આડેસર, તા. 2 : સમખિયાળી-રાધનપુર
નેશનલ હાઈવે અંતર્ગત પુલ બન્યા બાદ આડેસર ગામમાંથી
નીકળતો હાઈવે ત્યાં જ રસ્તો બન્યો હતો. વર્ષો
સુધી રોડની સોપણી મુદ્દે વિવાદ રહ્યો હતો અંતે બસ સ્ટેન્ડ વિસ્તારમાં વર્ષો
જૂની સમસ્યાને હલ કરવા માટે સવા ત્રણ કરોડના ખર્ચે રસ્તાનું કામ શરૂ થયું હતું, પરંતુ ગુણવત્તા નબળી હોવાથી અગ્રણીઓ દ્વારા કામ અટકાવી દેવાયું છે. વર્ષો પહેલા
નેશનલ હાઈવે ગામમાંથી પસાર થતો હતો. જે આડેસર ગામની બાયપાસથી નીકળી જતા આ માર્ગ એસ.ટી.
બસ અને નાના વાહનોની અવરજવર માટે ઉપયોગી છે. ઘણા વર્ષોથી આ માર્ગની હાલત અત્યંત ખરાબ
હતી, અખબારમાં અહેવાલો અને ગામની રજૂઆતોના અંતે રાપરના ધારાસભ્યના
પ્રયાસથી અંદાજે એક કિલોમીટરના રોડ માટે સવા ત્રણ કરોડ રૂપિયાની ગ્રાંટ મંજૂર કરવામાં
આવી હતી. જેનુ ખાતમુહૂર્ત થયા બાદ થોડા સમયમાં અહીં કામ શરૂ કરવામાં આવ્યુ હતું. આ
રોડ ઉપર દિવસ દરમ્યાન ત્રણસો જેટલી બસ પસાર થાય છે અને હજારો નાના મોટાં વાહનો પણ અવરજવર
કરે છે. કામ ચાલુ કરતા પહેલાં વાહનોની અવરજવર માટે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ,
પણ મહિના પહેલાં ચાલુ થયેલા આ રોડનાં કામ માટે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો
અચાનક બંધ કરી દેવામાં આવ્યો હતો અને રોડનું ખોદકામ શરૂ કરી દેતા અહીના લોકો અને વાહનચાલકો
મોટી મુશ્કેલીમાં મુકાયા છે. લોકોને બસ માટે છેક દોઢ કિ.મી. દૂર હાઇવે રોડ પર જવું
પડે છે અને બસ પણ મુસાફરોને દોઢ કિ.મી. દૂર ઉતારે છે. જ્યાં પેસેન્જરો માટે કોઈ વ્યવસ્થા
ઊભી કરવામાં આવી નથી આ કામ છેલ્લા એક મહિનાથી ચાલુ છે. રોડને મશીન દ્વારા તોડીને સીધી
મેટલ કાંકરી નાખી દઈ ઉપર સિમેન્ટ નાખી રોડનું કામ નબળી ગુણવત્તાનું કરવામાં આવી રહ્યુ
હોઈ ગામના યુવાનોમાં આ બાબતે ચર્ચાએ જોર પકડયું હતું. આડેસરના યુવા અગ્રણી અજયપાલાસિંહ
જાડેજા દ્વારા આ કામને બંધ કરાવાવામાં આવ્યુ છે. કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડીને મશીનરી
તેમજ માણસો લઈને જતા રહ્યા છે, પણ આ રસ્તાનું કામ પૂરું ન થાય,
ત્યાં સુધી અહીના લોકોને અવરજવર માટે મુશ્કેલીઓ ભોગવી પડી રહી છે. વહીવટી
તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય પગલાં ભરીને રોડનું ગુણવત્તાયુક્ત કામ શરૂ કરીને જલ્દીથી
પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ગામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.