• શુક્રવાર, 22 નવેમ્બર, 2024

દેશનું અર્થતંત્ર ખેતી આધારિત, ખેતી ગાય આધારિત

અંબર અંજારિયા દ્વારા : ભુજ, તા. 21 : અન્નપૂર્ણા દેવીના દૂત સમાન કિસાન પણ કૃષ્ણ જેવા છે ભલા... કૃષ્ણ ભગવાનની બે માતા રહી... જન્મદાત્રી દેવકી અને પાલક જશોદા... એ જ રીતે કિસાનોની પણ બે માતા છે... એક જન્મ દેનારી અને બીજી માતા છે ગાયમાતા... કુદરતને ખેતીમાં મદદ કરવા માટે જ ગાયમાતાનું સર્જન થયું હશે... ખેતીપ્રધાન દેશનું અર્થતંત્ર ખેતી આધારિત રહ્યું છે. એ જ રીતે ખેતી ગાય આધારિત રહી છે. આવી `ગૌવત્સલ' સમજણ સાથે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા બે વર્ષ પહેલાં છેડાયેલાં `ગાય આધારિત ખેતી અભિયાન'ને સુંદર પ્રતિસાદ મળવા માંડયો છે. ગાય પાળનારને યુરિયા, ડીએપીના ખર્ચ નહીં કરવા પડે તેવો સંદેશ આ અભિયાન આપે છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન-દાસજીની પ્રેરણાથી છેડાયેલાં આ કિસાન અને કૃષિ પોષક અભિયાનને ત્રીજું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે આ અભિયાનના સૂત્રધારોએ `કચ્છમિત્ર' સાથે વાત કરતાં કહ્યું હતું કે, `ગાય આધારિત ખેતી અપનાવો, તંદુરસ્તી પરિવારમાં લાવો'ના સૂત્ર સંદેશ સાથે ભુજ મંદિરે આ અભિયાનમાં જોડાઇ, ગાયની મદદથી ખેતી કરવાનું આહ્વાન કર્યું છે. પ્રકૃતિના ખોળે ખેતી કરીને ખાસ તો જમીન માટે જડીબુટ્ટી સમાન ગોબર, ગૌમૂત્રના ખાતરનું પેષણ આપવા તેમજ  શક્ય હોય ત્યાં સુધી દેશી બીજ પોંખવાની સલાહ અભિયાનના સંચાલક સંતવૃંદ, તજજ્ઞો તરફથી મળી છે. બે વર્ષ પહેલાં ભુજ શહેરમાં યોજાયેલા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કાયમી પ્રવૃત્તિ રૂપે `ગાય આધારિત ખેતી અભિયાન'નો પ્રારંભ કરાયો હતો, જેને અત્યારે જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. - સંપૂર્ણ બિનસાંપ્રાદાયિક ખેતી અભિયાન : કોઇ ધાર્મિક સંસ્થા ખેતી અને ખેડૂત તેમજ ખાનાર સમાજના ભલાં માટે આવી પ્રેરક પહેલ કરે, એ ખરેખર મોટી વાત છે. અહીં ખાસ જાણવા જેવી વાત `કચ્છમિત્ર'એ એવી જાણી છે કે, કોઇ પણ નાત-જાત-ધર્મ-પંથના ભેદ વિના કિસાનો આ અભિયાનમાં જોડાઇ શકે છે. આ અભિયાનમાં વિશ્વાસભેર જોડાયેલા મુસ્લિમ, અનુસૂચિત સમજોનો કિસાનોના વાડી-ખેતરમાં પણ સંતો, કાર્યકરો માર્ગદર્શન આપવા જાય છે. અભિયાનની માહિતી અને સંકલન સહિતની ચાવીરૂપ ભૂમિકાઓ ભજવતાં પ્રાકૃતિક ખેતીના પ્રખર પ્રચારક મેઘજીભાઇ હીરાણી કહે છે કે, કચ્છના વિવિધ વિસ્તારોમાંથી 300 જેટલા ખેડૂતો જોડાઇ ચૂક્યા છે. શરૂઆતમાં ખેડૂતે અડધાથી બે એકર સુધીની જમીનમાં ગાયની મદદથી ખેતી પ્રાયોગિક ધોરણે કરવાની હોય છે. જો કે, આ પ્રયોગમાં મળેલી સફળતાથી ઉત્સસાહિત થઇને ઘણા કિસાનોએ 30-40 એકરમાં પણ ગાય આધારિત ખેતી કરવા માંડી છે. અભિયાન માટે ખાસ રચાયેલા વોટ્સએપ ગ્રુપમાં નિયમિત માર્ગદર્શન ખેડૂતોને અપાય છે, તેવું પ્રચાર-પ્રસારમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા અગ્રણી સમાજચિંતક રામજીભાઇ વેલાણી કહે છે. ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત ગાય આધારિત અભિયાનની મુખ્ય સમિતિ રચાઇ છે, જેમાં અક્ષરપ્રિય સ્વામી, દેવચરણ સ્વામી અને શ્યામચરણ સ્વામી  એ ત્રણ સંત સાથે ભુજ મંદિરના ટ્રસ્ટી અરજણભાઇ વેકરિયા, રામજીભાઇ વેલાણી, મનોજભાઇ સોલંકી, મેઘજીભાઇ હીરાણી, દિનેશભાઇ વાલાણી, અરવિંદભાઇ સેંઘાણી અને રમેશભાઇ દબાસિયા સક્રિય છે. અભિયાનમાં જોડાવા માટે તૈયાર કરાયેલા ખેડૂત અરજીપત્રકમાં એક એકર દીઠ એક દેશી કાંકરેજ ગાય રાખવી ફરજિયાત હોવાની `ગૌવત્સલ' શરત સામેલ કરાઇ છે. ગાય આધારિત ખેતી અભિયાન હેઠળની જમીન પર માત્ર ગોબર, ગૌમૂત્ર જેવા જૈવિક તત્ત્વોનો જ ઉપયોગ કરી શકાશે. કોઇ પણ જાતના રાસાયણિક ખાતર, જંતુનાશકોનો ઉપયોગ કરી શકાશે નહીં. અભિયાન હેઠળ ગોબર ગેસ પ્લાન્ટ બનાવવાની પહેલ હાથ?ધરાઇ?છે, જેમાં 15 હજાર રૂપિયા ખેડૂતે જાતે ખર્ચવાના અને 15 હજાર રૂપિયા ભુજ મંદિર તરફથી અપાય છે. કચ્છમાં ચાર પ્લાન્ટ બન્યા છે. ધીમે ધીમે, તમામ 300 ખેડૂતોને આવરી લેવાશે. અભિયાનના અસરકારક અયોજન, અમલીકરણ માટે બનાવાયેલા આઠ પ્રદેશમાં સલાહ, માર્ગદર્શન આપવા ભુજ મંદિર દ્વારા ગાય આધારિત ખેતીનું પ્રશિક્ષણ મેળવેલા યુવા પ્રવાસી કાર્યકરોની નિયુક્તિ કરાઇ છે. આ કાર્યકરો સહભાગી કિસાનોના વાડી-ખેતરની નિયમિત સમયાંતરે મુલાકાત લઇને જરૂરી માર્ગદર્શન આપે છે. અભિયાનની મુખ્ય સમિતિમાં સામેલ બળદિયાના દિનેશભાઇ વાલાણી અને નારણપરના અરવિંદભાઇ સેંઘાણી એ બે ખેડૂતોની વાડી ગાય આધારિત ખેતી માટે `મોડેલ' (નમૂનારૂપ) છે. શિયાળામાં સંપૂર્ણ પ્રામાણિકતા સાથે ગાયની મદદથી ખેતી કરીને ઘઉં પોંખનાર અભિયાનના સહભાગી ખેડૂતોએ ઘેરબેઠાં 50થી 60 રૂપિયા કિલોના ભાવે ઘઉંનું વેચાણ કર્યું હતું. અભિયાનના સૂત્રધારો વિધિવત્ રીતે ગાયથી ખેતીના સમજ, શિક્ષણ આપે છે. નેનો ટેક્નોલોજીથી 200નાં સ્થાને 20 લિટરમાં બની જતાં જીવામૃતના ઉપયોગનાં સુંદર પરિણામો મળ્યાં છે. એક એકર જમીનમાં 300 જેટલા 10 ફૂટ ઊંડા, નવ ઇંચ પહોળા ખાડા કરી તેમાં ગાયના છાણ-મૂત્ર સાથેનું કમ્પોસ્ટ ખાતર ભરી દેવાથી વરસાદી પાણી બહાર નીકળ્યાં વિના જમીનમાં ઊતરી જાય છે, જેનાં પગલે ઊછરતા બેકટેરિયા, અળસિયાં જમિનને પોચી, ફળદ્રુપ બનાવે છે. આ ખાડા કરીને ખાતર ભરવાની કવાયતથી જમીન માટે જડીબુટ્ટી જેવો ઓર્ગેનિક કાર્બન જમીનમાં વધે છે. મેઘજીભાઇ હીરાણી કહે છે કે, કચ્છમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.2થી 0.7 ટકા છે. મેં ખાડા કરી ખાતર ભર્યા પછી છ મહિનામાં જ મારી જમીનમાં ઓર્ગેનિક કાર્બન 2.7 ટકા થઇ ગયો. ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બેથી ઉપર થઇ જાય એટલે જમીન ખૂબ જ ફળદ્રુપ થઇ જાય. પછી યુરિયા, ડીએપી જેવા રાસાયણિક ખાતરોનું ઝેર પીવડાવીને જમીનને બગાડી નાખવાની શું જરૂર છે, તેવું ગાય આધારિત અભિયાનના સૂત્રધાર સંતો, કાર્યકરો એકી અવાજે કહે છે. એક મહત્ત્વની વાત કરતાં મેઘજીભાઇ કહે છે કે, વિવિધ વાડી-ખેતરોમાં જઇને ગાયથી ખેતીનાં પરિણામો જાણીને ડેટાબેઝ તૈયાર થઇ રહ્યો છે. જમીનમાં ઓર્ગેનિક કાર્બન, પીએચ, પોટાસ, નાઇટ્રોજન, ફોસ્ફરસનું પ્રમાણ તેમજ પાણીમાં પીએચ, ટીડીએસનું સ્તર જાણવા માટે લેબ ટેસ્ટ ભુજ મંદિરની મદદથી વિનામૂલ્યે કરાયા છે. હજુ ત્રણ વર્ષે પ્રગતિ કેટલી થઇ તેના મૂલ્કયાંકન માટે ફરી ટેસ્ટ કરાશે. હજુ ભવિષ્યમાં કંઇ નવું કરવાના વિચારો ખરા, તેવું પૂછતાં મેઘજીભાઇ અને રામજીભાઇ કહે છે કે, ભુજ સ્વામિનારાયણ મંદિરના માધ્યમથી ફાર્મર્સ પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશન (એફપીઓ)ની રચના કરી, ખેતપેદાશોનું માર્કેટિંગ તેમજ મૂલ્યવૃદ્ધિ ખેડૂતો પાસેથી કરાવવાનાં લક્ષ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang