ગાંધીધામ, તા. 21 : શહેરના 400 કવાર્ટર, વોર્ડ -12-બીમાં જાહેરમાં
વિદેશી ઈ-સિગારેટ વેચતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી રૂા. 20,500ની
સિગારેટ જપ્ત કરાઈ હતી. આ શખ્સે ક્યાંથી સિગારેટ લીધી હતી તે પોલીસ ઓકાવી શકી નહોતી.
આ શહેર અને સંકુલમાં મોટાપાયે વિદેશી ઈ-સિગારેટ- વેપનો ધંધો ધમધમી રહ્યો છે. ત્યારે
સમયાંતરે પોલીસ નાની માછલીઓને પકડીને કામ કર્યાનો ઓડકાર લે છે. આવા કિસ્સાઓમાં મોટા
મગરમચ્છોનાં નામ ગમે તે કારણે બહાર આવતાં નથી, જેના કારણે અનેક તર્કવિતર્ક વહેતા થયા
છે. ગુરુકુળ, બેંકિંગ સર્કલ વગેરે જગ્યાએ પાનની દુકાનોમાં આવી વિદેશી સિગારેટ મળતી
હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શહેરના 400 કવાર્ટર વોર્ડ-12-બી મકાન નંબર 72-73 પાસે
એક શખ્સ કાળા રંગના થેલામાં પ્રતિબંધિત ઈ-સિગારેટ ભરીને બેઠો છે અને તેનું વેચાણ કરે
છે તેવી પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી હતી અને અહીં સિગારેટ વેચતા
પ્રિન્સ પ્રકાશ ગુવાલાણી નામના યુવાનને પકડી પાડયો હતો. તેની પાસેથી જુદા-જુદા ફલેવર, બ્રાન્ડની સીગારેટનાં
15 પેકેટ કિંમત રૂા. 20,500નો જથ્થો હસ્તગત કરાયો હતો. આ શખ્સે પ્રતિબંધિત સિગારેટ
કયાંથી લીધી હતી તે પોલીસ ઓકાવી શકી નહોતી.