અમદાવાદ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : વર્ષ 2024 દરમિયાન
સ્ટેટ મોનિટારિંગ સેલ દ્વારા સખત દારૂબંધીવાળા ગુજરાત રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર
કેસ નોંધાયા છે. 2024માં કુલ્લ 22 કરોડનો દારૂ પકડાયો હતો. ચોંકાવનારી વાત તો એ છે
કે સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાંથી સૌથી વધુ 1.47 કરોડ રૂપિયાનો રાજ્યનો સૌથી
વધુ દારૂ જપ્ત કરાયો હતો. અમદાવાદ શહેરમાં 61 લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં 90 લાખનો
વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. સુરત રેંજમાં સૌથી વધારે 3.92 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત
કરાયો હતો. આ સાથે વર્ષ દરમિયાન 22.52 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ સમગ્ર રાજ્યમાંથી
જપ્ત કરીને કાર્યવાહી કરાઈ હતી. સ્ટેટ મોનિટારિંગ
સેલ ડીજીપી ઓફિસના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી હોવાથી રાજ્યમાં આવેલા તમામ સ્થાનિક
પોલીસ સ્ટેશનોના અધિકારીઓને એસએમસીના દરોડાથી સસ્પેન્ડ થવાનો ડર સતત રહેતો હોય છે.
વર્ષ 2024માં સ્ટેટ મોનિટારિંગ સેલ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓ, શહેરોમાં કરવામાં
આવેલી પ્રોહિબીશનની કામગીરીના ચોંકાવનારા આકડા સામે આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાં
વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2024 દરમિયાન એસએમસીએ 455 કેસ પૈકી 347 જેટલા ક્વોલીટી
કેસ નોંધીને 22.52 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી
દારૂ સહિત કુલ 52 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિવિધ રેંજ પૈકી સુરત રેંજમાં
સૌથી વધારે 3.92 કરોડ રૂપિયાનો દારૂ, અમદાવાદ રેંજમાં 1.45 કરોડ રૂપિયાનો દારૂ, ગાંધીનગર
રેંજમાં 2.88 કરોડ રૂપિયાનો દારૂ, વડોદરા રેંજમાં 2.46 કરોડ રૂપિયાનો દારૂ, ગોંધરા
રેંજમાં 1.93 કરોડ રૂપિયાનો દારૂ, રાજકોટ રેંજમાં 3.64 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ,
બોર્ડર રેંજમાં 2.5 કરોડ રૂપિયાનો અને ભાવનગર રેંજમાં 1.35 કરોડ રૂપિયાનો દારૂ દરોડાની
કામગીરી દરમિયાન જપ્ત કરાયો હતો. સૌથી ઓછો રૂપિયા 12.59 લાખનો દારૂ જૂનાગઢ રેંજ અને
રેલવે પોલીસની હદમાંથી 6.71 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરીને કાર્યવાહી કરાઈ હતી.