રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : મહારાષ્ટ્ર
વિધાનસભાની ચૂંટણીમાં પરાજય-પરાભવ થયા પછી હવે જનતાનું ધ્યાન અન્યત્ર વાળવા-ખેંચવા
માટે કોંગ્રેસ અને મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના ઉદ્ધવ ઠાકરે શિવસેના તથા શરદચંદ્ર પવારના
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે વોટિંગ મશીન ઉપર વોટના બદલે દોષનો ટોપલો ઢોળ્યો છે ! કોંગ્રેસ
પ્રમુખ ખડગેએ તો દેશભરનાં વોટિંગ મશીનો મોદી અને અમિત શાહના ઘરે રાખવાની અથવા અમદાવાદનાં
ગોદામોમાં ખડકવાની માગણી કરી છે ! આમાં એમના ગુજરાત દ્વેષ ઉપર વધુ પ્રકાશ પડે છે !
વાસ્તવમાં મહારાષ્ટ્રમાં નાક કપાયા પછી આ નેતાઓ સંસદમાં મોદી સરકારને અપશુકન કરાવવા
નીકળ્યા છે. એટલું જ નહીં, દુનિયામાં ભારત સરકાર અને ભારતના લોકતંત્રની બદનામી કરવાના
પ્રયાસ કરી રહ્યા છે. અદાણી ગ્રુપ બાબત અમેરિકાથી આવેલા અહેવાલ હાથમાં આવતાં રાહુલ
ગાંધી `શક્તિમાન'
બની ગયા પણ આવી ભાડૂતી શક્તિ કામચલાઉ હોય છે ! મહારાષ્ટ્રના ધબડકા પછી કોંગ્રેસના ઈન્ડિ
મોરચામાં અને આઘાડીમાં ભંગાણ પડવાના ભણકારા સંભળાઈ રહ્યા છે. શરૂઆત મહારાષ્ટ્રમાં થશે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં કાર્યકરો માગણી કરી રહ્યા છે કે, મુંબઈ અને અન્ય સુધરાઈઓની
ચૂંટણીમાં કોંગ્રેસની જરૂર નથી. આપણે અલગ લડીને જીત મેળવી શકીએ. લોકસભામાં નવ બેઠક
મેળવ્યા પછી વિધાનસભામાં 95 ઉમેદવારમાંથી માત્ર 20 ચૂંટાયા. આમ રાજ્ય માટે કોંગ્રેસનો
સાથ અને વ્યૂહ જવાબદાર છે. સ્થાપક બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વનો ત્યાગ અને કોંગ્રેસનો
સાથ ભારે પડયો છે એવી રજૂઆત થઈ છે. આદિત્ય ઠાકરે અને સંજય રાઉતના આગ્રહ-દબાણથી કોંગ્રેસનો
સાથ લીધો હોવાની ફરિયાદ પણ છે. કોંગ્રેસ હવે પરાજયના દોષનો ટોપલો વોટિંગ મશીન ઉપર ઢોળવા
માગે છે અને રાષ્ટ્ર-મહારાષ્ટ્રના લોકોનું ધ્યાન પરાજય ઉપરથી ખસેડીને મોદી સરકાર ઉપર
કેન્દ્રિત કરવા માગે છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પ્રાઈવેટ એજન્સી પાસે
મતદારોનું મન જાણવા સર્વે કરાવ્યો હતો અને તેના અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું હતું કે,
આઘાડીના ત્રણે પક્ષની સ્થિતિ નબળી છે. લાડકી બહિણ યોજનાની અસર ઘણી છે. કોંગ્રેસે આ
યોજનાની રાહત-રકમ વધારીને 2100 કરવી જોઈએ. કોંગ્રેસના નેતાઓ વિચાર અને ચર્ચા કરતા રહ્યા
ત્યારે શિંદેએ પરિણામ પછી આ રકમ ત્રણ હજાર કરવાની જાહેરાત કરી દીધી. કોંગ્રેસના નેતાઓનો
આત્મવિશ્વાસ એવો હતો કે, તેઓ સરકારમાં કયાં ખાતા-વિભાગો લઈ લેવા તેની ચર્ચામાં મગ્ન
હતા-વાસ્તવિકતાનું ભાન નહીં. હવે વોટિંગ મશીનનાં બહાના કાઢે છે! કોંગ્રેસે-પરાભવ માટે
પોતાની ભૂલોને જવાબદાર ગણીને સુધારવાની-જરૂર છે. મહારાષ્ટ્રમાં આઘાડી-કોંગ્રેસના પરાભવ
પછી ઈન્ડિ મોરચામાં જ `ગરબડ' થઈ રહી છે. તેના અસ્તિત્વ-ભવિષ્યનો સવાલ છે. મોરચામાં કોંગ્રેસ
પરિવારની નેતાગીરી અને નીતિનો વિરોધ થવા લાગ્યો છે. મોદીને હરાવવા-હટાવવા માટે ઈન્ડિ
મોરચાની સ્થાપના થઈ. લોકસભાની ચૂંટણીમાં સફળતા-અમુક પ્રમાણમાં-મળી પણ તો પછી મોરચાને
એક પણ બેઠક મળી નથી અને એવી છાપ પડી છે, ટીકા થવા લાગી છે કે, આ મોરચો માત્ર રાહુલ
ગાંધીના ભવિષ્ય માટે જ સર્જાયો છે! રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી પણ અલગ ચૂંટણી
લડવા માગે છે. સીપીએમ કહે છે કે, ઈન્ડિ મોરચાના કારણે લેફટ-ફ્રન્ટ ડાબેરી મોરચામાં
ભંગાણ પડયું છે. જમણેરી સામ્યવાદી પક્ષ કોંગ્રેસ ભણી ઢળે છે અને ડાબેરી મોરચાનું હિત
જળવાતું નથી. મમતા બેનરજી તો શરૂઆતથી જ અલગ છે. કારણ કે, ઈન્ડિ મોરચાના બે સાર્થક પક્ષો-કોંગ્રેસ
અને માર્ક્સવાદી પક્ષ-તૃણમૂલ કોંગ્રેસ સામે છે! મહારાષ્ટ્રનાં પરિણામ પછી ભાજપ-વિશેષ
કરીને મોદીનો વિશ્વાસ-અને જુસ્સો વધે તે સ્વાભાવિક છે. રાહુલ ગાંધી અને એમના સાથી પક્ષો
સંસદમાં અને બહાર મોદી સરકારને ઘેરવા માગે છે. પંજાબના સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ
એમનું જૂનું આંદોલન ફરીથી શરૂ કરનાર છે. તમામ કૃષિ પેદાશો માટેના લઘુતમ ખરીદ ભાવની
કાયદેસર-લેખિત ખાતરી માગે છે. ઉપરાંત કિસાનોનાં તમામ દેવાં-લોન માફી અને વિશ્વવ્યાપાર
સંસ્થા તથા ફ્રીટ્રેડ એગ્રીમેન્ટનો પણ વિરોધ છે. કોંગ્રેસ પછી અને અન્ય રાજકીય વિપક્ષો
ઉપરાંત ભારતના શત્રુઓ પણ ભૂતકાળમાં કિસાન આંદોલનમાં જોડાયા હતા. હવે આપણા સ્વદેશી વિપક્ષી
નેતાઓ દેશભરમાં ઉત્પાદન-અશાંતિ જગાવવા માગે છે! મહારાષ્ટ્રમાં વોટ જેહાદ સામે ધર્મયુદ્ધ
થયા પછી દેશભરમાં વકફ સંપત્તિ અંગે અશાંતિ ભડકાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. હવે મોદી
એક રાષ્ટ્ર એક ચૂંટણીની દિશામાં આગળ વધશે જ એનો ભય વિપક્ષી નેતાઓને છે, તેથી વિરોધ
અને અવરોધથી એમને ઘેરવાના પ્રયાસ થશે. મહારાષ્ટ્રમાં આઘાડીના ઉદ્ધવ શિવસેના ઉપરાંત
કોંગ્રેસને જબરદસ્ત ફટકો-આઘાત લાગ્યો છે. ઉદ્ધવ સેના-20, કોંગ્રેસ-16 અને રાષ્ટ્રવાદી
કોંગ્રેસની 10 બેઠક મળીને 46 બેઠક સામે એકનાથ શિંદેને વધુ બેઠકો 57 મળી છે! આ પરાભવ
માટે કાવતરાં-વોટિંગ મશીનોની ગરબડ થઈ હોવાનો આક્ષેપ છે. હકીકતમાં મહાયુતિના વિજય માટે
લાડકી બહિણ યોજના ઉપરાંત બીજાં કારણો પણ છે. વોટ જેહાદનો પ્રચાર થયો. મૌલાના સજ્જદ
નોમાનીને આઘાડીના નેતાઓએ હેલિકોપ્ટર દ્વારા રાજ્યભરમાં પ્રવાસ-પ્રચાર કરવાની સગવડ આપી.
