• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

બાળવિવાહમુક્ત ભારત

મહિલા અને બાળવિકાસ પ્રધાન અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું છે કે વીતેલા વર્ષમાં બે લાખ જેટલા બાળવિવાહ થતાં રોકવામાં સફળતા મળી છે. તેમણે બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 2029 સુધી બાળવિવાહનો દર પાંચ ટકાથી નીચે લાવવાનો આગ્રહ કર્યો છે તથા સરકાર બાળવિવાહ મુક્ત ભારત બનાવવા માગે છે, એ વાત ફરી દોહરાવી છે. બાળવિવાહ વિરોધી કાયદાઓ હોવા છતાં જો આ દૂષણ અટકતું નથી તો એનો અર્થ એ કે, લોકોમાં હજી પણ કાયદાનો ભય અને સમજદારી આવી નથી. જોકે, સરકાર આ દિશામાં જે કાર્ય કરી રહી છે એની પ્રશંસા થવી ઘટે. `બેટી બચાઓ-બેટી પઢાઓ' સૂત્ર અને આ માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ રહ્યા છે. પણ અફસોસની વાત છે કે આજે પણ દેશમાં દરેક પાંચમાંથી એક દીકરીનાં લગ્ન 18 વર્ષથી ઓછી ઉંમરે થાય છે. બાળવિવાહની મોટી સંખ્યા છે. જેની ચિંતા કરી કેન્દ્ર સરકારે આવશ્યક સામાજિક સુધારાની દિશામાં આવકારદાયક પગલું ભર્યું છે. બાળવિવાહની સર્વાધિક સંખ્યા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા, આસામ અને આંધ્ર પ્રદેશમાં છે. દેશમાં 300 એવા જિલ્લા છે, જ્યાં બાળવિવાહનો દર રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે. લોકો બેટીઓનું જીવન બચાવવાની સાથે તેમને પ્રાથમિક શિક્ષણ આપી રહ્યા છે, પણ તેમને વધુ ભણાવવા અને આગળ વધારવા પર ધ્યાન નથી આપતા. પુત્રીઓનાં ઓછી ઉંમરમાં લગ્ન થઈ જાય છે. તો શ્રમબળના રૂપમાં ન કેવળ તેઓની ઉત્પાદક્તા, પરંતુ દેશની ક્ષમતા પર પણ અસર પડે છે. ભણેલી, ગણેલી છોકરીનાં જો સમયસર જ લગ્ન થઈ જાય, તો તે પરિવાર અને સમાજ માટે ઉન્નતિનો માર્ગ ખુલ્લો કરે છે. ઓછી ઉંમરમાં લગ્નથી સંતાનોની સંખ્યા અને સ્વાસ્થ્ય તથા પરિવારની આર્થિક-સામાજિક અને મનોવૈજ્ઞાનિક ક્ષમતા પર પણ અસર પડે છે. બાળવિવાહ માનવાધિકારોનું ઉલ્લંઘન એ કાયદાની દૃષ્ટિએ ગુનો છે. બાળવિવાહ રોકવા માટે કાયદા પર નિર્ભર ન રહેતાં નક્કર પગલાં લેવાનાં રહેશે. સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ મુજબ બાળવિવાહ દરમાં સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક્ ઘટાડો દક્ષિણ એશિયન દેશોમાં જોવામાં આવ્યો છે, જેમાં ભારતે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. નવા અભિયાન અંતર્ગત બાળવિવાહ રોકવા માટે બાળવિવાહ મુક્ત ભારત પોર્ટલની શરૂઆત કરાઈ છે. આ પોર્ટલ પર બાળવિવાહના વિરોધમાં જાગરૂકતા વધારવામાં તથા બાળવિવાહ અંગે ફરિયાદ નોંધાવી શકાય છે. બેશક, જો આ પોર્ટલને યોગ્ય રીતે ચલાવવામાં આવ્યું, ગામો અને પંચાયતોને સાંકળી લેવામાં આવી, તો આ બાળવિવાહની વિરુદ્ધ કારગર સાબિત થઈ શકે છે. એ નિશ્ચિત છે કે દેશને વિકસિત કરવા માટે મહિલાઓની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ આવશ્યક છે અને મહિલાશક્તિ વધારવા માટે બાળવિવાહને રોકવા જ રહ્યા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd