• શનિવાર, 20 એપ્રિલ, 2024

મોદી સરકારનો નવો મુકામ : સિદ્ધિ-વિકાસનાં નવ વર્ષ

દેશના વડાપ્રધાન તરીકે લોકનેતા નરેન્દ્ર મોદીએ 26મી મેએ નવ વર્ષ પૂરાં કર્યાં છે. પોતાના અત્યાર સુધીના કાર્યકાળમાં તેમના અને દેશના હિસ્સામાં મોટી સિદ્ધિઓ આવી છે, જે ભારતીય નાગરિકોનાં મનમાં આત્મવિશ્વાસ અને ગૌરવની અનુભૂતિ જગાડે છે. તેમનાં નેતૃત્વમાં સરકારે અનેક એવી નીતિઓ અને યોજનાઓ સાકાર કરી છે, જે લાંબા સમય સુધી દેશના વિકાસ માટે નક્કર આધાર ઉપલબ્ધ કરાવતી રહેશે. સ્વતંત્રતા પછીનાં વર્ષોની સરખામણીમાં આ નવ વર્ષ દરમિયાન લગભગ તમામ મોરચા પર જબરદસ્ત પ્રગતિ થઈ છે, સાથે જ દુનિયાભરમાં ભારતની છબી પણ સશક્ત બની છે. આ સિદ્ધિઓ દેખીતી રીતે જ નાનીસૂની નથી. આ સિદ્ધિઓમાં 80 કરોડ લોકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. દિવ્યાંગજનોને સશક્ત બનાવવામાં આવ્યા છે. 48.27 કરોડ જનધન ખાતાં ખોલવામાં આવ્યાં. બે કરોડથી વધુ રહેઠાણ પૂરાં પાડવામાં આવ્યાં છે. કિસાન સન્માન નિધિનાં રૂપમાં 2019થી દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે. પાક વીમા યોજના પણ લાવવામાં આવી છે. 8.67 કરોડ ઘર સુધી નળથી જળ પહોંચાડવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણ માટે ગ્રામીણ વિસ્તારોમાં 11.72 કરોડ ઇજ્જતઘર (શૌચાલય) બનાવવામાં આવ્યાં છે. નવ કરોડથી વધુ રાંધણગેસ - ઉજ્વલા કનેક્શન આપવામાં આવ્યાં છે. રોજગાર મેળાનાં આયોજન દ્વારા દસ લાખ ભરતીયનું અભિયાન શરૂ કરાયું છે. ગ્રામીણ વિસ્તારોમાં 2.55 કરોડ ઘર બનાવ્યાં છે. પીએમ આવાસ યોજના અંતર્ગત 72.72 લાખ ઘર નોંધવામાં આવ્યાં છે. કોરોના દરમિયાન 220 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આયુષ્માન ભારતથી દસ કરોડ પરિવારના પાંચ લાખ વીમા ઉતારવામાં આવ્યા છે. દેશને જી-20ની અધ્યક્ષતા મળી છે. ક્વાડ અને ટુ પ્લસ ટુ જેવાં સંગઠનો બન્યાં છે. યુદ્ધ પ્રભાવિત દેશોમાંથી ભારતીયોને ઉગારવામાં આવ્યા છે. ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. ડિજિટલ વહેવારોમાં વધારો થયો છે. 776 અબજ ડોલરની નિકાસ થઈ છે. ગતિશક્તિથી રસ્તા, રેલ, હવા અને જળમાર્ગ તેમજ બંદરોનો વિસ્તાર કરવામાં આવ્યો છે. વંદે ભારત ટ્રેન, ઉડાન યોજના લાવવામાં આવી છે. સરકારે અનેક વ્યાપાર સંબંધી કાયદા અને અડચણોને સમાપ્ત કરી છે. ડિજિટલ આવશ્યકતાઓને પૂરી કરવા માટે 3.23 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર બનાવાયાં છે. ઈશાનનાં રાજ્યોમાં શાંતિ અને સમૃદ્ધિ માટે અનેક સમજૂતીઓ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી વિકાસ પહલ (પીએમ ડિવાઈન) શરૂ કરવામાં આવી છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોર, ઉજ્જૈનમાં મહાકાલ લોક સહિત બીજી અન્ય યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે, સાથે જ અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણનું કામ જોરશોરથી ચાલુ છે. ટ્રિપલ તલાક અને કલમ 370નો અંત આવ્યો. જેનાં પગલે તલાકના કેસમાં 82 ટકા ઘટાડો થયો છે. 34 વર્ષ જૂની શિક્ષણનીતિ બદલવામાં આવી છે. 2009માં 3574 આતંકી ઘટના બની હતી, જે 2021માં 1723 થઈ હતી. કાશ્મીર ખીણમાં ઘૂસણખોરીની ઘટનાઓમાં પણ ઓટ આવી છે. કૉંગ્રેસે મોદી સરકાર ઉપર બેરોજગારીમાં વૃદ્ધિ, બેકાબૂ મોંઘવારી, ગરીબી ઓછી નહીં કરવા, ખેડૂતોને રાહત નહીં, ચીન અને પાકિસ્તાનનો પડકાર, સીએએ લાગુ નહીં કરી શકવાના મુદ્દા ઉપસ્થિત કર્યા છે, શાસક-વિરોધ પક્ષ વચ્ચે વિવિધ મુદ્દે આક્ષેપોનો સામસામો મારો ચાલુ જ હોય છે. મોદી સરકારે લીધેલા કેટલાક નિર્ણય વ્યાપક અસરકર્તા બની રહ્યા છે. મોદી સરકારે 2016માં નોટબંધી જેવો સાહસિક નિર્ણય લીધો, તો જુલાઈ 2017માં દેશભરમાં જીએસટી લાગુ કર્યો. ઈનડાયરેક્ટ ટેક્સ રિફોર્મનો આ સૌથી મોટો નિર્ણય હતો. 2019માં પુલવામા એટેક પછી પાકનાં બાલાકોટમાં છુપાયેલા આતંકવાદીઓનાં સ્થળો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં દેશના એ બધા કાયદા લાગુ કરવામાં આવ્યા, જે કામ 70 વર્ષ સુધી થઈ શક્યું નહોતું. સ્થાનિક લોકોને કેન્દ્ર સરકારની યોજનાઓનો ફાયદો મળવા લાગ્યો. જમ્મુ-કાશ્મીરને લદ્દાખથી અલગ કરીને કેન્દ્રશાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. મોદી સરકારે પોતાના નવ વર્ષના કાર્યકાળમાં જનકલ્યાણ યોજનાઓ દ્વારા ભાજપ માટે વ્યાપક જનાધાર પણ તૈયાર કર્યો છે. ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, મેઈક ઈન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ જેવી નીતિગત પહેલોથી દેશમાં ચેતના જાગી છે. બીજા દેશોમાં ધર્મને કારણે થતી કનડગતને પગલે સ્થળાંતર થયેલા મજબૂર હિન્દુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તીઓને સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા ભારતીય નાગરિકતા આપવાની પણ પહલ કરવામાં આવી છે, તો સીમા પારથી પ્રાયોજિત આતંકવાદને જડબાંતોડ જવાબ આપવામાં આવ્યો છે કે, `આ નવું ભારત છે, જે ઘરમાં ઘૂસીને મારવાનું જાણે છે.' આપણે ભૂતકાળમાં વિકસિત દેશોની દાદાગીરી સહન કરી છે, પરંતુ હવે ભારતની છબી એક એવા વૈશ્વિક નેતાની બની ગઈ છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ સહિત દરેક સંકટમાં વિકસિત દેશો પણ આપણા ભણી આશાભરી નજરે જોઈ રહ્યા છે. મોદી સરકારના નવ વર્ષના કાર્યકાળમાં ભારત વિશ્વગુરુની પોતાની જૂની ઓળખ પુન: પામવાની દિશામાં ઝડપથી વધી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang