• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

નૂતન વર્ષે વિશ્વશાંતિની આશા ફળીભૂત થજો..

નવાં વર્ષનાં સ્વાગત માટે ઉત્સુક વિશ્વ આજે ઉત્સાહિત થઈ તેનું સ્વાગત કરી રહ્યું છે. વીતેલું વર્ષ સમગ્ર વિશ્વ માટે વિકટ રહ્યું છે. વિવાદ અને વિખવાદનાં પરિણામે વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની આશંકા-ભીતિ હતી. હજી વાદળ વિખરાયાં નથી, પણ વિશ્વના નેતાઓ શાંતિનો સંદેશો આપે અને વિશ્વાસ પણ આપે એવી આશા-અપેક્ષા સાથે નૂતન વર્ષ 2025ને વધાવીએ. સુખ અને સમૃદ્ધિ માટે શાંતિ અનિવાર્ય છે. 2024નાં વર્ષે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઘણા દેશોમાં સરકાર અને શાસકોમાં પરિવર્તન થયાં છે ત્યારે ભારતમાં સતત ત્રીજી વાર દેશવાસીઓએ સુશાસન અને રાજકીય સ્થિરતાનો સંદેશ આપ્યો છે. એટલું જ નહીં, સમયાંતરે વિશ્વના વિભિન્ન રાજકીય અને વ્યવસાયિક દિગ્ગજોએ જે રીતે ભારતની ગૌરવગાથાની નોંધ લીધી છે, તેનાથી પણ વૈશ્વિક ક્ષિતિજ પર બ્રાન્ડ મોદીની છાપ પડી છે. રાજકીય દૃષ્ટિએ જોઈએ તો 2024નું વર્ષ ખૂબ મહત્ત્વનું રહ્યું. મોદી સરકાર જ્યારે ત્રીજી વખત સામાન્ય ચૂંટણીજંગમાં ઊતરી ત્યારે ભારત ઉપર વિશ્વભરનું લક્ષ્ય હતું. વિપક્ષે સત્તાવિરોધી લહેર પરાકાષ્ઠાએ હોવાનું ચિત્ર દાખવવાના ભરચક પ્રયાસો કર્યા, પણ તે બેઅસર રહ્યા અને મોદીએ વડાપ્રધાન તરીકે ત્રીજી વેળા શપથ લીધા. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા અને પોલેન્ડ સહિત અનેક દેશોમાં સત્તા પરિવર્તન થયું. હાલનાં વર્ષોમાં ઓસ્ટ્રેલિયા, ઈટલી, પાકિસ્તાન, ઈઝરાયલ, બ્રાઝિલ, આર્જેન્ટિના અને જાપાન જેવા દેશોમાં પણ રાજકીય અસ્થિરતા જોવા મળે છે. નરેન્દ્ર મોદીએ અનેક પહેલ શરૂ કરી છે, જે હંમેશાં યાદ રહેશે, જેમાં નેશનલ ક્રિએટર્સ એવોર્ડ, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર યુનાઈટેડ નેશન્સની પ્રથમ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ, ભારતમાં પહેલીવાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠક, ઓલ ઇન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદની પહેલી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ, આઈસીએ ગ્લોબલ કો-ઓપરેટિવ કોન્ફરન્સ અને પ્રથમ એશિયન બુદ્ધિસ્ટ સમિટનું આયોજન, ભારતનો પહેલો એક્સ-રે પોલરીમીટર સેટેલાઈટ, ખાનગી ક્ષેત્રનો પ્રથમ મિલિટરી એરક્રાફ્ટ પ્લાન્ટ, પહેલી મિલિટરી સ્પેસ એક્સ-રે લાઈન `અંતરિક્ષ અભ્યાસ', લાંબી રેન્જની પહેલી હાઈપર સોનિક મિસાઈલ, જમ્મુ-કાશ્મીર સુધી પહેલી ઈલેક્ટ્રિક ટ્રેન, રેલવેનો પહેલો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ, મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત પહેલી ડ્રાઇવરરહિત મેટ્રો, પહેલી વંદે મેટ્રો, પ્રથમ મલ્ટિપર્પઝ વેસલ `સમર્થક' જેવી સિદ્ધિઓ પણ 2024નાં કેલેન્ડરમાં નોંધાઈ છે. લોકસભાની ચૂંટણીથી લઈ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં રાજકારણમાં એક નવા ઇતિહાસની નોંધ થઈ છે અને ઘણાનાં ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભાં કર્યાં છે. રાજકારણમાં રાજકીય પડકારો ઊભા કર્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર માટે વિજય માટે કપરાં ચઢાણ જણાતાં હતાં, પણ મતદારોએ વિધાનસભામાં ભાજપના ઝંડા હેઠળ મહાયુતિના હાથમાં સફળતાની વિક્રમી પતાકા આપી. અનેકોને મહાયુતિનો આ વિજય ન પચ્યો, કેટલાકને તો અશક્ય જણાયો અને ઘણાંનાં રાજકીય ભવિષ્ય પર જ પ્રશ્નચિહ્ન ઊભાં કર્યાં. એટલે જ મહારાષ્ટ્રની સત્તાનાં સ્વપ્ન જોનારા નેતાઓને જોરદાર આંચકા આપી નવું ગણિત માંડવા લાચાર કરનારું ઠર્યું છે. 2025માં તેના પ્રત્યાઘાત પડશે. કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 રદ થયા પછી પ્રથમ ચૂંટણીમાં ભાજપને સત્તા મળવાની અપેક્ષા હતી, પણ એવું બન્યું નહીં. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને અપેક્ષિત સત્તાએ હાથતાળી આપી, તો હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભલભલા પંડિતો અને જ્યોતિષીઓની આગાહી ખોટી પાડીને જનતાએ ભાજપના હાથમાં સત્તા સુપરત કરી છે. દિલ્હીના માજી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમયે આપેલો મોટો આંચકો વીતેલાં વર્ષમાં સૌથી મોટી ઘટના હતી. અનૈતિક રાજકારણના ઠપકા સાથે કેજરીવાલનો તિહારમાંનો જેલવાસ, ત્યાંથી બહાર આવી તેમણે મુખ્ય પ્રધાન પદનું આપેલું રાજીનામું અને નવા જનાધાર માટે તેમણે શરૂ કરેલાં રાજકારણથી દિલ્હીનાં રાજકારણ સમક્ષ અનેક નવા પ્રશ્ન ઊભા થયા છે. ઝારખંડે પણ આવા જ સમયની પરીક્ષા જોઈ હતી. ઝારખંડમાં માજી મુખ્ય પ્રધાન હેમંત સોરેન માટે કહેવાતા ભ્રષ્ટાચારના આરોપોને લઈ જેલમાં જવાનો વખત-સમય આવ્યો હતો, પણ ત્યાં ચૂંટણી થઈ અને ફરી સત્તા સંપાદન કરીને સોરેને મુખ્ય પ્રધાન પદ મેળવ્યું. 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠી મતદાર ક્ષેત્રથી રાહુલ ગાંધીને પરાજય સહેવો પડયો હતો. તે પછી પાંચ વર્ષ રાહુલ ગાંધીની પૂરેપૂરી કસોટી થઈ અને વીતેલાં વર્ષમાં ફરી આ જ મતદાર ક્ષેત્રથી રાહુલ ગાંધીની લોકસભામાં એન્ટ્રી થઈ. આ વિજયને લઈ રાહુલ ગાંધીનું કોંગ્રેસ પરનું વર્ચસ્વ ફરી સ્થાપિત થવાની આશા જાગી છે. હવે લોકસભામાં તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી વડરાએ પણ પદાર્પણ કર્યું છે. શક્તિશાળી વિપક્ષની હરોળ હોવા છતાં હજુ રાહુલ ગાંધીની વિપક્ષી નેતાપદ પરની કારકિર્દી અંગે ચુકાદો આપવાની જવાબદારી નવાં વર્ષને સોંપી 2024એ વિદાય લીધી છે. રાજકારણ સાથે, સમાજકારણ પર પ્રભાવ પાડતી અનેક રાજકીય ઘટનાક્રમોની વીતેલાં વર્ષે નોંધ લીધી છે. મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓએ વિશ્વમાં રસ જગાવ્યો છે. દેશનું અર્થતંત્ર, સામાજિક કલ્યાણ યોજના અને પાયાભૂત સુવિધાઓનો વિકાસ એવી ઐતિહાસિક પ્રગતિની નોંધ નવાં વર્ષે લેવી રહી. ઇન્ડિયન પિનલ કોડનું માળખું બદલીને કાયદાને માનવતા સ્પર્શ આપતી ન્યાયસંહિતા અસ્તિત્વમાં લાવનારી ઐતિહાસિક ક્ષણ વીતેલાં વર્ષે અનુભવી છે. સૌરઊર્જા દ્વારા ઘેરઘેર પ્રકાશનું અજવાળું કરનારી સૂર્યઘર યોજના એ વીતેલાં વર્ષે ભારતને આપેલી અનોખી ભેટ ઠરનારી છે. દરેકને માથાં પર છાપરું આપવાની મહત્ત્વાકાંક્ષી યોજનાનો શિલાન્યાસ પણ વીતેલાં વર્ષમાં થયો છે. હવે આમ આદમીની નજર નવાં વર્ષ પર સ્થિર થઈ છે. ભારત યુવાઓનો દેશ છે. થનગનતું યૌવન ભારતને આર્થિક મહાસત્તા બનતું જોવા માગે છે. પ્રશ્નો ને પીડારહિત ભારતનું નિર્માણ કરવાનું છે. પડકાર મોટો છે, પણ ધ્યેયથી ચલિત નથી થવાનું... સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ભાવિ ભારત એટલું મહાન અને ભવ્ય બનશે કે, તેના ભૂતકાળની ભવ્યતા ઝાંખી પડી જશે. ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે આજે નવાં વર્ષનો પ્રથમ દિવસ ઊગી રહ્યો છે. નવાં વર્ષની સૌને શુભેચ્છા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd