રાષ્ટ્રપતિના મંગળ પ્રવચન બદલ આભાર પ્રસ્તાવ પર બોલતી વખતે લોકસભામાં
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચીન, બેરોજગારી
સહિતના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. એમણે આક્ષેપ કર્યો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં નરેન્દ્ર મોદીને આમંત્રણ મળે એ માટે વિદેશપ્રધાન
એસ. જયશંકરને અમેરિકા મોકલવામાં આવ્યા હતા, જો આપણી સ્થિતિ મજબૂત
હોત તો અમેરિકાના પ્રમુખે સામે ચાલીને ભારત આવીને વડાપ્રધાનને આમંત્રણ આપ્યું હોત.
ચીન મુદ્દે બોલતાં રાહુલે કહ્યું છે કે, ચીન આર્થિક મોરચે આપણા
કરતાં 10 વર્ષ આગળ છે, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. આજે
પણ ભારત ચીનની વસ્તુઓ પર નિર્ભર છે. રાહુલના ટ્રમ્પ શપથના પ્રકરણ સંદર્ભમાં જયશંકરે
જવાબ આપ્યો છે કે, `રાહુલ ગાંધી
ડિસેમ્બર 2024ની મારી અમેરિકાની મુલાકાત
અંગે ઈરાદાપૂર્વક ખોટું બોલી રહ્યા છે.' હું તો પ્રમુખ બાયડનના વિદેશપ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને મળવા ગયો
હતો. મારા પ્રવાસ દરમિયાન કોઈ પણ સ્તર પર વડાપ્રધાનના સંબંધમાં નિમંત્રણ પર ચર્ચા નથી
થઈ. રાહુલનાં નિવેદનોનો ઉદ્દેશ રાજકીય હોય છે, પરંતુ આ જુઠાણાંથી
વિદેશમાં દેશની છબીને નુકસાન પહોંચે છે, જ્યારે સંસદીય બાબતોના
પ્રધાન કિરન રિજ્જુએ રાહુલ પર ગૃહમાં તથ્યહીન વાતો રજૂ કરવાનો આક્ષેપ કર્યો છે. વિપક્ષના
નેતાએ જવાબદારી સાથે બોલવું જોઈએ. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભાના અધ્યક્ષને
વિનંતી કરી છે કે, તેઓ રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત
લાવે. ભારતની ધરતી પર ચીની સેના મોજૂદ હોવાના રાહુલ ગાંધીનાં નિવેદન સામે તેમણે આ વિનંતી
કરી હતી. જયશંકર અને રિજ્જુનાં નિવેદન પછી રાહુલની પ્રતિક્રિયા આવી નથી. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની સામે પડયા છે. રાજકીય મેદાનમાં પ્રતિસ્પર્ધા કે કટુતા સ્વાભાવિક છે,
પણ એ અમુક સ્તર સુધી જ હોવી જોઇએ. દેશનાં સન્માન, રાષ્ટ્રનીતિની વાત આવે ત્યારે સૌએ સંયમ રાખવો રહ્યો. દેશમાં અને વિદેશમાં આવાં
બયાનોથી દેશની છબીને નુકસાન થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ
ગાંધીએ રાફેલ વિમાન સોદાનું પ્રકરણ ચગાવ્યું હતું અને કહ્યું હતું કે, ખુદ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખે તેમને જણાવ્યું હતું કે, બન્ને દેશમાં આવી કોઈ સમજૂતી નથી, જે રાફેલ વિમાનની કિંમત
ગુપ્ત રાખી શકે. રાહુલ ગાંધીના આ જુઠાણાંનું ખંડન ફ્રાન્સની સરકારે કરવું પડયું હતું.
આવી જ રીતે ડોકલામ વિવાદ સમયે વિદેશ મંત્રાલયના વિભાગને જાણ કર્યા વિના ચીની દૂતાવાસ
જઈને તેના રાજદૂતને મળ્યા હતા. આ વાત જાહેર થઈ તો કોંગ્રેસે પહેલાં તેનું ખંડન કર્યું
હતું, પરંતુ પાછળથી એવી વિચિત્ર સ્પષ્ટતા કરી હતી કે તેઓ વિવાદનું
કારણ સમજવા ચીનના રાજદૂતને મળ્યા હતા! જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવાયા પછી મોદી સરકારના નિર્ણયની
ટીકા કરવા માટે પાકિસ્તાનની દલીલ-આક્ષેપોનો ઉપયોગ કર્યો હતો. રાહુલ ગાંધીએ હજી પણ તેઓ
સીમાવિવાદ પર ચીન દાવાને મહત્ત્વ આપે છે અને ભારત સરકારની માહિતી પર વિશ્વાસ નથી મૂકતા.
તેઓ જે પરિવારમાંથી આવે છે, તેણે દેશને
ત્રણ-ત્રણ વડાપ્રધાન આપ્યા છે. આમ, દેશની પ્રગતિમાં પંડિત નેહરુ,
ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીનુંય યોગદાન છે જ. સવાલ
વિરોધપક્ષના નેતા તરીકેની ભૂમિકાનો છે. રાહુલ રચનાત્મક બની રહે એ તેમનાં હિતમાં છે.
દેશની જનતા બધું જુએ-સમજે છે. દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક ન મળી એ વિશે
રાહુલે આત્મમંથન કરવું રહ્યું.