• બુધવાર, 12 માર્ચ, 2025

નવા આવકવેરા ખરડાથી પ્રક્રિયામાં સરળતાની આશા

કેન્દ્રીય બજેટમાં આવકવેરાની મોટી રાહત જાહેર કરાયા બાદ હવે આ વેરાનાં માળખાં અને તેની પ્રક્રિયાને સરળ બનાવવા નવો આવકવેરા ખરડો સંસદમાં રજૂ કરાયો છે. નાણામંત્રી નિર્મલા સિતારામને આ નવો ખરડો રજૂ કર્યો છે, જે હાલે અમલી 1961ના આવકવેરા કાયદાનું સ્થાન લેશે. આ ખરડા અંગે જ્યારથી ચર્ચા ચાલી હતી, ત્યારથી તેના સ્વરૂપ અંગે દેશભરમાં ઉત્કંઠા જાગી હતી.  હકીકતમાં આ 622 પાનાંના નવા ખરડાથી આવકવેરાની જોગવાઈઓ સરળ બનાવવાની જાગેલી આશા ફળીભૂત થશે, એમ જણાઈ રહ્યંy છે.  આ નવા ખરડાથી નાગરિકો અને વેપારી પ્રતિષ્ઠાનોને આવનારા વર્ષોમાં ફાયદો થઈ શકે તેમ છે. આમ તો આ નવા ખરડાને લાવવાની સાથે જ તેને સંસદીય સમિતિ પાસે વિચારણા માટે મોકલીને સરકારે આવી મહત્ત્વની બાબતમાં સૂચનોનો સામાવેશ કરવાની તત્પરતા બતાવી છે. છેક 1961થી અમલી હાલના આવકવેરા કાયદામાં સમયાંતરે સુધાર તો થયા છે, પણ જૂના ખરડામાં સુધારા અને ઉમેરા થવાને લીધે કાયદો વધુ ને વધુ જટીલ બની રહ્યાની છાપ ઊભી થતી રહી હતી.  જૂનો કાયદો જ્યારે અમલી બન્યો, ત્યારે તેમાં 298 કલમ હતી જે હાલે વધીને 819 પર પહોંચી છે. હવે નવા કાયદાના ખરડામાં એક તરફ શબ્દોને સરળ અને તેના અર્થઘટનને સમજી શકાય એવા ટૂંકા કરાયા છે. આ ખરડામાં કલમોની સંખ્યા ઘટાડીને પ36 કરાઈ છે.  ખાસ તો આ ખરડામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અને કેપિટલ ગેઈન ટેક્સ  સહિતની બાબતોને સરળ કરાઈ છે. ખાસ તો આવકવેરામાં એસેસમેન્ટ યર હવે ટેક્સ યરનું નામ અપાયું છે. ખાસ તો આવકવેરા અને તેને સંલગ્ન અન્ય વેરાઓની અત્યાર સુધીની જોગવાઈઓના અલગ-અલગ અર્થઘટનને લીધે સર્જાતા રહેલા ગૂંચવડા અને વિવાદોનો હવે નવા કાયદાથી અંત આવી શકે છે. હાલે અમલી કાયદાના અલગ-અલગ અર્થઘટનને લીધે વેરા અંગેના વિવાદો દેશમાં સતત વધી રહ્યા છે. છેલ્લા દોઢ દાયકામાં આ વિવાદનાં ચલણમાં ઉછાળો આવ્યો છે. મળતા આંકડા મુજબ વર્ષ 2023 સુધી વેરા અંગે કુલ રૂા. 1પ.4 લાખ કરોડની રકમના વિવાદી કેસ પડતર હતા. આ કેસમાં 87 ટકા કેસ સીધા વેરાને લગતા વિવાદના હતા. નોંધપાત્ર હકીકત એ છે કે, આવકવેરા વિભાગને આવા વિવાદીત કેસોનો સરવાળે કોઈ ફાયદો થતો નથી હોતો. કારણ કે, આપણે ત્યાં આવા કેસમાં સરકાર તરફી ચુકાદો આવવાની ટકાવારી બહુ કંગાળ રહેલી છે.  હવે આવનારા સમયમાં આ ખરડો જ્યારે કાયદો બનશે, ત્યારે વેરાનાં માળખાંને વધુ સરળ  બનાવવાના ઈરાદા માટેના અમલનો માર્ગ મોકળો બનશે, પણ જેમ આવકવેરા કે તેને લગતા વેરા ભરનારા અને વેરાના ધારાશાત્રીઓ નવા કાયદાની જોગવાઈઓ સમજીને પોતાના રિટર્નને ભરવા પર ધ્યાન આપશે એવી અપેક્ષા જે રીતે વ્યક્ત થઈ રહી છે તે જ રીતે સરકારી એજન્સીઓ વધુ સ્પષ્ટ નિયમોના આધારે વિવાદને ટાળવાના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા પર ધ્યાન આપે તે પણ એટલું જ જરૂરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd