• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

ખોયેલું જલ્દી પાછું મેળવશું : શાહનો ગર્ભિત ઈશારો

નવી દિલ્હી, તા. 2: દેશના ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)નું સીધું નામ લીધા વગર સ્પષ્ટ સંકેત સાથે કહ્યું હતું કે, આપણે જે ખોયું છે, તે જલ્દી પાછું મેળવી લઈશું. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરનું નામ કશ્યપનાં નામ પર હોવું જોઈએ. શાસકોને ખુશ કરવા લખાયેલા ઈતિહાસને મુક્ત કરવાનો સમય આવી ગયો છે. શાહે ઈશારામાં જણાવી દીધું હતું કે, પાક કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) જલ્દી ભારતનો ભાગ હશે. મોદી સરકારે કલમ 370 હટાવી છે એ જ રીતે આ લક્ષ્ય પણ સિદ્ધ થશે. ભારતને સમજવા માટે દેશને જોડનારાં તત્ત્વોને સમજવાં પડશે. જે કલા, વાણિજ્ય, સંસ્કૃતિ કાશ્મીરમાં હતાં, તે જ આખાં ભારતમાં ફેલાયાં. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ પહેલાં પણ હતું, આજે પણ છે અને હંમેશાં રહેશે, તેવું તેમણે ઉમેર્યું હતું. ગૃહમંત્રીએ કહ્યું કે, ઘણીવાર કલમ 370 અને આતંકવાદનો શું સંબંધ તેવું લોકો મને પૂછે છે તેમને કદાચ ખબર નથી કે, આ કલમે જ ખીણના યુવાનોમાં ભાગલાવાદનાં બીજ રોપવાનો પ્રયાસ કર્યો. એક દલીલ એવી છે કે, કાશ્મીર પાકિસ્તાન સાથે અડીને હોવાથી ત્યાં આતંકવાદ છે, તો એમ તો ગુજરાત, રાજસ્થાન, પંજાબ પણ પાકને અડીને છે, તો માત્ર કાશ્મીરમાં જ કેમ આતંકવાદની ઘટનાઓ વધુ થતી, તેવું તેમણે કહ્યું હતું. મને વિશ્વાસ છે કે, જે કંઈ પણ ભારતે ખોયું છે, તે જલ્દી પાછું મેળવી લઈશું, તેવું શાહે પીઓકેનું નામ લીધા વિના કહ્યું હતું. અમીત શાહના આ નિવેદનોને પગલે એવી અટકળો ફેલાઈ છે કે સરકાર હવે કાશ્મીરનું નામ બદલીને કશ્યપ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ભાજપના અમુક નેતાઓ પાક કબજા હેઠળના કાશ્મીરને ભારતમાં સમાવિષ્ટ કરવા માટેના નિવેદનો કરી ચૂક્યા છે. હવે ગૃહમંત્રીએ પણ આ પ્રકારનું બયાન આપ્યું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd