ભારતીય અર્થતંત્રના કાજે રેપો દરને બાંધી રાખવાની નીતિનો રિઝર્વ
બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ આખરે ત્યાગ કર્યો છે. પાંચ વર્ષના લાંબા અંતરાય બાદ આરબીઆઈએ
રેપો દરમાં 2પ પોઈન્ટનો કાપ મૂક્યો છે. વેપાર અને ઉદ્યોગ
જગતની સાથોસાથ સામાન્ય લોનધારકોને વ્યાજના દર અને ધિરાણના હપ્તામાં રાહતની માંગ જોર
પકડી ચૂકી હતી, તેને જોતાં આરબીઆઈનું રેપો
દરમાં કાપનું પગલું ખરા અર્થમાં ભારે મહત્ત્વ ધરાવે છે. પાંચ વર્ષ બાદ રેપો દરમાં કરાયેલા
ઘટાડાની અસરનો ક્યાસ અર્થશાત્રીઓ કરી રહ્યા છે, પણ કેન્દ્રીય
બજેટમાં આવકવેરામાં રાહત બાદ આરબીઆઈ દ્વારા રેપો દરમાં કાપ મુકાતાં સરકારે અર્થતંત્રના
સંદર્ભમાં નીતિવિષયક રીતે મોટા ફેરફાર કરવા શરૂ કર્યાની છાપ ઊભી થઈ રહી છે. ઉલ્લેખનીય
છે કે, આરબીઆઈએ મોંઘવારીને કાબૂમાં લેવા રેપો દરમાં સતત વધારો
કર્યો છે. પાંચ વર્ષ અગાઉ રેપો દરમાં છેલ્લે 40 પોઈન્ટનો મોટો ઘટાડો કરાયો, ત્યારે વ્યાજના દર ઘટીને ચાર ટકા થઈ ગયા હતા,
પણ મોંઘવારી જેમ-જેમ વધતી ગઈ તેમ-તેમ રેપો દરમાં થોડો થોઢો વધારો કરાતો
રહ્યો. પાંચ વખત 2પ-2પ ટકા જેટલો વધારો કરાતાં વ્યાજના દર વધીને
છ ટકાએ પહોંચી જતાં ધિરાણના હપ્તા વધી ગયા હતા. આમ તો લાંબા સમયથી રેપો દરને ઘટાડવાની
માંગ થતી આવતી હતી, પણ આરબીઆઈ
મોંઘવારીને નાથવા માટે રેપો દરને જાળવી રાખવાનાં વલણને વળગી રહી હતી. આરબીઆઈ કોઈ પણ
હિસાબે મોંઘવારીના દરને ચાર ટકાની મર્યાદામાં રાખવા માગતી હતી. આમાં ગણીત એવું હોય
છે કે, રેપો દરને ઊંચો રાખી બજારમાં રોકડની ઉપલબ્ધિ ઓછી રાખીને
માંગમાં ઘટાડો કરવો, જેથી મોંઘવારી કાબૂમાં રહી શકે, પણ બજારમાં રોકડ ઓછી થતાં અને ધિરાણ મોંઘું રહેતાં બજારોમાં સુસ્તી છવાયેલી
રહી હતી. હવે રેપો દરમાં ઘટાડાથી બજારમાં માંગ વધશે એવી આશા રાખી શકાય, પણ અર્થતંત્રની સુસ્તી કેટલી દૂર થાય છે તેના પર નિષ્ણાતોની નજર રહેશે. હકીકતમાં રેપો દર ઊંચો રહેતાં બેંકોના વ્યવહારો
પર પણ અવળી અસર વર્તાતી હતી, પણ હવે દરમાં 2પ પોઈન્ટના કાપનો લાભ બેંકો તેમના ગ્રાહકોને
કેટલો આપે છે તે પણ જોવાનું રહેશે. ધિરાણ પર વ્યાજના દર ઘટશે તો મકાન કે વાહન માટે
લોન લેનારાની સંખ્યા વધી શકે છે, જે સરવાળે
અર્થતંત્રને ફાયદો કરાવી શકે તેમ છે. નિષ્ણાતો એવો પણ મત ધરાવે છે કે, બજારમાં જે સુસ્તી છે તેનાં અન્ય કારણો પણ છે. વ્યક્તિ દીઠ આવકમાં થયેલા ઘટાડાને
લીધે પણ બજારમાં ઘરાકી પર અસર પડી છે. વળી આવકની સરખામણીએ મોંઘવારી વધી રહી છે,
તેને લીધે મધ્યમવર્ગ ઉપર બોજો વધી રહ્યો છે. આવકવેરાની રાહતોને લીધે
આ વર્ગની આવક વધશે તો ઓછા વ્યાજદરની લોન અને આવકમાં વધારાના બેવડા લાભથી મધ્યમવર્ગ
મકાન કે વાહનની ખરીદી તરફ વળે એવી ગણતરી સાચી ઠરે તો રેપો દરમાં ઘટાડાનો આરબીઆઈનો દાવ
સફળ થાય. આવનારા સમયમાં આ હકારાત્મક આશા ફળીભૂત બનશે કે કેમ એનું ચિત્ર આવકવેરાની રાહત
અમલી બને તે સાથે વધુ સ્પષ્ટ થશે.