પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગનાં કારણે પ્રથમ વર્ષનાં એક છાત્રનાં
મૃત્યુની ઘટનાએ આપણા સમાજના પ્રત્યેક સંવેદનશીલ માણસને વિચલિત કરી મૂક્યા હશે. શૈક્ષણિક
કાળ દરમ્યાન રેગિંગની ઘટનાઓ હવે આપણા માટે જરાય અસામાન્ય રહી નથી, પણ પાટણમાં પીડિત
છાત્રનાં મૃત્યુની ઘટના જરાય સામાન્ય નથી. પરિચયનાં નામે તેને અને અન્ય જૂનિયર વિદ્યાર્થીઓને
જે રીતે ગાળો ભાંડવામાં આવી, શારીરિક અને માનસિક ઉત્પીડન કરવામાં આવ્યું, તે પરપીડન
વૃત્તિની પરાકાષ્ઠા કહેવાય. આ અમાનવીય ઘટનાએ ફરીથી સાબિત કરી દીધું છે કે, હોસ્ટેલ
અને કેમ્પસમાં રેગિંગ રોકવા માટે કોઈ જ નક્કર વ્યવસ્થા કરવામાં આવેલી નથી અને સુપ્રીમ
કોર્ટનાં કડક દિશાનિર્દેશોને પણ ઘોળીને પી જવાયા છે. રેગિંગની મોટાભાગની ઘટનામાં કાર્યવાહીની
કવાયત ત્યારે જ શરૂ થાય છે, જ્યારે કોઈ કમનસીબ ઘટના ઘટીને મામલો ચકચારી બની જાય છે.
જો કે, પાટણનાં કિસ્સામાં ત્વરિત કાર્યવાહી કરવામાં નથી આવી તેવું કહી શકાય તેમ નથી.
ઘટનાનાં બે દિવસમાં જ 15 છાત્ર બિનઈરાદાપૂર્વક હત્યાનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો
હતો. તેમને કોલેજમાંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા પણ આમાં જો પીડિતનાં પરિજનોને ન્યાય
મળી જાય તોય કંઈ તેમનું સંતાન ભણીગણીને કંઈ ઘરે પરત આવવાનું નથી. ખરેખર તો જે કોઈ સંસ્થામાં
આવી ઘટના બને તેની સામે પણ સખત કાર્યવાહી થવી જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની આડમાં
જે પ્રકારની વિકૃત અને હિંસક માનસિકતા પોતાનાં પગ પસારી ચૂકી છે, તે જોતાં આપણે કબૂલવું
પડશે કે આને માત્ર કાનૂની નજરે નહીં બલ્કે સામાજિક દૃષ્ટિએ પણ જોવાની આવશ્યકતા છે.
પીડિતની જેમ જ આરોપી છાત્રો પણ આપણા સમાજનો જ હિસ્સો છે અને તેમનાં માનસમાં કોઈને શારીરિક
કે માનસિક યાતના આપવાની વૃત્તિ ક્યાંથી પેદા થઈ તે આપણે વિચારવાની જરૂર છે. કોઈને હેરાન-પરેશાન
કરીને મજા લેવી એ વળી કેવી કુંઠિત માનસિકતા? શાળાકીય અભ્યાસ પૂરો કરીને કેટલાય અરમાનો
સાથે હોંશે-હોંશે કોલેજમાં પ્રવેશતા નવોદિતો સાથે અભદ્ર દુર્વ્યવહારની સીમા પણ ઓળંગીને
જંગાલિયત ઉપર ઊતરી જવું એ દેખાડે છે કે, યુવાનોનાં એક વર્ગમાં સામાજિક શિષ્ટાચાર તો
દૂર, માનવીય સંવદનાઓનાં બીજું આરોપણ પણ થયેલું નથી. આખરે આમાં જવાબદારી કોની? જો રેગિંગનાં
નામે પોતાની વિકૃતિની હિંસક અભિવ્યક્તિ કોઈપણ શૈક્ષણિક પરિસરમાં થાય તો તેનો સીધો અર્થ
એ થાય છે કે, પરિવાર, સમાજ અને શિક્ષણ સંસ્થાઓથી ક્યાંક ચૂક થઈ છે. ઉચ્ચ શિક્ષણમાં
જો છાત્રો આવી રીતે અપરાધીઓની માફક વર્તશે તો ભવિષ્યમાં તેમની પાસેથી શું આશા, અપેક્ષા
રાખી શકાશે?