મૌલાનાએ 20 માગણી પત્રકાર પરિષદમાં જાહેર કરી હતી-જેનો સ્વીકાર થયાનું જણાવાય છે. મુસ્લિમને
નાયબ મુખ્ય પ્રધાન બનાવો, વક્ફ બોર્ડને સંપૂર્ણ સ્વાયત્ત સત્તા મળે, જમીન ઉપર હક્ક
અને મહારાષ્ટ્ર સરકાર એક લાખ એકર જમીન આપે. આરએસએસ ઉપર પ્રતિબંધ અને હુલ્લડ માટે અત્યાર
સુધી પકડાયેલા મુસ્લિમ શખસોને છોડી દેવા-આવી માગણીના અહેવાલ પછી યોગીએ બટેંગે તો કટેંગે
અને મોદીએ એક હૈં તો સૈફ હૈં-નું સૂત્ર આપ્યું-જે અ.જા. ઓબીસીને સ્પષ્ટ સંદેશ હતો.
આઘાડીના પરાભવ માટે તેના નેતાઓ જવાબદાર છે. ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમનો મુદ્દો ચગાવીને
ખુદકુશી કરી છે. હવે વોટિંગ મશીનને દોષ અપાય છે. ભૂતકાળમાં પણ આવી કાગારોળ મચાવી હતી.
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચે મશીનની કામગીરી અને વ્યવસ્થા બતાવવા, સાબિત કરવા માટે
ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું હતું અને ચૂંટણીપંચે તમામ પક્ષોને આમંત્રણ આપ્યું હતું-કે
આવો, મશીનમાં ગરબડ કરી બતાવો-ત્યારે કોઈ ફરકયા નહીં. સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી-ટપાર્યા
કે પરાજય થાય ત્યારે મશીન જવાબદાર અને વિજય થાય ત્યારે મશીન બરાબર હોય છે? મહારાષ્ટ્રમાં
ભાજપનો વિજય થયો નહીં-તો `ગરબડ' કેમ થઈ નહીં? - ચૂંટણીમાં ગોલમાલ થયાની ફરિયાદ-મુદ્દો
સૌપ્રથમ જનસંઘના વરિષ્ઠ નેતા બલરાજ મધોકે ઊઠાવ્યો હતો. ઈન્દિરા ગાંધીએ રશિયાથી સ્પેશિયલ
શાહી-ઇંક મગાવી હતી અને ફર્જી મતદાન થયાનો આક્ષેપ કર્યો હતો, પણ જનસંઘ સહિત કોઈ વિપક્ષે
આ મુદ્દો ગંભીર ગણ્યો નહીં. વોટિંગ મશીન બાબત ઘણા આક્ષેપ થયા છે-પણ પુરવાર થયા નથી.
હવે ઘણા દેશો આપણાં મશીન ખરીદીને ઈમ્પોર્ટ કરે છે! નાયબ મુખ્યપ્રધાનો અથવા નાયબ વડાપ્રધાનો
પણ વિવાદનો વિષય બન્યા છે. આઝાદી પછી ગાંધીજીના ટેકાથી નેહરુ વડાપ્રધાન બન્યા અને સરદાર
વલ્લભભાઈ પટેલે નાયબ વડાપ્રધાન પદ સ્વીકાર્યું. 1967 પછી ઈન્દિરા ગાંધી દાવેદાર હતાં,
પણ મોરારજીભાઈ દેસાઈ એમની સામે મેદાનમાં હતા. ચૂંટણી ટાળવા અને ગૂંગી ગૂડિયા-ઈન્દિરાને
વડાપ્રધાનપદે બેસાડવાં માટે કામરાજ અને અન્ય નેતાઓ સફળ થયા પણ એ જ વર્ષમાં મોરારજીભાઈએ
રાજીનામું આપી દીધું. 1977માં જનતા પાર્ટીને બહુમતી મળી અને મોરારજીભાઈને સંસદસભ્યોના
અભિપ્રાય-મત જાણ્યા પછી વડાપ્રધાન પદ મળ્યું. જયપ્રકાશજી અને આચાર્ય કૃપલાણીજીએ સભ્યોના
મત જાણ્યા હતા. જનતા સરકારમાં બાબુ જગજીવનરામ અને ચૌધરી ચરણસિંહને નાયબ વડાપ્રધાનની
સત્તા મળી. આ સમાધાનમાં પણ સમય લાગ્યો હતો.