નવી દિલ્હી,
તા. 2 : કેન્દ્ર
સરકારે મંગળવારે એક મોટો નિર્ણય લઇને પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)નું નામ બદલીને
સેવાતીર્થ કરવાની જાહેરાત કરી છે. સાથે જ કેન્દ્રીય સચિવાલય અને રાજભવનનું નામ પણ બદલવાનો
ફેંસલો કર્યો છે, હવે સરકારે દેશભરના રાજભવનોનું નામ બદલીને લોકભવન રહેશે.
પીએમઓ હવે સેવાતીર્થ તરીકે ઓળખાશે. કેન્દ્રીય સચિવાયલને કર્તવ્યભવન કહેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશ બાદ
ગુજરાત, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ,
કેરળ, આસામ, ત્રિપુરા,
ઓડિસાએ તેમના રાજભવનોનું નામ બદલીને લોકભવન કર્યા છે. દાયકાઓથી દક્ષિણ
બ્લોકથી સંચાલિત પીએમઓ હવે નવા સંકુલ `સેવાતીર્થ'માં ખસેડાવા જઇ રહ્યું છે. નવું કાર્યાલય
સેવાતીર્થ-1માં
બનાવાયું છે. ગયાં વર્ષે યોજાયેલી રાજ્યપાલોની પરિષદમાં રાજભવનનું નામ બદલીને લોકભવન
રાખવાનું સૂચન થયું હતું. કારણ કે, `રાજભવન' શબ્દ વસાહતીવાદને દર્શાવે છે. તેથી
વિનંતી કરવામાં આવે છે કે રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયોને તમામ સત્તાવાર
હેતુઓ માટે `લોકભવન' અને `લોકનિવાસ' નામ આપવામાં આવે, એમ ગૃહ મંત્રાલયના નિર્દેશમાં જણાવાયું
હતું. ગૃહ મંત્રાલયના નિર્દેશો બાદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પોતાના કાર્યાલયોમાંથી
`રાજ' શબ્દ દૂર કરવાનું શરૂ કરી દીધું છે.
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ, ઉત્તરાખંડ, ઓડિસા,
ગુજરાત અને ત્રિપુરાએ `રાજભવન'નું નામ બદલીને `લોકભવન' કર્યું છે. લદ્દાખના રાજનિવાસનું નામ બદલીને `લોકનિવાસ' કરવામાં આવ્યું છે. આ યાદીમાં વધુ
એક રાજ્ય ઉમેરાયું છે. રાજસ્થાને પણ રાજભવનનું નામ બદલવાની જાહેરાત કરી છે.