિપક્ષો સતત એસઆઇઆર મુદ્દે ચર્ચાની માગણી કરી રહ્યા છે. સોમવારે આ સંબંધી ધમાલમાં સંસદ વારેવારે ખોરવાઇ હતી અને આજે સવારથી પણ બંને ગૃહમાં વિપક્ષોએ સતત હોબાળો મચાવ્યો હતો. સંસદમાં એસઆઇઆર મુદે સતત વિક્ષેપને ટાળવા સર્વપક્ષીય બેઠક અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના વડપણ હેઠળ સંસદની બિઝનેસ એડવાઇઝરી કમિટીએ આ સમાધાનકારી રસ્તો કાઢ્યો હતો. રિજિજુએ એક્સ ઉપર પોસ્ટમાં જાણકારી આપી હતી કે લોકસભાના અધ્યક્ષના વડપણ હેઠળ સર્વપક્ષીય બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે આઠમી ડિસેમ્બર, સોમવારે બપોરે 12 વાગ્યાથી લોકસભામાં રાષ્ટ્રગાન વંદે માતરમ્ની સાર્ધશતાબ્દિની ચર્ચા થશે અને નવમી નવેમ્બર, મંગળવારે બપોરે બાર વાગ્યાથી લોકસભામાં ચૂંટણી સુધારાઓ વિષયક ચર્ચા થશે. રિજિજુના જણાવ્યા પ્રમાણે વંદે માતરમ્ની ચર્ચાનો પ્રારંભ વડા પ્રધાન મોદી કરશે એવી અપેક્ષા છે અને બંને વિષયે ચર્ચા માટે દસ-દસ કલાક ફાળવાયા છે, જરૂર પડયે ચર્ચાનો સમય લંબાવી શકાય છે.