વૉશિંગ્ટન, તા. 2 : અમેરિકા માટે નવા વર્ષની શરૂઆત માઠી રહી
છે. નવું વર્ષ 2025 શરૂ થયાના 24 કલાકમાં જ ત્રણ શહેરોમાં હિંસક હુમલાથી અમેરિકામાં
ભયનું વાતાવરણ છે. જો કે ત્રણેય હુમલા વચ્ચે કોઇ કનેક્શન ન હોવાનું બાયડન પ્રશાસને
પ્રાથમિક તારણમાં કહ્યું છે પરંતુ આ તમામ આતંકવાદી હુમલા છે કે એની વચ્ચે કોઇ સમાન
કડી છે કે કેમ એની ઝીણવટભરી તપાસ એફબીઆઇ કરી રહ્યું છે. થર્ટી ફર્સ્ટની રાત્રે ન્યૂ
ઓર્લિયંસ શહેરમાં બેફામ ટ્રકે ત્રણેક ડઝન લોકોને અડફેટે લીધા હતા અને બાદમાં ગોળીબાર
થયો હતો, મૃત્યુઆંક 15 થયો છે. બીજા દિવસે નવા વર્ષની રાત્રે કૅસિનોના શહેર લાસ વેગાસમાં
ટ્રમ્પ હૉટેલની સામે ટેસ્લા કારમાં વિસ્ફોટ થયો જેમાં ડ્રાઇવરનું મૃત્યુ થયું અને
10 લોકોને ઇજા પહોંચી હતી. ગઇ રાત્રે અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂ યોર્કના ક્વિન્સ
એરિયામાં અમેજુરા નાઇટ ક્લબમાં ન્યૂ યર પાર્ટી ચાલતી હતી ત્યારે મધરાતે અચાનક અંધાધૂંધ
ગોળીબારમાં 11 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. હવે પોલીસ આ વિસ્તારના સીસીટીવી કેમેરા
ફૂટેજ ફેંદી રહી છે અને ઘરે ઘરની તલાશી લઇ રહી છે. કેમ કે ગોળીબાર કરનારાઓની કોઇ ભાળ
નથી મળી.તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોળીબારમાં ઇજાગ્રસ્ત 11 વ્યક્તિને
નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ઘટનાની જાણ થતાં જ પોલીસ ક્લબે પહોંચી હતી અને
સમગ્ર વિસ્તારને કોર્ટન કરી લીધો હતો. સીસીટીવી કેમેરા ફૂટેજ પરથી ગોળીબારમાં બે જણ
સામેલ હોવાનું સામે આવતા અને આ બંને ફરાર થઇ ગયાનું જણાતા તપાસને નવા રસ્તે વાળવામાં
આવી હતી. થર્ટી ફર્સ્ટની રાત્રે ન્યૂ ઓર્લિયંસની બૉર્બન સ્ટ્રીટમાં બેફામપણે ટ્રક નીચે
11 વ્યક્તિ કચડાઇ હતી, ઇજાગ્રસ્તોમાંથી ચાર વ્યક્તિના મૃત્યુ થતાં હવે મૃત્યુઆંક
15 સુધી પહોંચ્યો છે. અમેરિકાના પ્રમુખ જૉ બાયડને આ ઘટના બાદ પત્રકાર પરિષદમાં કહ્યું
હતું કે આ હુમલો કટ્ટરવાદી સંગઠન આઇએસથી પ્રભાવિત જણાઇ રહ્યો છે. એફબીઆઇના જણાવ્યા
પ્રમાણે ટ્રકમાંથી આઇએસનો ઝંડો મળ્યો હતો અને ટ્રક નીચે લોકોને કચડયા બાદ ગોળીબાર પણ
થયો હતો. ટ્રક ડ્રાઇવરની ઓળખ 42 વર્ષિય શમ્સુદીન જબ્બાર તરીકે થઇ હતી જે ઘટનાસ્થળે
જ પોલીસની ગોળીઓનો શિકાર બન્યો હતો.બાયડને પત્રકારોને જણાવ્યું હતું કે તપાસ એજન્સીએ
માહિતી આપી હતી કે આરોપીએ હુમલા પહેલા સોશ્યલ મીડિયામાં વિડિયો અપલોડ કરીને સંકેત આપ્યો
હતો કે એ આઇએસથી પ્રભાવિત છે અને એનો ઇરાદો જાહેરસ્થળે લોકોની હત્યા કરવાનો છે. આ ઘટનાના
બીજા દિવસે જ લાસ વેગાસમાં ટ્રમ્પ હૉટેલની બહાર ઉભેલી ટેસ્લા સાઇબરટ્રકમાં ભેદી વિસ્ફોટ
થયો જેમાં ડ્રાઇવરનું મૃત્યુ થયું અને આસપાસના દસ જેટલા લોકોને ઇજા પહોંચી હતી. લાસ
વેગાસ અમેરિકાનું કૅસિનો માટે જાણીતું શહેર છે અને ત્યાં વિદેશી સહેલાણીઓની ભીડ હંમેશા
રહે છે. આ હૉટેલ અમેરિકાની નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજેતા બનેલા પ્રમુખ ડૉનાલ્ડ
ટ્રમ્પની છે અને કાર ટ્રમ્પના સમર્થક દુનિયાના ટોચના બિઝનેસમેન ઍલન મસ્કની કંપની ટેસ્લાની
છે. મસ્કે કહ્યું હતું કે ટેસ્લા સાઇબર ટ્રક-કારમાં વિસ્ફોટ અને એ પહેલા ન્યૂ ઓર્લિયંસમાં
ટ્રકની ઘટના વચ્ચે કોઇ સંબંધ નથી એ હાલના તબક્કે કહેવું વહેલુ ગણાશે. ટ્રમ્પ 21મી જાન્યુઆરીના
બીજી વાર અમેરિકાના પ્રમુખ પદનો કારભાર સંભાળવાના છે ત્યારે એમની હૉટેલના દરવાજે એમના
સમર્થક મસ્કની કંપનીની કાર-ટ્રકમાં વિસ્ફોટ માત્ર સંયોગ છે કે કેમ એની તપાસ એફબીઆઇ
કરી રહી છે.