મુંબઈ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : બુધવારે મહારાષ્ટ્ર
વિધાનસભાની ચૂંટણીના મતદાન બાદ એક્ઝિટ પૉલના વરતારાના આધારે રાતથી જ મહાયુતિ અને મહાવિકાસ
આઘાડીના ઘટક પક્ષોમાં મુખ્ય પ્રધાનપદની રેસ શરૂ થઇ ગયાની ચર્ચા છે. મતગણતરી અને ચૂંટણીના
પરિણામ તો 23 નવેમ્બર, શનિવારે આવશે, પરંતુ હજુ તો એક્ઝિટ પૉલ આવ્યા છે ત્યાં જ બંને
ગઠબંધનમાં મુખ્ય પ્રધાનની ચર્ચા શરૂ થઇ છે. આઘાડીમાં તો કૉંગ્રેસ, ઉદ્ધવ સેના અને શરદ
પવારની રાષ્ટ્રવાદી લગભગ એકસરખી બેઠક પર ચૂંટણી લડી રહી હોવાથી ત્યાં મોટું ઘમસાણ મચ્યું
હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બુધવારે એક્ઝિટ
પૉલમાં મોટા ભાગની એજન્સીઓના અનુમાન મહાયુતિની જીત દર્શાવતા હતા અને દેવેન્દ્ર ફડણવીસ
કમ સે કમ ભાજપ તરફથી મુખ્ય પ્રધાનપદના નિર્વિવાદ દાવેદાર હોવાનું કહેવાય રહ્યું છે.
નાગપુરમાં જ ચૂંટણી લડી રહેલા ફડણવીસ બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના
સરસંઘચાલક મોહન ભાગવતને મળ્યા હતા. બીજી તરફ, આઘાડી તરફથી આજે કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ
નાના પટોલેએ પણ કૉંગ્રેસના મુખ્ય પ્રધાન બનશે એવો દાવો કરતા ઉદ્ધવ સેનાનાં ભવાં વંકાયાં
હતાં અને સંજય રાઉતે પટોલેને ટોણો મારતા કહ્યું હતું કે, પહેલા દિલ્હીમાં બેઠેલા કૉંગ્રેસ
હાઇ કમાન્ડ (ગાંધી પરિવાર)ના આશીર્વાદ લઇ આવો અને પરિણામ આવી જવા દો. જોકે, મહાયુતિમાં
પણ વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (શિવસેના) ભલે અગાઉ આ બાબતે ખૂલીને કંઇ બોલ્યા
નથી, પરંતુ એ સહેલાઇથી બલિદાન આપશે એવું માનવું ભૂલ ભરેલું છે.