• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

મનુ, ગુકેશ, હરમન, પ્રવીણને ખેલરત્ન

નવી દિલ્હી, તા. 2 : નિશાનેબાજ મનુ ભાકર, શતરંજ વિશ્વ વિજેતા ડી. ગુકેશ, હોકી કપ્તાન હરમનપ્રિત સિંઘ અને પેરા એથ્લેટ પ્રવીણકુમાર દેશના સર્વોચ્ચ રમત-ગમત પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ-2024 માટે પસંદ થયા છે જ્યારે 13 પેરા સહિત 32 ખેલાડી અર્જુન એવોર્ડ માટે પસંદ થયા છે. ખેલ મંત્રાલયની વિજ્ઞપ્તિમાં જણાવાયું છે કે વિજેતા ખેલાડીઓને 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં એક વિશેષ કાર્યક્રમમાં પુરસ્કાર એનાયત થશે. વિવિધ રમતના પાંચ કોચને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરાશે. દેશની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટમાંથી એક પણ ખેલાડી અર્જુન એવોર્ડ માટે પસંદ થયો નથી. નિશાનેબાજ મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારી સ્વતંત્ર ભારતની પહેલી ખેલાડી છે. તેણીએ ઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર પિસ્તોલ વ્યક્તિગત અને મિક્સ્ડ ડબલ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. હરમનપ્રિત સિંઘની આગેવાનમાં પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ ઉપરાંત હરમન વિશ્વનો સર્વશ્રેષ્ઠ હોકી ખેલાડી પણ બન્યો હતો. ડી. ગુકેશે 18 વર્ષની વયે ફીડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી ઇતિહાસ રચ્યો હતો અને તેની આગેવાનીમાં ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. પેરા હાઇ જમ્પર પ્રવીણકુમારએ ટી-64 વર્ગમાં પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd