• શુક્રવાર, 22 નવેમ્બર, 2024

પર્થમાં આજથી પ્રથમ ટેસ્ટ : ભારત માટે અગ્નિપથ

પર્થ, તા. 21 : ઘરઆંગણે ન્યૂઝીલેન્ડના હાથે ટેસ્ટ શ્રેણીમાં સફાયા બાદ ભારે દબાણનો સામનો કરી રહેલી ટીમ ઇન્ડિયા શુક્રવારથી પર્થમાં શરૂ થઈ રહેલ પાંચ ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચમાં જ્યારે ઓસ્ટ્રેલિયા સામે મેદાને પડશે ત્યારે ઇન્ચાર્જ કેપ્ટન જસપ્રીત બુમરાહની ટીમની અને ખાસ કરીને તેના બેટધરોની અગ્નિપરીક્ષા થશે. ભારતીય ટીમે પાછલી બે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર હારનો સ્વાદ ચખાડયો છે, પણ તે હવે અતીતની વાત છે. આ વખતે ગૃહ ટીમ ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે લાગી રહ્યંy છે, કારણ કે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની 0-3ની કારમી હાર પછી ભારતીય ટીમનું મનોબળ જરૂર તૂટયું છે. જેની અસર શ્રેણીમાં જોવા મળી શકે છે. પર્થ ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર શુક્રવાર સવારે 7-પ0થી શરૂ થશે. વિરાટ કોહલી સહિતના ભારતીય ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ તેમની કારકિર્દીના આખરી પડાવ પર છે. ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટની શ્રેણી તેમની ભાવિ કારકિર્દીની દશા અને દીશા નકકી કરશે. ન્યૂઝીલેન્ડ સામેની હાર પાછી ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની મંઝિલ હવે દૂર થઈ છે. આ માટે ભારતે હરહાલમાં ઓસ્ટ્રેલિયા સામે 4-0 હાર આપવી પડશે.  બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ પાછલી બે ગૃહ શ્રેણીની હારનો હિસાબ ચૂકતે કરવા કટિબદ્ધ છે. પહેલી મેચમાં તેમની સામે નિયમિત કેપ્ટન રોહિત શર્મા, રિવર્સ સ્વિંગનો મહારથી મોહમ્મદ શમી અને ભાવિ કેપ્ટન શુભમન ગિલ નહીં હોય. જે પેટ કમિન્સની ટીમને ફાયદો અપાવી શકે છે. કરાણ કે કેપ્ટન રોહિતની અનુપસ્થિતિમાં ભારત પાસે બીજો સારો ઓપનર વિકલ્પ નથી. કે. એલ. રાહુલ અને નવોદિત અભિમન્યુ ઇશ્વરન સંઘર્ષરત છે. આ શ્રેણીમાં બોલરોનો દબદબો જોવા મળી શકે છે. ભારત પાસે દુનિયાના શ્રેષ્ઠ બોલર પૈકીનો એક બુમરાહ છે. જે પહેલી ટેસ્ટમાં કપ્તાની કરવાનો છે. સિરાજને ઓસ્ટ્રેલિયાની પીચનો અનુભવ છે, જ્યારે આકાશદીપ અને હર્ષિત રાણા બિનઅનુભવી છે. રાણા પ્રથમ ટેસ્ટની ઇલેવનનો દાવેદાર ખેલાડી છે. તેની સાથે પ્રસિદ્ધ કૃષ્ણા પણ રેસમાં છે. આ ઉપરાંત યુવા ઓલરાઉન્ડર નીતીશકુમાર રેડ્ડીને ભારતીય ઇલેવનમાં પદાર્પણની તક મળી શકે છે. પહેલી ટેસ્ટની પીચની સ્થિતિ જોતાં ભારતીય ઇલેવનમાં એક સ્પિનરના રૂપમાં અનુભવી અશ્વિનને તક મળી શકે છે, જ્યારે શુભમન ગિલના સ્થાને પડીક્કલ રમી શકે છે. સરફરાઝના બદલે ભારત ધ્રુવ જુરેલને ઉતારવાનું જોખમ લઈ શકે છે. વિકેટકીપર - બેટર રિષભ પંત આ વખતે પણ ટીમ ઇન્ડિયા માટે એક્સ ફેક્ટર બની શકે છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang