• શુક્રવાર, 22 નવેમ્બર, 2024

લોકતંત્ર અમારા ડીએનએમાં : મોદી

જોર્જ ટાઉન, તા. 21 : કેરેબિયાઈ દેશો ગુયાના અને ડોમિનિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા હતા. આ અવસરે ભારત અને ગુયાના વચ્ચે 10 મહત્ત્વના સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા હતા. વડાપ્રધાન મોદી અને ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલી વચ્ચે બેઠક બાદ ભારત અને ગુયાના વચ્ચે હાઈડ્રોકાર્બન, ડિજિટલ ચૂકવણાંની વ્યવસ્થા, ફાર્માસ્યુટિકલ, સુરક્ષા જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે 10 સમજૂતી કરાર  થયા હતા. ગુયાનાની સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું  હતું કે, લોકતંત્ર અમારા ડીએનએમાં છે. ભારતની ભાવના માનવતા પ્રથમની ભારતે ગુયાનાના લોકોના કૌશલ્ય વિકાસમાં મોટું યોગદાન  આપ્યું છે. ભારત ગુયાનામાં જનૌષધિ કેન્દ્ર ખોલશે.  મોદીએ જણાવ્યું હતું કે, ગુયાના ભારતની ઊર્જા સુરક્ષામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ ક્ષેત્રમાં બન્ને દેશ વચ્ચે  લાંબાગાળાની ભાગીદારી માટે એક રૂપરેખા તૈયાર કરાશે. ડિજિટલ પેમેન્ટ સમજૂતી કરારનાં કારણે ગુયાનામાં ભારતની યુપીઆઈ ડિજિટલ ચૂકવણાંની પ્રણાલી લાગુ થવાની સંભાવના ખૂલી છે. વડાપ્રધાન મોદીએ કેરેબિયાઈ દેશોના પ્રતિનિધિઓ સાથે બીજા ભારત-કેરીકોમ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. ભારત અને ગુયાના વચ્ચે બન્ને દેશના કૃષિ સંસ્થાનોમાં સહયોગ વધારવાના સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર થયા હતા. મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ઈરફાન ભારતીય સમુદાયના બ્રાન્ડ એમ્બેસેડર  છે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને મોદીને સર્વોચ્ચ સન્માન `ધ ડોમિનિકા એવોર્ડ ઓનર'થી સન્માનિત કર્યા હતા. ગુયાનાએ `ઓર્ડર ઓફ એક્સલન્સ' અને બાર્બાડોસે  `ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ'થી મોદીને નવાજ્યા હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સન્માનનો દેશવાસીઓને સમર્પિત કરતાં કહ્યું હતું કે, આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang