• શુક્રવાર, 22 નવેમ્બર, 2024

આદિપુરમાં કચરો સળગાવી લીલાં વૃક્ષોનો સોથ વાળી દેવાયો

ગાંધીધામ, તા. 21 : અહીંના આદિપુર ખાતે આવેલી જનતા કોલોની નજીક રેલવે સ્ટેશન રોડ પર દોઢેક દાયકા પહેલાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઝાડનું વાવેતર કરાયું હતું. જેની આસપાસ પાછલા કેટલાક સમયથી કચરાનો નિકાલ કરીને આગ લગાડવામાં આવતી હોવાથી  વૃક્ષોનો સોથ વળી ગયો છે. ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષગંગા અભિયાન અંતર્ગત રેલવે સ્ટેશન રોડ પર એસજીએક્સ વિસ્તાર સામે પર્યાવરણનું જતન થાય તેવા ઉમદા હેતુથી હજારો વૃક્ષોનું વાવેતર કરાયું હતું. બાદ આ વૃક્ષોમાં સમયાંતરે જાળવણી, પાણી છંટકાવ સહિતની કામગીરીથી ઝાડનો ઉછેર કરવામાં આવ્યો હતો. હાલે આ વૃક્ષો ઘટાદાર અને અહીંથી પસાર થતા લોકોની આંખો ઠારી રહ્યા છે, પરંતુ પાછલા કેટલાક સમયથી આ વૃક્ષોની આસપાસ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. નગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ કરવામાં ન આવતાં ગંજ ખડકાઈ ગયા છે. જેને લીધે અમુક વ્યક્તિઓ કચરાનો નિકાલ કરવાને બદલે તેમાં આગ લગાડી દેવામાં આવે છે. ત્યારે વૃક્ષો નીચે આગ લગાડવામાં આવતા ઝાડના થડ અને ડાળીઓ બળી ગઈ હતી. પરિણામે પર્યાવરણ પ્રેમીઓમાં કચવાટ સાથે રોષની લાગણી પ્રવર્તી ગઈ છે. પંચરંગી નગરમાં વૃક્ષોના વાવેતરમાં આમ તો નીરસતા જણાઈ આવે છે. તેવામાં જાગૃત નાગરિકો દ્વારા વર્ષોથી ઉછેર કરવામાં આવતા અને 25-30 ફૂટ ઊંચા ઘટાદાર વૃક્ષોની જાળવણી કરવામાં પણ નીરસતા જોવા મળી રહી છે. જેથી આ બાબતે વન વિભાગ દ્વારા પણ દરમિયાનગીરી કરાય તેવી માંગ પ્રબળ બની છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang