• મંગળવાર, 26 નવેમ્બર, 2024

રશિયા અને યુક્રેનનું યુદ્ધ વધુ ભીષણ

નવી દિલ્હી, તા. 21 : યુક્રેન-રશિયા યુદ્ધ હવે ભયાનક સ્થિતિમાં પહોંચતું દેખાઈ રહ્યું છે. યુક્રેન દ્વારા રશિયાના શહેરો ઉપર અમેરિકી અને બ્રિટિશ મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ રશિયાએ પણ પોતાની ચાલ ચાલી છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલાં યુદ્ધમાં પહેલી વખત યુક્રેન ઉપર ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. હજારો કિલોમીટર દૂર કોઈપણ શહેરને બરબાદ કરવાની ક્ષમતા ધરાવતા મિસાઈલનો યુદ્ધની શરૂઆત બાદ કથિત રીતે પહેલો ઉપયોગ છે. બીજી તરફ રશિયાના અધિકારીઓએ આ મામલે હજી સુધી કોઈપણ ટિપ્પણી કરી નથી. યુક્રેની વાયુસેનાએ કહ્યું છે કે રશિયાના હુમલામાં મધ્ય પૂર્વના શહેર દનિપ્રોને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે નિવેદનમાં નુકસાન અંગે કોઈપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલની રેંજ હજારો કિલોમીટરની હોય છે અને તેનો ઉપયોગ પરમાણુ હથિયારથી હુમલા માટે થઈ શકે છે. યુક્રેની વાયુસેનાએ હુમલા દરમિયાન છ ક્રુઝ મિસાઈલને તોડી પાડી હતી. વાયુસેનાએ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારોનું વિવરણ આપતા કહ્યું હતું કે રશિયાની સૈન્ય છાવણીમાંથી એક ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી. આ પહેલા યુક્રેને રશિયા સામે અમેરિકામાં બનેલા એટીએસીએમએસ અને બ્રિટનમાં નિર્મિત સ્ટોર્મ શેડો હથિયારનો ઉપયોગ કર્યો છે. આ દરમિયાન વધતા તણાવને ધ્યાને લઈને અમેરિકા અને અમુક યુરોપીય સંઘના દેશોએ બુધવારે કિવમાં પોતાના દૂતાવાસોને બંધ કરવાનું એલાન કરી દીધું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang