પાકિસ્તાનમાં
યોજાનારી આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટ ટુર્નામેન્ટ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે
આઈસીસીની ટ્રૉફી ટૂરનું આયોજન કર્યું હતું, જેમાં પાકિસ્તાન અંકુશ હેઠળના કાશ્મીર એટલે
કે પીઓકેનો સમાવેશ કરાયો હતો, પણ ભારતીય ક્રિકેટ બોર્ડના ભારે વિરોધ પછી આઈસીસીએ આ
ટ્રૉફી યાત્રાના પ્રમોશનલ ઈવેન્ટ પર રોક લગાવી દીધી છે. આ ટુર્નામેન્ટ રમવા માટે ભારતે
પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો પહેલેથી જ ઈનકાર કરી દીધો હોવાથી ચૅમ્પિયન્સ ટ્રૉફીના
પાકિસ્તાનમાં આયોજન અંગે હજી પણ દ્વિધા પ્રવર્તી રહી છે. પાકિસ્તાનમાં નહીં રમવાના
ભારતના નિર્ણયનું કારણ પાકિસ્તાનની ભારતવિરોધી કાર્યવાહીઓ મુખ્ય છે. એક તરફ આતંકવાદ
દ્વારા ભારતમાં હિંસાચાર કરાવવો અને બીજી તરફ ભારત સાથે સંબંધ સુધારવા માટે હાથ આગળ
કરવો એવી ભૂમિકા પાકિસ્તાને લીધી છે. આ બેવડા વલણને લઈ ભારત-પાકિસ્તાન વચ્ચેના બધા
સંબંધોમાં ઓટ આવી છે. આતંકવાદને પ્રોત્સાહન અને શાંતિ મંત્રણા એક જ સમયે ન થઈ શકે,
એવી ભારતની અગાઉની ભૂમિકા પાકિસ્તાનનું આજ સુધીનું વર્તન જોતાં ભૂલભરેલી કહી શકાય નહીં.
હવે આઈસીસીની ટ્રૉફી પીઓકેમાં ફેરવવા સામે વિરોધ લીધા પછી આઈસીસીએ તે મંજૂર રાખતાં
બીસીસીઆઈની ભૂમિકા તર્કસંગત જણાય છે. છેલ્લાં દશ વર્ષથી બન્ને દેશો વચ્ચે દ્વિ-પક્ષી
ક્રિકેટ સંબંધો બંધ છે. આ પહેલાં પણ કારગિલ યુદ્ધ પછી ભારતે આવું જ વલણ લીધું હતું.
હાલ પણ પાકિસ્તાન સાથેના ભારતના સંબંધોમાં સુધારણા દૃષ્ટિપાત નથી થતી. કારણ કે પાકિસ્તાન
પુરસ્કૃત આતંકવાદ અટક્યો નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જમ્મુ વિસ્તારમાં આતંકવાદીઓના
હુમલા વધ્યા છે, જેનાં ષડયંત્ર પાકિસ્તાનની ભૂમિ પર રચાયાં હતાં. ચૅમ્પિયન્સ ટ્રૉફી
આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે. પાકિસ્તાનમાં આતંકવાદે માથું ઊંચક્યા પછી ત્યાં છેલ્લાં
પચીસ વર્ષમાં એક પણ બહુ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધા રમાઈ નથી. કુલ આઠ
દેશ સ્પર્ધામાં સામેલ થવાના છે, પણ ભારતનો સહભાગ સૌથી મહત્ત્વનો ઠરે છે. એક તો આંતરરાષ્ટ્રીય
ક્રિકેટમાં હાલ ભારતનો દબદબો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ ભારતમાં
જ નહીં પણ પાકિસ્તાનમાં પણ ખૂબ લોકપ્રિય છે. જેકે, સ્પર્ધામાં ભારતના સહભાગ વિના આર્થિક
દૃષ્ટિએ તે સફળ ન થઈ શકે તેને લઈ આ સ્પર્ધામાં ભારતનું સહભાગી થવું પાકિસ્તાન માટે
અત્યંત આવશ્યક છે. આમ પણ ખોટમાં ચાલી રહેલા પાકિસ્તાન બોર્ડને આ આયોજન ન થવાથી મોટો
ફટકો પડી શકે છે. આ લક્ષમાં લેતાં ભારતે ઈસ્લામાબાદ પર આતંકવાદ રોકવા માટે નક્કર પગલાંથી
દબાણ લાવી કેટલીક શરતો પર ટીમને પાકિસ્તાન મોકલવાની ચર્ચા છે. ડૉ. મનમોહન સિંઘ અને
તે પહેલાં અટલબિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે ભારતે આવા પ્રકારની `િક્રકેટ ડિપ્લોમસી'
હાથ ધરી હતી. કારગિલ યુદ્ધ પછી બંને દેશમાં અટકેલી ક્રિકેટ શરૂ થઈ હતી. `ખેલ હી નહીં, દિલ
ભી જીતીએ' એવી શુભેચ્છા વાજપેયીએ ટીમને આપી હતી, પણ અત્યારે `આતંકવાદ રોકો અને
શાંતિ સ્થાપી ક્રિકેટ રમો' પર ભાર આપવાની જરૂર છે.