• સોમવાર, 30 જૂન, 2025

સમુદ્રી વ્યાપારમાં હરિત ઊર્જાનું મહત્ત્વનું ડગ કંડલામાં મંડાશે

ગાંધીધામ, તા. 29 : દેશના તમામ મહાબંદરોમાં 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નંબર વનનું સ્થાન પુન: હાંસલ કરનારા દીનદયાલ મહાબંદરને ભારત સરકાર દ્વારા હાઈડ્રોજન હબ બનાવશે. આ પહેલ અંતર્ગત પોર્ટ ખાતે પ્રથમ હાઈડ્રોજન પ્લાન્ટ આગામી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં કાર્યરત થઈ જશે. સમુદ્રી વ્યાપાર ક્ષેત્રમાં નેટ ઝીરો ઉત્પાદનના લક્ષ્યાંકને હાંસલ કરવાની દિશામાં એક મહત્ત્વનું ડગ કંડલા બંદરેથી ભરાશે. એક મેગા વોટ અને ચાર મેગા વોટ એમ બે પ્લાન્ટ થકી પાંચ મેગા વોટ ઉત્પાદન કંડલાથી શરૂ થશે. ડી.પી.એ. ચેરમેન સુશીલકુમાર સિંઘે જણાવ્યું હતું કે, હાઈડ્રોજન પ્લાન્ટ સંબંધી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આગામી 10 જુલાઈથી કાર્યરત કરવામાં આવશે. આ સાથે જ સમુદ્રી વ્યાપારના ક્ષેત્રમાં નવી ક્રાંતિનો આરંભ થશે તેવું તેમણે ઉમેર્યું હતું. કંડલા બંદરે હાઈડ્રોજન હબ બનાવવા માટે પોર્ટ દ્વારા શરૂઆતથી જ અગ્રતાક્રમે પગલાં લેવાયાં હતાં. ટેન્ડર પણ જારી કરી દેવાયાં હતાં અને રિલાયન્સ, એલ. એન્ડ ટી. સહિતની પાંચ જેટલી કંપની દ્વારા મોટાપાયે હાઈડ્રોજનનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત દીનદયાલ પોર્ટ દ્વારા એક મેગાવોટનો ડેમોન્સ્ટ્રેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. એક મેગાવોટના આ પ્લાન્ટને ભવિષ્યમાં 10 મેગાવોટ સુધી વિસ્તરીત કરી શકાશે. વ્યાપક સ્તરે કંડલામાં હાઈડ્રોજન હબ કઈ રીતે બનાવવું તે અંગેનું માર્ગદર્શન આ પ્લાન્ટ થકી આપવામાં આવશે. સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી સાથે એલ. એન્ડ ટી. દ્વારા સુરત ખાતે એક મેગાવોટનું ઇલેક્ટ્રોલાઇઝર બનાવવામાં આવ્યું હતું. જેને તાજેતરમાં જ કેન્દ્રીય શાપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલ દ્વારા કંડલા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. દીનદયાલ પોર્ટ સહિત દેશના ત્રણ મહાબંદરને હાઈડ્રોજન હબ બનાવવા જાહેરાત કરાઈ છે, તે પૈકી કંડલા ખાતે ઉત્પાદન શરૂ થતાં સરકારનું પોર્ટ ક્ષેત્રમાં હરિત ઊર્જા ઉત્પાદન કરવાનું સ્વપ્ન કચ્છની ભૂમિ ઉપરથી સાકર થવા જઈ રહ્યું છે. - ગાંધીધામના માર્ગો ઉપર હાઈડ્રોજન બસ દોડશે : ગાંધીધામ, તા. 29 : દીનદયાલ પોર્ટ દ્વારા આગામી જુલાઈ મહિનામાં એક મેગા વોટનો હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યરત કરવાની જાહેરાત કરાઈ છે, ત્યારે આ સાથે ગાંધીધામના માર્ગો ઉપર હાઈડ્રોજન બસ દોડશે તે દિવસો હવે નજીક છે. એન.જી.ટી. અને દીનદયાલ પોર્ટ વચ્ચે કરાર થયા છે. આ અંતર્ગત ડી પી.એ.ને એન.જી.ટી. દ્વારા 11 બસ ફાળવવામાં આવશે. ગાંધીધામથી કંડલા સુધી સ્ટાફને લઈ જવા માટે પોર્ટ દ્વારા આ બસ ઉપયોગમાં લેવાશે. કંડલા ખાતે આગામી જુલાઈથી શરૂ થનારા એક મેગાવોટના હાઈડ્રોજન પ્લાન્ટમાં પ્રતિ કલાક 18 હજાર કે.જી. હાઈડ્રોજન ઉત્પાદન થશે. 

Panchang

dd