ભુજ, તા. 2 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન યોજિત આંતર જિલ્લા
અન્ડર-14 ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટની રાજકોટના નિરંજન સ્ટેડિયમ-બી ખાતે શરૂ થયેલી
સેમિફાઈનલ મેચના પ્રથમ દિવસે કચ્છ ક્રિકેટ એસોશિયન-ભુજની ટીમ સામે રાજકોટ રૂરલ ટીમ-એ
ટોસ જીતીને બેટિંગ પસંદ કરતાં 54 ઓવરમાં માત્ર 106 રનમાં ઓલઆઉટ થઈ હતી. લક્ષ્યને હાંસિલ કરવા મેદાને ઊતરેલી કેસીએની કીર્તન
કોટક અને આયુષ ખોજાની જોડીએ સારી શરૂઆત કરી પ્રથમ વિકેટ માટે 78 રન જોડયા હતા. જો કે,
આયુષ પણ 33 રનનું યોગદાન આપી આઉટ થયો હતો. ત્યારબાદ વીર ગોરે કીર્તનની સાથે ભાગીદારી
કરીને 40 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસના અંતે કીર્તન (66) અને વીર (15) રન બનાવી નોટઆઉટ
રહ્યા હતા. કેસીએ-ભુજની ટીમે 42 ઓવરમાં 1 વિકેટના ભોગે 118 બનાવતાં રાજકોટ રૂરલ પર
12 રનની લીડ મળી હતી. શુક્રવારે 9 વિકેટ ધરાવતી કેસીએ પાસે બાકીની 48 ઓવરની મદદથી વધુ
લીડ લેવાનો મોકો રહેશે.આ પહેલાં રાજકોટ રૂરલ વતી પરમ વસોયાના 26 રનની મદદથી ટીમ માત્ર
106 રન કરી શકી હતી. કેસીએ-ભુજ તરફથી શ્રેય બાપટે 3, હર્ષિલ ભુડિયા અને સુનીલ પીંડોરિયાએ
2-2 વિકેટ ખેરવી હતી. તેમજ વીર ગોર, મોહિત દાવડા અને વેદ જોશીએ 1-1 વિકેટ લીધી હતી.
કોચ યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કેસીએના ખેલાડીઓએ બોલિંગ આક્રમણ જારી રાખતાં
રાજકોટ રૂરલ ઓલઆઉટ થઈ હતી. સેમિફાઈનલમાં સારા દેખાવ બદલ કેસીએ પ્રમુખ બહાદુરસિંહ જાડેજા,
ઉપપ્રમુખ ભરતભાઈ ધોળકિયા, મંત્રી અતુલભાઈ મહેતા, સહમંત્રી પ્રવીણભાઈ હીરાણી તેમજ સિલેક્ટર
અશોકભાઈ મહેતા, ગિરીશભાઈ ઝવેરી, મહીપતસિંહ રાઠોડ, નવલસિંહ જાડેજા, મહેશ પંડયાએ ટીમને
અભિનંદન પાઠવ્યા હતા. ટીમ સાથે મેનેજર અમિત રાઠોડ
રહ્યા હતા.