ભુજ, તા. 21 : રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતની કડક પાબંદી છતાં આ
આદેશને ઘોળીને ધોરીધરાર પી જવા સાથે શરૂ થયેલું ભારવાહક વાહનોમાં ઓવરલોડ માલ ભરવાનું
દૂષણ કાબૂમાં આવી શકયું નથી. નોંધપાત્ર અને ગંભીર મુદો્ વર્તમાન સ્થિતિને જોતાં એ સામે
આવી રહયો છે કે વ્યાપક કહી શકાય તેવા પ્રયાસો અને શિક્ષાત્મક-દંડનીય કામગીરી વચ્ચે
પણ આ બદી કાબૂમાં આવવાના બદલે ઉત્તરોત્તર વધી રહી છે. કચ્છ જિલ્લામાં ખેતી અને પશુપાલન
પછીનો સૌથી મોટો વ્યવસાય ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાય છે. નાના-મોટા સેંકડો ભારવાહક વાહનો
આ ધંધા સાથે જોડાયેલા છે. એક જમાનામાં પાનધ્રો ખાણ અને લિગ્નાઇટ પરિવહનને લઇને સોનેરી
દિવસો જોઇ ચૂકેલા આ વ્યવસાયમાં ધરતીકંપ બાદ શરૂ થયેલા ઔદ્યૌગિકીકરણના દોરએ ઓવરલોડની
ભેટ આપી છે. ખાનગી પરિવહનમાં અનેકવિધ રજુઆતો અને લડાયક કાર્યક્રમો પછી આજેય હજુ પોષાય
તેવા ભાડાં અપાતાં નથી, તો આ મામલે સંલગ્ન સંગઠનોની પીપુડી પણ જોઇએ તેવી વાગતી ન હોવાથી
ભારવાહક વાહનનો માલિક નાછુટકે ઓવરલોડમાં જોતરાવા લાગ્યો છે. ઓવરલોડ વાહનોના કારણે થઇ
રહેલા જીવલેણ સહિતના નાના-મોટા અકસ્માતો અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ તુટવા જેવી ફરિયાદો
સાંભળવાનો અત્યારે જાણે કોઇને સમય નથી. તો કામગીરીના રૂપકડા કહી શકાય તેવા આંકડાઓ ચોપડે
ચડાવીને અસરકારક કામ કર્યાનો ઓડકાર ખાનારા સંલગ્ન તંત્રોની નીતિ પણ ઉપરનું મળે તેટલું
લઇ લેવાની રહેતી આવતી હોવાથી ઓવરલોડનું દૂષણ કાબૂમાં આવવાનું નામ જ લેતું નથી. તાજેતરમાં
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો કલીપો અને આ સબંધી ફરિયાદો વર્તમાન સમયના માહોલનો
આબેહુબ ચિતાર આપનારી બની રહી છે. સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ મનાઇ અને તંત્રની સર્વગ્રાહી
કાર્યવાહી થતી હોવાના દાવા વચ્ચે ઓવરલોડ ઘટવાને બદલે કેમ વધી રહ્યો છે તેવા સવાલ સાથે
પરિવહન ક્ષેત્રે સંકળાયેલા અનુભવીઓ સાથે વાતચીત કરતા નાના-મોટા સૌનો એકીઅવાજે એક જ
સુર સાંભળવા મળ્યો હતો કે જયાં સુધી પોષણક્ષમ ભાડાં નહીં મળે ત્યાં સુધી આ બદી બંધ
થશે જ નહીં. ઓવરલોડનો મુખ્ય વ્યાપ અત્યારે જિલ્લામાં આંતરિક માલ હેરફેરને કેન્દ્રિત
બની રહયો છે. હાલે પરિવહન થતા વિવિધ માલસામાન પેટે ખાનગી એકમો દ્વારા ચુકવાતા ભાડા
અને વાહનના ફેરા દીઠ થતા ખર્ચનો તુલનાત્મક રીતે અભ્યાસ કરતા આંકડાઓ ઉપરથી જણાઇ આવે
છે કે નિયત કરાયેલી ક્ષમતા મુજબનો માલ લઇને ચાલવામાં લાખના બાર હજાર થાય તેમ છે. પરિણામ
સ્વરૂપ મોંઘાં ઇંધણ અને પૂર્જાના આ સમયમાં ઇચ્છા ન હોવા છતાં ઓવરલોડ તરફ જવું પડે છે.
બીજીબાજુ ભારવાહક વાહનોના માલિકો પણ આ બાબતને સમર્થન આપતા જણાવી રહયા છે કે પોષાય તેવા
ભાડા મળવાના મુદે્ અત્યાર સુધી અનેક રજુઆતો-લડતો થઇ ચૂકી છે, પણ હજુ સુધી પરિણામ મેળવી
શકાયું નથી. એકબાજુ સરકારી રાહે પરિવહન કરાવનારા સામે આ મામલે જોઇએ તેવું દબાણ કરાતું
નથી, તો બીજીબાજુ જવાબદાર સંગઠનો પણ અત્યાર સુધી ખાસ કાંઇ પરિવર્તન લાવવામાં સફળ રહયા
નથી. અલબત જવાબદાર સૌ સચવાઇ જતા હોવાથી પણ લાંબા સમયનો આ પ્રશ્ન ઉકેલાતો ન હોવાનો વસવસો
આ વર્ગ વ્યકત કરી રહયો છે. દરમ્યાન ઓવરલોડથી ગ્રામ્ય વિસ્તારના રસ્તા તુટવા સહિતની
ફરિયાદો સાથે અમુક જાગૃત ગામો જાગૃતિના કે લડાયક કહી શકાય તેવા કાર્યક્રમો આપી પોતાની
લાગણીનો પડઘો પાડી ચૂકયા છે. આમ છતાં સર્વોચ્ચ અદાલતના આદેશના સરેઆમ ઉલ્લંઘનથી ઓવરલોડની
પ્રક્રિયા રોજેરોજ ચાલુ છે. ખરેખર તો જિલ્લાના પ્રવેશદ્વારો ખાતે જે રીતે વજનકાંટા
સહિતની ચેકપોસ્ટ કાર્યરત છે તેવી હંગામી ચેકપોસ્ટ આંતરિક માર્ગો ઉપર પણ તૈનાત કરાય
અને પૂર્ણનિષ્ઠા સાથેની કામગીરી હાથ ધરાય તો એક કિલો ઓવરલોડ પણ શકય ન બને તેમ અનુભવીઓ
કહી રહ્યા છે.