• શુક્રવાર, 22 નવેમ્બર, 2024

હથિયારનો પરવાનો સુરક્ષા માટે, પ્રદર્શન માટે નહીં...

ભુજ, તા. 21 : હાલ સોશિયલ મીડિયામાં સીન-સપાટા મારી પોતાનો રુઆબ બતાવવા રીલો વહેતી થાય છે, ત્યારે પોલીસ પણ કાયદાનો દંડૂકો છાશવારે પછાડી લાલઆંખ કરતી જોવા મળે છે. ભુજનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો શખ્સ પોતાની પરવાનાવાળી બંદૂક સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં વહેતી કરતાં પોલીસે બંદૂક જમા કરાવી કાયદાની નશ્યત આપતી કાર્યવાહી કરી હતી. ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ આજે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં લોકોમાં ભય ઊભો કરવા અમુક હથિયારના પરવાનેદારો તેઓના હથિયાર સાથે ફોટા-વીડિયો ઊતારી વાયરલ કરી રહ્યા છે, ત્યારે તેના પર વોચ રાખવા પોલીસ સ્ટાફને સૂચના અપાયેલી છે, ત્યારે એલ.સી.બી.ની ટીમને વિગતો મળી કે, સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં મોદીશા જમાનશા  શેખ (રહે. અનિશા પાર્ક-ભુજ)એ હથિયાર સાથે વીડિયો વાયરલ કર્યો છે. આથી મોદીશાની તપાસ કરી તેની પાસેથી પરવાનાવાળી બંદૂક પદ્ધર પોલીસે જમા લઇ તેની સામે હથિયારનું જાહેરમાં પ્રદર્શન કરવા બદલ આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જુગાર ક્લબ ધમધમાવવાના આરોપસર મોદીશા જમનશા પર જુગારધારા તળે અને ધાકધમકીના ગુના નોંધાઇ ચૂક્યા છે. એસ.પી. શ્રી સુંડાએ હથિયાર પરવાનેદારોને અપીલ કરી છે કે, તમારા પરવાનાવાળા હથિયારનું તમે કે અન્ય કોઇ જાહેરમાં પ્રદર્શન ન કરે તેનું ખાસ ધ્યાન રાખજો અન્યથા હથિયાર જમા લઇ નિયમાનુસાર કાર્યવાહી થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang