• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

હવાઇ યાત્રીઓમાં ભય જગાવતા અકસ્માતો

વિશ્વભરમાં વિમાન અકસ્માતના બનાવોમાં અચાનક વધારો થતાં હવાઇ ઉતારુઓના શ્વાસ અદ્ધર થઇ ગયા છે. હવાઇ યાત્રાની સલામતી સામે ગંભીર પ્રશ્નાર્થ ખડા કરતા આ બનાવોને લીધે આજે અનિવાર્ય બની ચૂકેલી આ સેવાને ફરી વિશ્વસનીય બનાવવાનો પડકાર ઊભો થયો છે. વિદાય લેતાં વર્ષના અંતિમ સપ્તાહ દરમ્યાન કઝાકિસ્તાનમાં આઝરબૈજાનના વિમાનની દુર્ઘટનામાં 38 લોકોના મોત થયાના ચોથા દિવસે દક્ષિણ કોરિયામાં થયેલા અકસ્માતમાં 179 લોકોના જીવ ગયાના બનાવોની સાથોસાથ કેનેડા, નેપાળ અને ઓસ્લોમાં બનેલા બનાવોએ હવાઇ યાત્રાનાં જોખમો દુનિયા સમક્ષ છતાં કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, કઝાકિસ્તાન અને દક્ષિણ કોરિયાના બનાવો ઉપરાંત ઓસ્લોમાં ડચ વિમાન રનવે પરથી લપસી ગયું હતું, તો નેપાળમાં એક હેલિકોપ્ટરની સાથે પક્ષી અથડાતાં તેને તાકીદનું ઉતરાણ કરવાની ફરજ પડી હતી. રવિવારે દક્ષિણ કોરિયાના મુઆનમાં જેજૂ એરનું વિમાન ઉતરાણ કરી રહ્યંy હતું, ત્યારે પક્ષી તેનાથી ટકરાયું હતું, જેને લીધે તેના લેન્ડિંગ ગિયરમાં ખામી ઊભી થઇ હતી અને તેમાં આગ લાગી ગઇ હતી. આ બનાવમાં 179 લોકોનાં મોત થયાં હતાં. જો કે, પૂરતી તપાસ બાદ આ અકસ્માતના સાચાં કારણની જાણ થઇ શકશે, પણ આઝરબૈજાનમાં થયેલી દુર્ઘટના વધુ ચોંકાવનારી અને ચિંતાજનક છે. 38 લોકોનો ભોગ લેનાર આ બનાવ અંગે વિરોધાભાસી તારણો સામે આવી રહ્યાં છે. પ્રથમ તો તેમાં ટેકનિકલ ખામી હોવાની વાત આવી હતી, તે પછી તેના પર હવામાં ફાયરિંગ થયાનું પણ સામે આવ્યું હતું. તૂટી પડેલાં વિમાન પર ગોળીબારના નિશાન જોવામાં આવ્યાં હતાં. આ ગમખ્વાર બનાવ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને માફી માગીને એમ કહ્યંy છે કે, આ વિમાન ઉતરાણ કરી રહ્યંy હતું, તે વેળાએ યુક્રેનના ડ્રોન હુમલાની સામે રશિયાની હવાઇ સલામતી વ્યવસ્થા સક્રિય હતી. જો કે, તેમણે રશિયાના ગોળીબારમાં વિમાન નિશાન બન્યું હોવાનો કોઇ ફોડ પાડયો નથી, પણ તેમના માફીનામાંથી બનાવનું રહસ્ય ભારે ચોંકાવનારા સ્વરૂપમાં છતું થયું છે. સ્વાભાવિક રીતે આવા જીવલેણ બનાવોથી હવાઇ યાત્રીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. આધુનિક સમયમાં પ્રવાસ માટે હવાઇ સફર અનિવાર્ય બનતી જાય છે. સમયની સાથે વિમાની ઉડ્ડયનની સલામતીને મજબૂત કરવા પર સતત ધ્યાન અપાતું રહ્યંy છે. આમ તો વિમાની અકસ્માતોનું પ્રમાણ સતત ઘટતું રહ્યંy છે. એક અભ્યાસ મુજબ દર એક કરોડ હવાઇ યાત્રીમાંથી માત્ર એકનું મોત અકસ્માતને લીધે થતું હોય છે, જ્યારે માર્ગ અકસ્માતમાં દર પાંચ હજારે એક યાત્રીનો જીવ જતો હોય છે. આ તો વૈશ્વિક અભ્યાસ છે, પણ વિકસતા દેશોમાં વિમાની સેવાના વધતા જતા વ્યાપની સાથે સલામતીની અનિવાર્યતા પર સતત ધ્યાન આપવાની જરૂરત છે.  હાલના વિમાન અકસ્માતોએ સલામતીના નવા મુદ્દા વિશ્વ સમક્ષ છતા કર્યા છે. સંઘર્ષરત વિસ્તારો, ખરાબ હવામાન અને પક્ષીઓના જોખમને લગતા મુદ્દાથી હવાઇ સલામતીની સામેનાં જોખમો છતાં થતાં વિશ્વની વિમાની સેવાઓ અને વિમાન ઉડ્ડયનની ઉપર નજર રાખતી સંસ્થાઓ સાથે મળીને મનોમંથન કરીને હવાઇ યાત્રાને વધુ સલામત અને ભરોસાપાત્ર બનાવવાના ઉપાય શોધી કાઢે તે જરૂરી બન્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd