ભુજ, તા. 2 : શિયાળામાં
શાકભાજીના ભાવ તળિયે રહેતાં હોવાની વાત હવે ભૂતકાળ બનતી જાય છે કારણ કે અત્યારે ઠંડીની
જોરદાર સિઝન ચાલું છે પણ ભુજમાં ભરાતી વાણિયાવાડની શાકભાજી બજારમાં જે વસ્તુ ઉપર હાથ
રાખીએ તેના ભાવ રૂા. 25થી 30 ઉપર કિલો વેચાઈ રહી છે. શિયાળામાં શક્તિવર્ધક ખાનપાનમાં
શાકભાજીનો સમાવેશ થાય છે ત્યારે જરૂરી શાકભાજીમાં ટમેટા, કોબી, ફલાવર, દૂધીની સાથે
કોથમીર, મેથી, પાલક, મૂળા રૂા. 30થી 40ના કિ.ના વેચાય છે. એમાય ગોવાર, ભીંડા વિગેરે
તો રૂા. 80થી 100ના વેચાય છે. શાકભાજીના વેપારી વિશાલ મારાજે જણાવ્યું હતું કે, બહારથી
આવતો માલ જો વધુ પ્રમાણમાં આવી જાય તો બજાર સસ્તી થાય છે. બાકી વસ્તીની દૃષ્ટિએ ભુજમાં
શાકભાજીની ખપત વધવાથી માલના ભાવ ઘટવાની શક્યતાં ઓછી જોવા મળશે. ભુજની આજુબાજુના વાડી
માલિકો બજારની માંગ પ્રમાણે માલ લઈ આવતા હોવાથી તેઓ પણ પોતાના માલની કિંમત પૂરતી મળી
રહે તેવી આશા સાથે કામ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એ.પી.એમ.સી. માર્કેટમાં જ ભરાતી
શાકભાજી અને ફળફળાદિ બજારનો સમય વહેલી સવારે 3 વાગ્યાનો હોવાથી નાના વેપારીઓને ત્યાંથી
વાણિયાવાડ પાસે ભરાતી સવારની બજારમાં માલ લઈ આવવાનો ખર્ચ?વધી જતો હોવાથી ભાવ નીચે ન
આવવાનું એક કારણ પણ છે. બાકી ચોમાસા અને ઉનાળાની ઋતુ કરતાં શિયાળામાં અમુક શાકભાજીના
ભાવ નીચે હોતા હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં મંગલમ ચાર રસ્તે ટીવી કોલોની પાસે
છકડામાં ઊભા રહેલા જુસબભાઈ સહિતના વેપારીઓ પાસે વહેલી સવારે ભારે ભીડ જામે છે. ગામ
કરતાં પ્રમાણમાં મળતી સસ્તી ભાજી લેવા મોર્નિંગ વોકર્સ પણ પરત વળતી વખતે ખરીદી કરી
લેતા હોય છે.