• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

અશાંત મણિપુરમાં લોકોનો હવે સરકાર સામે રોષ

મણિપુરમાં હિંસાની આગ દિવસો દિવસ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. દોઢ વર્ષ થવા આવ્યું, છતાં હિંસાને કાબૂમાં લેવાના તમામ પ્રયાસ વિફળ રહ્યા હોવાનું ચિંતાજનક ચિત્ર સામે આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે આ અશાંત રાજ્યમાં સલામતી દળોની સંખ્યા વધારી છે, તેની સાથે હવે ત્યાં એક લાખ જવાન તૈનાત થયા છે, પણ વિટંબણા એ છે કે, ગયાં વર્ષે મે મહિનામાં મૈતેઇ સમુદાયને જનજાતિનો દરજ્જો આપવાના સવાલ પર બે સમુદાય વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધી 225થી વધુ લોકોના જીવ ગયા હોવા છતાં હિંસાનો અંત હજી દેખાતો નથી. હિંસાને કાબૂમાં લેવાનાં કોઈ પગલાં અસરકારક જણાતાં ન હોવાને લીધે સરકાર પોતે લાચાર હોય એવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. થોડા સમય માટે હિંસામાં ઓટ આવ્યાના હકારાત્મક માહોલ ફરી એક વખત લોહિયાળ બની ગયો છે. હિંસક ઘટનાના નવા દોરમાં સામાન્ય લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. તાજેતરમાં એક મહિલાની હત્યા કરીને તેનાં ઘરને આગ ચાંપવાના બનાવ બાદ વાતાવરણ ફરી ભડકે બળી રહ્યું છે. સરકારની નિષ્ફળતા સામે હવે સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. લોકોના રોષનાં પરિણામે હિંસાની આગ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. લોકોનો રોષ એટલો બધો તીવ્ર છે કે, હવે ધારાસભ્યો અને મંત્રીઓનાં ઘરોને આગચંપી થઈ રહી છે. શનિવારે અને રવિવારે સંખ્યાબંધ ધારાસભ્યો અને મંત્રીઓનાં મકાનો પર લોકોનાં ટોળાંએ હુમલા કરીને ત્યાં મોટાપાયે તોડફોડ કરીને તેમને આગ લગાવી દીધી હતી. સ્પષ્ટ છે કે, રાજ્યમાં કૂકી અને મૈતેઇ સમુદાયો વચ્ચે લાંબા સમયથી ચાલતી હિંસાને કાબૂમાં લેવામાં સરકારની નિષ્ફળતા સામે હવે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. હિંસાના તાજા દોરમાં એમ જણાઈ રહ્યું છે કે, બન્ને સમુદાયના લોકો હવે આ દુશ્મનાવટથી વાજ આવી ગયા છે, પણ સરકાર દ્વારા સમાધાન કે શાંતિનાં કોઈ નક્કર પગલાં લેવાતાં ન હોવાની સામે હવે તેમની નારાજગી હિંસક રોષમાં પરિણમી રહી છે. સવાલ એ છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે તેનાં સલામતી તંત્રને તૈનાત કર્યું હોવા છતાં હિંસક ઘટનાઓ કાબૂમાં શા માટે આવતી નથી ? રાજ્ય સરકારની પોલીસની સાથે અન્ય સલામતી દળો અને લશ્કરે ત્યાં મોરચો સંભાળ્યો હોવા છતાં હિંસા કાબૂમાં આવતી નથી. આ મામલે સર્વોચ્ચ અદાલતે સંખ્યાબંધ વખત દરમ્યાનગીરી કરી છે અને કેન્દ્ર સરકારે તમામ પ્રયાસ કર્યા છે, પણ આ તમામ બાબતોની કોઈ અસર વર્તાઇ નથી, ઊલટું દિવસો દિવસ હાલત વધુ લોહિયાળ બનતી  જાય છે. આમ તો શાંતિ સ્થાપના માટે બન્ને સમુદાયો વચ્ચે સંવાદની પ્રક્રિયા શરૂ કરવાના ઘણી વખત દાવા કરાઈ ચૂક્યા છે, પણ તેનાં કોઇ નક્કર પરિણામ આવ્યાં નથી. સરકારે અદ્ધરતાલ રીતે આ પ્રક્રિયા હાથ ધરી હોવાની છાપ ઊભી થઇ ચૂકી છે. સરકારે ખરેખર ઇચ્છાશક્તિ અને સ્પષ્ટ દૃષ્ટિ સાથે સંવાદ હાથ ધરવા પર ધ્યાન આપવાની જરૂરત છે. હવે રાજ્યમાં કેન્દ્ર અનામત પોલીસ દળની વધુ 50 કંપનીને તાબડતોબ મોકલાઈ રહી છે, પણ અત્યારે પણ ત્યાં મોટી સંખ્યામાં સલામતી દળો તૈનાત હોવા છતાં શાંતિ સ્થાપી શકાઈ નથી. આવામાં સલામતી દળો વધારવાનાં પગલાંથી વિશેષ સંવાદની પ્રક્રિયાને વધુ વેગવાન અને અસરકારક બનાવવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ મણિપુરમાં જણાતો નથી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang