• શુક્રવાર, 22 નવેમ્બર, 2024

જી-20 શિખર સંમેલનમાં માત્ર વાતોના વડાનો તાલ

વિશ્વની સામેના પડકારો દિવસોદિવસ ગંભીર અને મુશ્કેલ બની રહ્યા છે. મધ્યપૂર્વના સંઘર્ષ, રશિયા અને યુક્રેનના જંગ અને આફ્રિકાના દેશોમાં અશાંતિ ઉપરાંત જળવાયુ પરિવર્તનનાં જોખમો સહિતના પડકારોની યાદી લંબાતી જાય છે.  આમ તો વિશ્વના દેશો આ સમસ્યાઓના ઉકેલ માટે વિવિધ મંચો પર હકારાત્મક મંથન કરતા રહે છે અને આ પડકારોના સંદર્ભમાં ઘોષણાપત્રો પણ બહાર પાડે છે, પણ કમનસીબે આ મંત્રણાઓ અને તેના ફળ સ્વરૂપે બહાર પડાતા ઘોષણાપત્રો વાસ્તવિક અમલથી વેગળા રહેતા હોવાને લીધે વિશ્વ સામેના આ પડકારો વધુને વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરતા થયા છે.  હજી હમણા જ બ્રાઝિલના રિયો ડી જેનેરિયો ખાતે સંપન્ન થયેલી જી-20 જૂથના દેશોની શિખર મંત્રણામાં આવી જ કડવી વાસ્તવિકતા સામે આવી છે. દુનિયાભરને જી-20 જૂથના દેશોના પ્રભાવ અને વગ પર ભારે આશા રહેતી હોય છે.  આવામાં આ દેશોના નેતાઓની બેઠક મળતી હોય ત્યારે વૈશ્વિક પડકારોની સામે કોઇ નક્કર ઉકેલનો માર્ગ શોધી શકાય એના પર સ્વાભાવિક રીતે મીટ મંડાયેલી રહેતી હોય છે.  આવા દરેક શિખર સંમેલનમાં થાય છે તે રીતે આ પડકારોની ચર્ચા જરૂર થઇ અને બેઠકના અંતે આ સમસ્યાઓમાંથી માર્ગ કાઢવા માટે સમૂહિક સ્તરે આશા પણ વ્યક્ત કરાઇ,  પણ આવા શક્તિશાળી દેશો જ્યારે મંથન કરતા હોય ત્યારે કોઇ નક્કર ઉકેલ અને તેના અમલ માટેની રૂપરેખા મળે એવી દુનિયાને આશા હોય છે તે આ વખતે ફળીભૂત થઇ શકી નથી. જો કે સોમવારે બહાર પડાયેલા આ ઘોષણાપત્રમાં દુનિયાના 20 અગ્રણી અર્થતંત્ર ધરાવતા દેશોના વડાઓએ ભૂખમરાના પડકારને પહોંચી વળવા માટે એક વૈશ્વિક કરારની અનિવાર્યતા પર ખાસ આગ્રહ રાખ્યો હતો. સાથોસાથ ગાઝામાં મદદ પહોંચાડવા તથા યુક્રેનના જંગનો અંત આણવાનું આહ્વાન આ દેશોએ કર્યું.  ઉલ્લેખનીય એ છે કે આ શિખરમાં અમુક ચાવીરૂપ મુદ્દા પર સર્વસંમતિ વ્યક્ત થઇ શકી ન હતી.  આ સંયુક્ત યાદીમાં પણ તમામ દેશ સમંત થયા ન હતા.  ખાસ તો વિશ્વના અબજપતિઓ પર વૈશ્વિક કર લાદવાના અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદમાં હાલના પાંચ કાયમી સભ્યોની સંખ્યા વધારવાના મુદ્દા પર જી-20ના દેશ એકમત થઇ શક્યા ન હતા.  ઉલ્લેખનીય છે કે ભારત સલામતી પરિષદના કાયમી સભ્યપદ માટે લાંબા સમયથી રાજદ્વારી પ્રયાસ કરી રહ્યંy છે.  આ મુદ્દે ચર્ચા જરૂર થઇ પણ કોઇ નક્કર પરિણામ સામે આવી શક્યું ન હતું. ગાઝા અને યુક્રેનના જંગમાં અમેરિકા અને રશિયા જેવા શક્તિશાળી દેશોનાં વલણના લીધે ઉકેલ આવી શક્તો ન હોવાની વાત સૌ જાણે છે, તો આ બેઠકની ચર્ચા અને આહ્વાન અર્થવગરની બની રહી તે સ્વાભાવિક હતું. ખરેખર તો આવા મહત્ત્વના શિખર સંમેલનમાં શક્તિશાળી દેશો માત્ર ચર્ચા કરીને પોતાની જવાબદારી પૂરી થઇ હોવાનો દેખાવ કરે તે દુનિયા માટે ચિંતાની બાબત બની રહે છે. ખેરખર તો શિખર સંમેલનના અંતે નિર્ણાયક પગલાં લેવાની જાહેરાત થઇ હોત તો તેની સાર્થકતાની પ્રતીતિ વિશ્વને થઇ શકી હોત. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang