કચ્છની આર્થિક રાજધાની લેખાતાં ગાંધીધામને બહુઅપેક્ષિત મહાનગરપાલિકાની
ભેટ સાથે સરહદી કચ્છ જિલ્લામાં પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના આડેના અવરોધો
હટી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવાં વર્ષ 2025ના પહેલા જ દિવસે એકસાથે ગુજરાતમાં
નવ મહાનગરપાલિકાની સ્થાપનાને મંજૂરી આપી દીધી. વિદાય લઇ ગયેલાં વર્ષના પ્રારંભે ગુજરાતના
બજેટમાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનું એલાન થયું હતું. એ પછી મહાપાલિકાની
રચનાનું માળખું તૈયાર કરવામાં આવ્યું. બુધવારે કેબિનેટની બેઠકમાં નિર્ણય થયો એ પછી
તુરંત જ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. આ
ગતિશીલતા અને નિર્ણયનો અમલ કરવાની ચીવટ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને તેમની
સરકાર અભિનંદનને પાત્ર?છે. સંવેદનશીલ અને દૃઢ નિશ્ચયતાની છાપ ધરાવતા શ્રી પટેલે કચ્છ
માટે વધુ એક હકારાત્મક નિર્ણય લીધો છે, ત્યારે તેમની પાસે કચ્છના પાટનગર ભુજ શહેર અને
આસપાસના વિસ્તારને સમાવતી મહાનગરપાલિકાની રચનાનો પણ ત્વરિત નિર્ણય લેવાય એવી અપેક્ષા
અસ્થાને નથી. ગાંધીધામ ઉપરાંત ભુજને મહાનગરપાલિકા આપવાની માગણી સમયાંતરે ઊઠતી રહી હતી.
ગાંધીધામના પ્રયાસો ફળ્યા એ માટે ત્યાંની ચેમ્બર સહિતની વેપારી સંસ્થાઓની રજૂઆત, સાંસદ
તથા ધારાસભ્યની જાગૃતિને શ્રેય જાય છે. એક મજબૂત કારણ એ પણ છે કે, ગાંધીધામ પોર્ટ સિટી
છે. કંડલા મહાબંદરને લાગીને આવેલું ગાંધીધામ વેપાર-ઉદ્યોગ, શાપિંગ-ટિમ્બર, નમક, પરિવહન
ઉદ્યોગનું હબ છે. ધરતીકંપ પછી ભુજનો પથારો પાંચ કિલોમીટરથી ચાર-પાંચગણો વિસ્તર્યે છે.
માધાપર-મિરજાપરને સાંકળીને મહાનગરપાલિકા બનાવવાની વાતો ભૂતકાળમાં ચર્ચાઈ ચૂકી છે, પરંતુ
ગાંધીધામ જેવું દબાણ ભુજ કરી શક્યું નથી. ગાંધીધામના વિકાસ અને સ્થાપનાનો ઇતિહાસ અનોખો
છે. 1947માં વિભાજન થયું એ વખતે પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિજરત કરીને આવેલા સિંધીઓનું
પુનર્વસન કરવા માટે ગાંધીધામ-આદિપુર ટ્વિન ટાઉનશિપની સ્થાપના કરવામાં આવી. ગુજરાતનું
આ એકમાત્ર નગર છે જેની જમીનની માલિકી કંડલા પોર્ટ હસ્તક છે. એસ.આર.સી., ડીપીટી અને
નગરપાલિકા વચ્ચે જમીન-મિલકતોને લઈને અહીંનો નાગરિક અટવાતો રહ્યો છે. લીઝના ફાયદા અને
સિટીસર્વેમાં જમીનો ન ચડી હોવાની બાબતો `મહાપાલિકા'ના અમલ સાથે સરળતાથી ઉકેલાઈ જાય એવી આશા રાખીએ.આ જાહેરાત
ગાંધીધામ માટે ભારે મહત્ત્વ ધરાવે છે. અહીં એ નોંધનીય છે કે, ભાઇપ્રતાપે ગાંધીધામની
સ્થાપના કરી, તેને મહાત્મા ગાંધીજીના આશીર્વાદ મળ્યા હતા. ભારત-પાક વિભાજન દરમ્યાન
હિજરત કરી આવેલા સિંધી ભાઇઓને વસાવવા ગાંધીધામ-આદિપુરની સ્થાપના થઇ હતી. વિભાજનની વ્યથામાંથી
સર્જાયેલી નગરીના ઉદ્યમશીલ લોકોએ ભારે ખંતથી પુરુષાર્થ કરીને આર્થિક વિકાસ સાધ્યો.
મહાબંદર કંડલા સાથે ગાંધીધામ સંકુલ અને ત્યાંના નિવાસીઓ પણ વિકસ્યા... પોણી સદી બાદ
તેમના વિકાસના વધુ એક અધ્યાયનો પ્રારંભ થયો છે. કમિશનર અને ડે. કમિશનરની નિયુક્તિ સાથે
વહીવટી-બંધારણીય પ્રક્રિયા વેગીલી બનશે. એ સાથે કેટલાક પ્રશ્નોએ છે, અત્યાર સુધી ગાંધીધામ
રાજ્યનો સૌથી નાનો તાલુકો હતો, ફક્ત સાત ગામ. તેમાંથી ચાર ગામ મહાનગરપાલિકામાં ભળીને
શહેરનો હિસ્સો બનશે, એ પછી રહી ગયેલાં ત્રણ ગામને નજીકના તાલુકામાં ભેળવી દેવાશે કે
બીજા ઉમેરીને તેની નવરચના થશે એ જોવાનું રહેશે. ગાંધીધામ વિસ્તારના જનપ્રતિનિધિઓ, ચેમ્બર
સહિતની સંસ્થાના પ્રતિનિધિઓને રાજ્ય સરકારની પ્રગતિશીલ પહેલ બદલ અભિનંદન.